‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

પારણાનાં લક્ષણઃ સાહિત્યકાર વજુ કોટકની મનોભૂમિમાં સાહિત્યનું બીજ રોપાયું હતું ફુવાના ઘરે

વજુ કોટકને ઘડનારા અનેક ઘડવૈયાઓ હતા. એમાંના એક હતા, એમના ફુવા કેશુભાઈ ચંદારાણા. વજુભાઈ દસ વરસના હતા ત્યારે ફુવા કેશુભાઈ ચંદારાણા એમને રાજકોટથી અમદાવાદ લઈ આવ્યા હતા. એ પ્રસંગનું હૃદયસ્પર્શી વર્ણન વજુભાઈએ એમના પુસ્તક ‘બાળપણના વાનરવેડા’માં કર્યું છે. વજુભાઈના ઘડતરમાં કેશુભાઈનો સિંહફાળો હતો. (વાંચો વિગતવાર લેખ…)

પિતા સમા કેશુભાઈ ચંદારણા સાથે વજુ કોટકઃ એને સંસ્કાર અને કેળવણી આપ્યા એવો દાવો હું કરતો નથી

પાંત્રીસ વર્ષ પહેલાં દસ વર્ષનો એક કિશોર રાજકોટમાં રખડીને ભાવનગર મારે ઘેર રહેવા આવ્યો. એના મુખ પર તરવરાટ હતો, આંખોમાં બુદ્ધિની ચમક હતી, મગજમાં તોફાન ભર્યું હતું, હૃદયમાં ભાવના હતી. સ્વપ્નના તરંગો પર એ ઊડતો હતો. સુકલકડી શરીર નબળું હતું. જિંદગીમાં બાલ્યાવસ્થાનું પ્રકરણ પિતાને ત્યાં પૂરું કરીને કિશોરાવસ્થાનું પ્રકરણ મારે ત્યાં-ફુવાને ત્યાં શરૂ કરવા આવ્યો હતો. વજુ કોટકનું ઘડતર એ રીતે મારી પાસે શરૂ થયું, પણ એ કોઈનો ઘડ્યો ઘડાય એવો ન હતો. એણે જીવનના કડવા-મીઠા અનુભવો વડે આપબળે પોતાનું જીવન ઘડ્યું. તે મારી છાયામાં ઊછર્યો અને મેં તેને સંસ્કાર અને કેળવણી આપ્યાં એવો દાવો હું નથી કરતો.

ફુવા… કેશુભાઈ ચંદારાણા

મને યાદ છે એક પ્રસંગ. ‘શામળદાસ કૉલેજ’માં વજુ ભણતો હતો ત્યારે તેણે કૉલેજના સામયિકમાં એક કંડિકા લખી હતી. તેણે લખ્યું: ‘અમારા કમ્પાઉન્ડમાં એક મોટો પપૈયો છે, એની નીચે ચીકુનો એક છોડ છે. બાજુમાં ખુલ્લા આકાશ નીચે ચીકુનો એક બીજો છોડ છે. તે ખૂબ ઊંચો વધી ગયો, પણ પપૈયાની છત્રછાયા નીચેનો છોડ વધી શકે નહીં. આથી તેણે પેલા વધી ગયેલા અને ફૂલીફાલી રહેલા છોડને કહ્યું: ‘અલ્યા, આપણે બન્ને ભાઈ છીએ, છતાં તું એટલો મોટો થઈને ફૂલવાફાલવા લાગ્યો ત્યારે હું કેમ વિકાસ પામી શકતો નથી?’ પેલા ફૂલીફાલી રહેલા ચીકુએ કહ્યું: ‘એનું કારણ એ છે કે તું કોઈની છત્રછાયા નીચે પડી રહ્યો છે, ત્યારે હું સ્વતંત્ર રીતે ખુલ્લા આકાશ નીચે આપબળે મારો વિકાસ સાધું છું!’

આ દ્રષ્ટાંતમાં વજુના સ્વતંત્ર મિજાજની, પુરુષાર્થની અને તેની ખુમારીની ઝાંખી થાય છે.

