‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

લગ્નનો ચાંદલો

કરસનકાકા લગ્નમાં ચાંદલો આપવાને બદલે લઈ આવ્યા એ વાતની ખબર જ્યારે મને પડી ત્યારે મેં કાકાને કહ્યું:

‘કાકા, તમારા જેવા માણસને આ ન શોભે, હોં. કોઈના લગ્નપ્રસંગે ગિરદીનો લાભ લઈને તમે એક ખૂણે નાનું ટેબલ લઈને બેસી ગયા અને ચાંદલો લેવા માંડ્યો પછી પૈસા લઈને ચાલતા થયા. આ સારું કહેવાય?’

‘પણ એમાં મેં ખોટું શું કર્યું છે? જે ગૃહસ્થે દીકરી પરણાવી છે એમાં એણે વેપારી હિસાબથી જ કામકાજ કર્યું છે.

લગ્નમાં એણે વીસેક હજારનો ખર્ચ કર્યો અને કુલ એે ચાંદલાના જ પિસ્તાલીસ હજાર આવ્યા. ચોખ્ખો એણે પચ્ચીસ હજારનો ફાયદો કર્યો છે. મેં તો માત્ર બસ્સો-પાંચસો જ લઈ લીધા છે. એમાં કંઈ ખોટું નથી કર્યું.’

‘પણ તમારા જેવા સદ્દગૃહસ્થ થઈને આવું કામ કરે એ મને તો યોગ્ય નથી લાગતું.’

કાકાની વિચારસરણી આજે બદલી ગઈ હતી અને મને હવે તો બીક લાગવા માંડી હતી કે કાકાનું પરિવર્તન થોડા વખતમાં થઈ જાય તો નવાઈ નહીં. લક્ષ્મીનો મોહ એવો છે કે ભલભલા સંન્યાસીઓને સંસ્કારને પલટો લેતાં વાર નથી લાગતી. એવા ઘણા માણસો જોવામાં આવે છે કે જેઓ આપણને કહે છે કે અમે તમને મદદ કરવા માટે આવ્યા છીએ-તમારું ભલું કરવા માગીએ છીએ, પણ આવું કહેનારા મોટા ભાગના લોકો પોતાનું ભલું કેમ થાય એનો પહેલો વિચાર કરતા હોય છે. કાકા પણ પારકાનું ભલું કરવાની વાતો કરવાવાળાઓમાનાં એક છે. પહેલાં તો હું એમને એક મહાન સેવક માનતો હતો-સમાજ-સુધારક ગણતો હતો, પણ ચાંદલાની ચોરી પછીથી એમના પ્રત્યેથી માન ઊતરી ગયું. મને થયું કે મારો અને એમનો સંબંધ તૂટતો હોય તો ભલે તૂટે, પણ જો એમનામાં આવું જ પરિવર્તન થવાનું હોય તો પછી એમની સાથે ફરવા નીકળવામાં ફાયદો નથી. મેં દલીલ કરી:

‘કાકા, નાની નાની બાબતમાં ચોરી કરવી એ યોગ્ય નથી એથી આત્મા અશાંતિ ભોગવે છે. તાત્કાલિક ફાયદો થવાથી ભલે તમને આનંદ જણાતો હોય, પણ મનની શાંતિ તમને નહીં મળે.’

કાકા માને એમ ન હતા. એમણે કહ્યું: ‘વજુ, આપણા સમાજમાં જેટલા પૈસાદાર છે એ બધા મોટા ચોર છે. કોઈ મૅનેજિંગ એજન્સી રાખીને ચોરીઓ કરે છે તો કોઈ કાળાબજારમાંથી ધન કમાય છે તો કોઈ કરવેરા છુપાવીને પૈસા મેળવે છે, કોઈ માલમાં ભેળસેળ કરીને ધનવાન બને છે, કોઈ અમલદાર લાંચ લઈને પૈસા કમાય છે, કોઈ જુગારથી તો કોઈ સટ્ટાથી. આપણા સમાજમાં વ્યવસ્થિત રીતે જે ચોરી અને લૂંટફાટ થાય છે એટલી સાચી ચોરીઓ તો થતી જ નથી. તું માને કે ન માને, પણ આપણા બધામાં થોડેઘણે અંશે ચોરનો અંશ રહેલો જ છે. કોઈનામાં વધારે છે તો કોઈનામાં ઓછો છે. ભીખ માગવા સિવાય એવો એક પણ ધંધો નથી કે જેમાં ચોરી કરવાનો અવકાશ ન હોય. તું દલીલ કરીશ કે શિક્ષકો ધંધો એવો છે કે જ્યાં ચોરી નથી થતી, પણ દોસ્ત, ત્યાંય હવે એનું પ્રમાણ વધતું જાય છે. ઘણા શિક્ષકો એવા છે કે જે માર્ક્સનો ભાવ રાખીને બેઠા છે. એનો ભાવ તમે આપો કે એ તમને પાસ કરી દે! ઘણા લોકો ટ્યૂશન રાખે છે. ટ્યૂશન આપનારા મોટા ભાગના શિક્ષકો એમના શિષ્યોને પાસ કરાવી દે છે. તું સદ્દગૃહસ્થની વાત કરે છે, પણ દરેક ચોર ત્યાં સુધી સદ્દગૃહસ્થ છે કે જ્યાં સુધી એ પકડાતો નથી. બોલ, હવે તારે શું કહેવું છે? નાનાથી માંડીને મોટા સુધી બધા ચોર છે.’