અને ખરેખર, વજુએ પોતાનાં મન અને શરીરનો વિકાસ આપમેળે સાધ્યો. મારે કોઈ દિવસ તેના અભ્યાસ માટે ચિંતા કરવી પડી નથી. હું ઘરમાં જે પુસ્તકો વાંચતો હોઉં તે મારી ગેરહાજરીમાં વજુ વાંચી નાખે. એ રીતે સાહિત્યકાર વજુ કોટકની મનોભૂમિમાં સાહિત્યનું બીજ ત્રણ દાયકા પહેલાં રોપાયું હતું.

સરદાર પૃથ્વીસિંહ તે જમાનામાં ભાવનગરમાં છદ્મવેશે સ્વામીરાવ રૂપે રહેતા. એમની મુખ્ય પ્રવૃત્તિ વ્યાયામ. નવી પ્રજાને તેમણે ખડતલ અને સાદા જીવનની પ્રેરણા આપી. વજુએ એ પ્રેરણા ઝીલી લીધી અને વ્યાયામ વડે શરીરને મજબૂત અને કસાયેલું બનાવ્યું. સાથે રાષ્ટ્રવાદના રંગે પણ રંગાયો. પંડિત સુંદરલાલનું ‘પરાધીન ભારત’ નામનું પુસ્તક અંગ્રેજ સરકારે જપ્ત કર્યું હતું. મારી પાસે તેની એક નકલ હતી. વજુ તે વાંચી ગયો. પછી પરીક્ષામાં ઈતિહાસના પ્રશ્નપત્રના જવાબમાં તેણે જે લખ્યું તે ઈતિહાસના સરકાર માન્ય પાઠ્યપુસ્તકા જવાબ ન હતા, પણ પંડિત સુંદરલાલે લખેલા રાષ્ટ્રીય ઈતિહાસના જવાબ હતા. પરિણામે વજુ નપાસ થાય એમાં કંઈ નવાઈ છે?

વજુમાં સાહિત્ય સાથે કળાનાં બીજ પણ નાનપણથી ઊગ્યાં હતાં. એક દિવસ મારા જમાઈએ કિશોર વજુને બે આના વાપરવા આપ્યા. એ બે આનાનો વજુએ પાવો લીધો અને પાવા ઉપર સારેગમના સૂર બેસાડવા લાગ્યો. પછી તો વજુ અને વાંસળી વચ્ચે મહોબ્બત જાગી. વજુના હોઠ ઉપર વાંસળી ફરે અને રાતે જ્યારે જગત નિદ્રાને ખોળે પોઢ્યું હોય ત્યારે વજુએ છેડેલા બંસીના માદક સૂર હવામાં લહેરાતા હોય. મને પાછળથી ખબર પડી કે વજુના દાદા બંસી બજાવતા અને એ કળા વજુને સંસ્કારમાં વરી હતી. તે પછી જ્યારે વજુ અમદાવાદ જઈ વસ્યો ત્યારે પણ તેણે વાંસળીને તજી દીધી ન હતી. અમદાવાદના સાહિત્યકારોને હજી પણ દોઢ-બે દાયકા પહેલાં વાંસળી પર સૂર છેડતા અને નિજાનંદે મસ્ત રહેતા વજુની યાદ આવે છે.

નાનપણથી જ વજુની નટખટ પ્રકૃતિ નામચીન હતી. એના વાનરવેડા અને ઉપદ્રવ, તોફાન અને મસ્તી આજે પણ ઘણાને યાદ છે, પણ એ વાનરવેડામાંય વજુની તીવ્ર કુશાગ્ર બુદ્ધિ તરી આવે છે. એક દિવસ અમે સિનેમા જોવા ગયેલા. વજુને પાન લેવા મોકલ્યો. વધેલા પૈસા એણે પાછા ન આપ્યા, પણ એમાંથી તોફાન કરવાનું સાધન ખરીદ્યું. અમે ઉપર બાલકનીમાં બેઠેલા. પ્રેક્ષકો સિનેમા જોવામાં મશગૂલ હતા. થિયેટરમાં પંખા ફરતા હતા. અચાનક બધા પ્રેક્ષકો છીંકાછીંક કરવા લાગ્યા. કોઈની આંખો બળી, કોઈનું નાક બળ્યું. અનેક પંખાઓથી વીંઝાતી હવામાં સર્વત્ર છીંકણી હતી. કહેવાની જરૂર નથી કે એ પરાક્રમ વજુનું હતું, પણ કોઈને તેની ખબર ન પડી. એ તો જાણે કંઈ જાણતો જ નથી એમ ડાહ્યોડમરો બનીને બેસી રહ્યો!