મેં કહ્યું: ‘આ જાતની વિચારસરણી જ ખોટી છે અને ધારો કે એવું હોય તો પછી કાકા, એનો અર્થ એ નથી કે આપણે પણ એવા થઈ જવું. કાકા, મેં એવા ઘણા માણસો જોયા છે કે જેઓ ભલે નફો ઓછો મળતો હોય, છતાં પણ વેપારની રીતે વેપાર કરે છે અને પાછા મોજ કરતા જોવામાં આવે છે. તાત્કાલિક ફાયદા કરતાં લાંબે ગાળે જો નીતિનું ધોરણ ટકાવી રાખીને ફાયદો થતો હોય તો એ વધારે સારું છે. અનીતિથી ભાગ્ય જરૂર ચમકે છે, પણ એ ચળકાટ પૈસા પર ચડાવેલા પારાના ચળકાટ જેવો છે. એની આવરતા બહુ જ ટૂંકી હોય છે. કાકા, માનો કે ન માનો, પણ અનીતિનો પૈસો લાંબો વખત ટકી શકતો નથી. કંઈ ને કંઈ આફત એવી આવે છે કે જેમાં માણસને ઘણું સહન કરવું પડે છે. તમે જો એમ માનતા હો કે કરેલાં કર્મી સજા નથી થતી તો તમારી ભૂલ છે. કુદરત કોઈ ને કોઈ હિસાબે આપણને સજા કર્યા વિના છોડતી જ નથી, માત્ર આપણને એ નથી સમજાતું કે કયા કર્મી સજા છે. આપણા ન્યાયાધીશો પાસે સજા કરવા માટે માત્ર જેલ અને ફાંસી છે, જ્યારે ઉપર જે ન્યાયાધીશ બેઠો છે એની પાસે તો અનેક રસ્તા છે. અલ્લાની લાકડી ગુનેગારને એવી રીતે સજા કરે છે કે જે વાગે છે, છતાં પણ દેખાતી નથી. કાકા, પ્રભુએ મૃત્યુનું સર્જન એટલા માટે કર્યું છે કે જેથી પ્રાણી માત્રને ખયાલમાં રહે કે મરતી વખતે એ કંઈ નથી લઈ જવાનો! જે માર્ગેથી જે ચીજ આવે છે એ જ માર્ગે એ પાછી ચાલી જવાની છે! એ કુદરતનો સનાતન નિયમ છે. આ નિયમને તમે કે હું કદી તોડી શકવાના નથી. માટીમાંથી ફળ પેદા થાય છે અને આખરે એ જમીન પર જ પડે છે. કુદરતનો એવો કોઈ પણ કાયદો નથી કે જે અનીતિને માર્ગે લઈ જવાનું સૂચન કરતો હોય!’

મારા શબ્દો સાંભળીને કાકા ઊંડા વિચારમાં તો પડી ગયા, પણ એ પોતાની હઠ છોડે એવા ન હતા. કાકાએ કહ્યું:

‘તું બધી એવી વાતો કરે છે કે જેનો અમલ કરવો મુશ્કેલ છે. તારા અને મારા વિચારો વચ્ચે સદા અંતર રહેતું આવ્યું છે. મને લાગે છે કે મેં કંઈ ખોટું નથી કર્યું. ખોટે માર્ગે જ પૈસો મેળવીને આજકાલ બધા લહેર કરે છે. નીતિ જેવું તો મને ક્યાંય દેખાતું જ નથી. આજે તો તું જેને અનીતિ ગણે છે એ જ નીતિમાં ખપે છે.’