વાનરવેડા કરવામાં પણ વજુની દયાળુ વૃત્તિ હંમેશાં દબાઈ જતી નહીં. અમારા પડોશમાં એક વૃદ્ધ માજી રહે. એક દિવસ તેઓ એક મોટી દૂધી લાવ્યાં. વાંદરાની નજરે ફળ ચડે તો એ લાલચને રોકી શકે ખરો! રસોડામાં માજીની પીઠ ફરી કે તરત દૂધી ગાયબ! પછી વજુને વિચાર આવ્યો કે વૃદ્ધ માજી દૂધી શોધતાં હશે અને તેમના મનમાં સંતાપ થતો હશે. એમની આવી મશ્કરી ન કરવી જોઈએ. દયાથી વજુનું દિલ દ્રવ્યું અને રાતે માજીના બારણામાં દૂધી ટાંગી આવ્યો. સવારે માજી ઊઠીને બારણું ઉઘાડે ત્યાં ખોવાયેલી, વિયોગ પામેલી દૂધી ઊછળીને માજીને ભેટી પડી!

વજુ ડરે નહીં, પણ બીજાને ડરાવવાની તક ઝડપી લે. અમે અમદાવાદ હતા ત્યારે એક દિવસ બહુ ભારે વરસાદ તૂટી પડ્યો. વજુ નિશાળેથી આવી ગયો, પણ મારી દીકરીઓ હજી નહોતી આવી. બહેનો માટે વજુને બહુ મમતા. તરત તે બહેનોને લઈ આવવા દોડ્યો. વચ્ચે નાળું હતું અને સામે કાંઠે બહેનો હતી. ધસમસતાં પાણીથી ડર્યા વિના વજુ એમાં ઊતર્યો અને સામે કાંઠેથી બહેનોને હેમખેમ ઉગારી લાવી ઘરભેગી કરી.

ભાવનગરમાં અમારા મકાન પાસે જ દક્ષિણામૂર્તિ ભવન એટલે હરભાઈ, નાનાભાઈ ભટ્ટ, ગિરીશકાકા, ગોપાલરાવભાઈ, ભાસ્કરભાઈ, વિદ્વાંસ, વગેરેના ગાઢ સંસર્ગમાં વજુ આવ્યો. એ સૌનો લાડકાવાયો હતો.

સવારે પાંચ વાગે ડૉ. લાભભાઈને પાયખાને જવાની ટેવ. એક દિવસ વજુને તોફાન સૂઝ્યું. એક કાળો સાડલો વીંટીને વજુ રાહ જોતો ઊભો. જેવા લાભભાઈ બહાર નીકળ્યા કે વજુ તેમને વળગ્યો. અંધારું અને કાળા સાડલાવાળી ચુડેલ! લાભભાઈએ ચીસ પાડી અને વજુ હસી પડ્યો. જેવી ખેલદિલીથી વજુએ આ નાટક કર્યું એવી ખેલદિલીથી લાભભાઈએ એનો પડઘો પાડ્યો અને બન્ને ખૂબ હસ્યા. આવી રીતે એક રાતે તેણે નાટકની દાઢી-મૂછો ચોડીને પડોશમાં ઘૂસીને સ્ત્રી-બાળકોને પહેલાં ગભરાવ્યાં અને પછી હસાવ્યાં.

વજુ બહાર ખાટલા ઉપર સૂવે ત્યારે ઓશીકા નીચે ગુરખાની કૂકરી રાખે. એક રાતે વજુનો ચેપ મને લાગ્યો અને મેં તેની હિંમતની પરીક્ષા કરી. કૂકરી લઈને હું તેને માથે ચડી બેઠો. અખાડામાં કસાયેલા વજુએ કુનેહથી મારું કાંડું સજ્જડ પકડી લીધું. તેની હિંમત અને ચપળતા જોઈને હું ચકિત થઈ ગયો.

અમારી બાજુના બંગલાની શેઠાણીએ પોતાના મકાન અને અમારા મકાનની વચ્ચે કાંટાળા તારની વાડ કરી, પણ સવારે જુએ તો રોજ તાર તૂટી ગયેલા હોય. આથી શેઠાણીએ ચોકી કરવા એક ચોકિયાતને બેસાડ્યો. ચોકિયાત ખુરસી નાખીને બેઠો. રાતે એ પેશાબ કરવા ગયો અને પાછો આવીને જુએ તો એટલી વારમાં ખુરસી પણ ગાયબ! સવારે શેઠાણીએ ગુસ્સે થઈને પોલીસને બોલાવ્યા, પણ ખુરસી ન મળે! પાસે જ એક વાડ હતી. એમાં ઊભો મોલ હતો. ખુરસી એમાં પગ કરી ગઈ હતી! બે-ત્રણ દિવસ પછી વાડીવાળાને ખુરસી મળી અને તે શેઠાણીને આપી આવ્યો.

કેશુભાઈ પરિવારની બહેનો સાથે ભાઈ વજુ કોટક અને શ્રીમતી મધુરી કોટક

સાહિત્યકાર તરીકે અને પત્રકાર તરીકે વજુ જેમ તેની આંખે ચડે તેને કટાક્ષના અને શબ્દબાણનાં નિશાન બનાવતો તેમ નાનપણમાં કોઈ ને કોઈ એની તોફાની વૃત્તિનાં નિશાન બની જતા. મારી પાસે એક ઍરગન હતી. એક દિવસ તે વજુના હાથમાં ચડી. પછી તો રસ્તા ઉપરથી છત્રી ઓઢીને નીકળતા માણસોની કેટલીય છત્રીઓ કાણી થઈ ગઈ. શાકભાજીવાળીઓનાં શાકભાજી વીંધાઈ ગયાં. મને ખબર પડતાં જ મેં ઍરગન કબજે કરી લીધી.

વજુના ભણતરની ચિંતા મેં કદી નથી કરી, પણ તેના તોફાનની ચિંતા કરવી પડતી. હાઈ સ્કૂલમાં વજુ ચડ્ડી અને ખમીસ પહેરીને જાય. એક દિવસ હેડ માસ્તરે હુકમ કર્યો કે ચડ્ડી નહીં, લેંઘો પહેરવો. વજુએ હુકમ ન માન્યો. એ સ્વતંત્ર મિજાજનો છોકરો, પોતાને ગમે તે પહેરે, બીજા ફરમાવે તે કેમ પહેરે? મને પણ લાગ્યું કે હેડ માસ્તરનો હુકમ યોગ્ય નથી એટલે મેં વિરોધનો કાગળ લખ્યો. હેડ માસ્તરના કડક વલણથી વિદ્યાર્થીઓએ હડતાળ પાડી. સ્વામીરાવ અને હરભાઈ હેડ માસ્તરને મળ્યા. છેવટે દીવાન સાહેબે વચ્ચે પડીને ચડ્ડી ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લીધો. વજુની અને બીજા વિદ્યાર્થીઓની જીત થઈ. આ બનાવ વજુ માટે પાછળથી બ્રિટિશ સરકાર સામે લડવાની તાલીમ બની ગયો.

નાનપણમાં જ તેણે લેખનકળા પર હાથ અજમાવ્યો હતો અને તેમાં એની બળવાખોર વૃત્તિ અને કટાક્ષ તરી આવતાં હતાં. એક દિવસ તેણે એક નાનકડી વાર્તા લખી. તેમાં એક શેઠાણીની સ્વાર્થી અને લોભીવૃત્તિ ઉપર કટાક્ષ હતો. શેઠાણી જાતજાતની વાનગી બનાવતી હતી. એક ભિખારણ ભીખ માટે કરગરતી હતી, પણ શેઠાણીએ એે ધુત્કારી કાઢી. તે સાંભળીને કાગડો બોલ્યો, આવા માણસો પાસેથી માગ્યે ન મળે, પણ જો આમ મળે એમ કહીને કાગડો ઊડ્યો અને ઝાપટ મારીને વાનગી ચાંચમાં ઉપાડી ગયો!