‘નહીં કાકા, તમારી ભૂલ છે. તમારે જો આવા જ વિચાર રાખવા હોય તો પછી આપણો મેળ નહીં ખાય. આપણે જુદા પડવું પડશે.’

કાકા હસી પડ્યા અને બોલ્યા: ‘આપણે બન્ને હવે જુદા પડી શકીએ એમ નથી. તું એમ માને છે કે અનીતિથી મેળવેલો પૈસો ટકી શકતો નથી, જ્યારે હું એ નથી માનતો. તું ભગવાનની વાત કર્યા કરે છે, પણ ભગવાન કંઈ નવરો નથી કે આવી બાબતમાં માથું માર્યા કરે. લે ચાલ, હવે આપણે કોઈ સારી હોટેલમાં ખાવા જઈએ.’

મેં કહ્યું: ‘મારે તમારી સાથે નથી આવવું. પહેલાં તમે જે પૈસા ઉપાડી લીધા છે એ પાછા આપી આવો. એવા હરામના પૈસામાંથી હું તમારી સાથે નાસ્તો કરવા નથી આવવાનો.’

કાકા બોલ્યા: ‘તું તો ભારે ચીકણો. ચાલ તો ખરો, આ પૈસા હું બીજા કામમાં વાપરીશ.’

મેં ઘણી ના પાડી, છતાં પણ કાકા સાથે મારે કોઈ હોટેલમાં જવું પડ્યું. કાકી હમણાં બહારગામ ગયાં છે એટલે કાકા રોજ સાંજે કોઈ હોટેલ શોધી કાઢે છે અને ક્યાં કેવું ભોજન અપાય છે એનો અભ્યાસ કરે છે. એક હોટેલમાં અમે ગયા. જ્યાં લખ્યું હતું કે ‘આરોગ્ય ભુવન’-આ હોટેલમાં એટલી બધી ગંદકી હતી કે મને લાગ્યું કે આરોગ્ય બગડી જતાં વાર નહીં લાગે. મેં કાકાને કહ્યું:

‘અહીં આવ્યા એના કરતાં આપણે બીજે ક્યાંક ગયા હોત તો સારું હતું.’

‘નહીં, મેં આજે અહીં જ આવવાનું નક્કી કર્યું હતું. હું આજકાલ બધી હોટેલોનો અભ્યાસ કરી રહ્યો છું.’

‘કેમ કંઈ હોટેલ કરવાનો વિચાર છે?’

કાકા બોલ્યા: ‘મારે એક જુદી જ જાતની હોટેલ કરવી છે અને એ ખાસ માણસો માટે. આપણા મુંબઈમાં પોતાની પત્નીથી કંટાળેલા અસંખ્ય માણસો છે. આવા માણસો માટે મારે એક ખાસ હોટેલ કાઢવી છે. અહીં આપણે એવી હસમુખી છોકરીઓ પીરસવા માટે રાખવી કે જેથી માણસો ખુશ થઈને જમે. મુંબઈમાં એવી એક પણ હોટેલ નથી કે જ્યાં સ્ત્રીઓ પીરસતી હોય.’

કાકાનો આ વિચાર મને ગમ્યો. મેં કહ્યું:

‘કાકા, કરવા જેવું છે. આપણે ત્યાં ઘણી વીશીઓ ચાલે છે. સારી સારી હોટેલો ચાલે છે કે જ્યાં વધુ ખાવા-પીવાનું મળે છે, પણ ક્યાંય સ્ત્રીઓ પીરસતી હોય એ જોવામાં નથી આવ્યું. કાકા, પીરસવું એ કામ ખરી રીતે તો સ્ત્રીઓનું જ છે. હૉસ્પિટલમાં સ્ત્રીઓ કામ કરે છે, પણ લૉજમાં કરતી નથી. સ્ત્રીઓ માટે આ ક્ષેત્ર ખરેખર નવું છે. વિચાર અમલમાં મૂકવા જેવો છે સાથે સાથે બીજો એક વિચાર આવે છે. આજકાલ ઘણી સ્ત્રીઓ કામધંધો કરવા બહાર પડી છે. આપણી ગુજરાતણો જો હોટેલો અને વીશીઓ ચલાવે તો કંઈ ખોટું નથી. આ કામ એ લોકોને ફાવે એવું છે અને સ્ત્રીઓ જો આ ધંધામાં પડી તો કોઈની તાકાત નથી કે એના જેવી સુંદર હોટેલો બીજું કોઈ ચલાવી શકે. કાકા, તમે જો સારી છોકરીઓને પીરસવા માટે રાખશો તો ખરેખર તમારી હોટેલ ધમધોકાર ચાલશે અને ઘરાકીનો પાર નહીં રહે.’

કાકાના મુખ પર સ્મિત છવાઈ રહ્યું. એ બોલ્યા: ‘તું મને ઉતારી પાડે છે. નીતિ-અનીતિના ભેદ સમજાવે છે, પણ તને ભાન નથી કે તારો કાકો કેટલો ‘ઓરિજિનલ’ માણસ છે. દીકરા, હિંદુસ્તાનમાં મારો જન્મ થયો છે એટલે કોઈને કદર નથી. બાકી, જો હું અમેરિકા કે યુરોપમાં જન્મ્યો હોત તો આજે હું એક મહાપુરુષ તરીકે પ્રસિદ્ધિ પામ્યો હોત. હજી પણ કહું છું કે જો મને આપણા દેશના કારભારમાં કોઈ ઊંચા હોદ્દા પર મૂકવામાં આવે અથવા તો સલાહકાર તરીકે ગોઠવી દેવામાં આવે તો હું ઘણું સુંદર કામ કરી બતાવું. જો હું તને બીજી વાત કરું, આપણે ત્યાં અનાજનો પ્રશ્ન ઘણો અટપટો બની ગયો છે. ખરું કહું તો આ કામ સ્ત્રીનું છે. ખોરાકખાતાના પ્રધાન તરીકે જો કોઈ શક્તિશાળી સ્ત્રી આવે તો ખરેખર આખો પ્રશ્ન વધુ સરળ બને. અમુક કામો સ્ત્રીઓના સ્વભાવને જ ફાવે એવાં હોય છે. આપણું દુ:ખ એ છે કે સ્વભાવને ફાવે એવું કામ સોંપાતું નથી અને એથી જ બધો ગેરવહીવટ ચાલે છે.’ કનૈયાલાલ મુન્શીને અનાજનું કામ સોંપવા કરતા એમનાં પત્ની લીલાવતી મુન્શીને સોંપ્યું હોત તો સારું હતું.’

મેં કહ્યું: ‘કાકા, તમારી શક્તિઓ વિશે મને શંકા નથી, પણ એનો સદુપયોગ થવો જોઈએ. તમે કોઈ લગ્નમાંથી ચાંદલા ઉપાડી લાવો એ મને ગમતું નથી. શક્તિનો આ ખોટો ઉપયોગ છે.’

‘ફરી તેં આ વાત કરી?’

‘કેમ એમાં ખોટું શું છે?’

પછી અમે વાતો કરતાં કરતાં ઘણું ખાઈ ગયા. બીજી અમે એવી ઘણી વાતો કરી કે જે લખવા જેવી નથી અને જેટલું આપણે બોલીએ છીએ એ કંઈ બધું લખવા જેવું નથી હોતું.

બિલ આવ્યું. હું અને કાકા ઊભા થયા. કાકાએ ખિસ્સામાં હાથ નાખ્યો. એના ચહેરા પર ગભરાટ દેખાયો, બીજા ખિસ્સામાં હાથ નાખ્યો અને પછી કાકા બોલ્યા:

‘વજુ! ભારે થઈ, પૈસા ગુમ!’

સાચ્ચે જ કાકાના ખિસ્સામાંથી કોઈ પૈસા તફડાવી ગયું હતું. મેં કહ્યું:

‘જોયું કાકા, હું તમને પહેલેથી જ કહેતો હતો કે અનીતિને માર્ગે મળેલી વસ્તુ લાંબો વખત ટકી શકતી નથી.’

કાકા ગુસ્સામાં બોલ્યા: ‘તું મૂગો રહે. મુંબઈમાં ચોર વધી પડ્યા છે. આ બાબતમાં કંઈ કરવું પડશે.’

‘જરૂર, જે કંઈ કરવું હોય એની શરૂઆત ઘરમાંથી જ થવી જોઈએ.’

હોટેલનું બિલ ચૂકવીને અમે બહાર નીકળી આવ્યા.