જે છોકરો ચીકુના છોડે પણ આપબળે વધવાની સલાહ આપે તે નાનપણથી જ સ્વાશ્રયી હોય એમાં આશ્ચર્ય શું? પોતાનું તો ઠીક, પણ ઘરનું બધું કામ કરી નાખવામાં પણ તેને એવો જ ઉત્સાહ. કપડાં ધોઈ નાખે અને ઘંટીએ દળવા પણ બેસી જાય. વ્યાયામ સાથે કામ થાય. મહેનતનું કોઈ કામ કરવામાં નાનપ ન લાગે.

1930માં ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે વજુ જેવો બળવાખોર કેમ ઝાલ્યો રહે? તે લડતમાં સામેલ થવા થનગનતો હતો. મારી રજા માગી. મેં કહ્યું: ‘હું કેમ રજા આપું! તું તો મારી પાસે પારકી થાપણ છે. તારા પિતા રજા આપે તો જા.’ હું જાણતો હતો કે તેના પિતા પણ રજા નહીં આપે. તે હજી કાચી વયનો હતો. તે રજા લેવા રાજકોટ ગયો. પિતાએ રજા ન આપી ત્યારે વગર રજાએ ગાંધીજીના સાબરમતી આશ્રમમાં પહોંચી ગયો. કાકા કાલેલકરે તેની નાની વય જોતાં લડતમાં મોકલવાને બદલે આશ્રમમાં રોકી રાખ્યો, પણ વજુ કંઈ એ માન્ય રાખે? ત્યાંથી ભાગીને તે વીરમગામ નાનાભાઈ ભટ્ટની છાવણીમાં પહોંચ્યો. એને શું કામ સોંપવું? સત્યાગ્રહમાં તો લાઠીનો માર ખાવાનો હતો, જેલમાં જવાનું હતું, પણ વાનરવેડાના શોખીન વજુભાઈને યોગ્ય કામ મળી ગયું. તેને વાનરસેનાનો સરદાર બનાવવામાં આવ્યો.

સત્યાગ્રહની લડતમાં વજુના વાનરવેડા પણ કામ લાગ્યા. વજુ ગધેડાને પૂંછડે ફટાકડા કે ડબ્બા બાંધીને એને કલેક્ટરની ઑફિસના કમ્પાઉન્ડમાં તગેડી મૂકે!

યુવાન વજુ આપબળે, પુરુષાર્થથી પોતાની કારકિર્દી રચવા મુંબઈ ગયો. એના તોફાન મેં જાણ્યાં હતાં તેથી ઘણાં વધુ ને વધુ ચોંકાવનારાં પણ હતાં, પરંતુ એ બધા અનુભવનું દોહન કરીને, સંસારના કડવા-મીઠા પ્રસંગોમાંથી તેણે બોધપાઠ લઈને પોતાના મનોરાજ્યને સમૃદ્ધ કર્યું. વજુ પાસે એ જ મૂડી હતી. સ્વતંત્રતા અને સ્વાશ્રયીનો હિમાયતી આપબળે જીવ્યો અને ઝઝૂમ્યો.

વજુ મુંબઈ ગયો. એના માટે મુંબઈનું જીવન એક સંગ્રામ જેવું હતું. એમાં તેણે ઘણા કડવા ઘૂંટડા પીધા, ઠોકરો

ખાધી, દુ:ખ ભોગવ્યાં, નાણાભીડ ભોગવી, પણ કદી તે નિરાશ ન થયો, ન કદી તેણે મારી મદદ માગી, ન કદી તેણે મારી પાસે પોતાની મુસીબતોની વાત કરી. એ સામી છાતીએ લડ્યો, ગૌરવથી માથું ઊંચું રાખીને જીવ્યો, જીત્યો અને મૃત્યુની વેદના પર પણ વિજય મેળવીને પોઢી ગયો.