વજુ કોટકઃ ૫૯મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…

ધોંડુ અને પાંડુ

‘ચિત્રલેખા’ના વાચકોના અત્યંત લોકપ્રિય બનેલાં ધોંડુ અને પાંડુ પાત્રોનું સર્જન સાવ આકસ્મિકપણે વજુભાઈની કલમમાંથી થયું હતું. ૧૯૫૦ની સાલમાં ‘ધોંડુ-પાંડુ’ની શરૂઆત થઈ ત્યારે માત્ર એક રમૂજી ટુચકો લખવાનો એમનો ઈરાદો હતો. ઘરકામ કરતા બે ઘરઘાટીઓ વચ્ચે થતી વાતચીત દરમિયાન બોલાતા ‘ડાર્લિંગ’ શબ્દ પર જોક લખવા બેઠા હતા, પણ લખાઈ ગયા પછી ખયાલ આવ્યો કે અરે, આના પર તો રમૂજી કૉલમ લખી શકાય!

મુંબઈના માળામાં-ચાલીમાં કામ કરતા ઘરઘાટીઓ ધોંડુ-પાંડુના કટાક્ષભર્યા સંવાદો થકી સમાજ, ઘરસંસાર, રાજકારણ કે દેખાદેખી, ઈર્ષ્યા, પારકી પંચાત જેવાં સામાજિક દૂષણ, વગેરે અનેક વિષયોની હળવી ગંભીર સમસ્યાઓ રમૂજી શૈલીમાં રજૂ કરતા. આજે દાયકાઓ પછી પણ ‘ધોંડુ અને પાંડુ’ પુસ્તક વાંચો તો ખડખડાટ હસી જ જવાય એટલા ધારદાર સંવાદો વાંચવા મળે છે. સાથે સાથે ચાલીસ અને પચાસના દાયકાના મુંબઈના શહેરીજીવનનો સૂક્ષ્મ અભ્યાસ જોવા મળે છે. ધોંડુ-પાંડુનાં કાલ્પનિક પાત્રો આજે પણ ગુજરાતી વાચકો-ચાહકોમાં જાણીતાં છે.

ગાયોના ગોવાળ

પાંડુ: ધોંડ્યા?

ધોંડુ: બોલ, પાંડ્યા.

પાંડુ: બરાબર ઢોલ વગાડજે, આખું ગામ સાંભળે તેમ.

ધોંડુ: અને તું પણ નાચવામાં કંઈ બાકી રાખતો નહીં, એવું નાચજે કે મુંબઈની ગટરનાં પાણી હલી ઊઠે.

પાંડુ: એમાં તારે કહેવું નહીં પડે. પહેલાં એ વાત કર કે હું કેવો લાગું છું?

ધોંડુ: ગાયોના ગોવાળ જેવો.

પાંડુ: એટલે શું તું મને ભરવાડ કહેવા માગે છે? આજે સપરમા દિવસે તું મારું એટલે કૃષ્ણ ભગવાનનું અપમાન કરી રહ્યો છે. આજે જન્માષ્ટમી છે એટલે હાઈ કોર્ટ બંધ છે, નહીંતર આજે ને આજે દાવો દાખલ કરી દેત.

ધોંડુ: તું પણ લીલાં મરચાંની ચટણી વધારે ખાતો હો એમ લાગે છે.

પાંડુ: એ તો અમારા ઘરની ચટણી વાટું છું ત્યારે વાટતાં વાટતાં અડધી ખાઈ જાઉં છું.

ધોંડુ: એટલે જ તું વાતવાતમાં તપી જાય છે. ગાયોનો ગોવાળ એટલે કનૈયો, એટલું પણ નથી સમજતો?

પાંડુ: હા, હવે બરાબર, પહેલેથી જ કનૈયો કહ્યું હોત તો કેવું સારું હતું. નકામું થોડુંક મોંઘા ભાવનું લોહી બળી ગયું.

ધોંડુ: માણસે પોતાનું નામ એક રાખ્યું અને ભગવાનનાં અનેક નામ પાડ્યાં છે. આ સંસારમાં વધુમાં વધુ છૂટ ભગવાનના નામ સાથે લેવાઈ છે. માણસને ફાવે એવાં રૂપ તેણે ભગવાનને આપ્યાં છે અને ભગવાનના નામે અનેક જાતનાં તૂત ચલાવ્યાં છે.

પાંડુ: એવું જ એક મોટામાં મોટું તૂત રામના નામે અથવા તો ગાંધીજીના નામે આપણા ભારતમાં રામરાજ્યનું ચાલી રહ્યું છે. રામરાજ્ય તો સ્થપાય ત્યારે સાચું, પણ રામરાજ્યના બદલે આપણા પ્રધાનોએ પોતાના માટે આરામરાજ્ય સ્થાપી દીધું છે.

ધોંડુ: આજના ધાર્મિક દિવસે તું આવી પોલિટિકલ વાત ન કર. રામરાજ્ય કોઈ દી નહીં સ્થપાય.

પાંડુ: કેમ?

ધોંડુ: આપણા નેતાઓએ ભૂલ કરી છે. રામરાજ્ય જો સ્થાપવું હોય તો અયોધ્યામાં રાજધાની રાખવી જોઈએ, આપણી રાજધાની દિલ્હી છે અને તેથી દેશમાં રામરાજ્યને બદલે મહાભારત થઈ રહ્યું છે.

પાંડુ: હા, એ વાત સાચી છે. દિલ્હી ને મહાભારતનો જૂનો સંબંધ છે.

ધોંડુ: અચ્છા, જવા દે વાત. તેં આ હૉલ-બૂટ શા માટે પહેર્યાં છે? કૃષ્ણ ભગવાન કંઈ હૉલ-બૂટ નહોતા પહેરતા.

પાંડુ: પણ હું કળિયુગનો કૃષ્ણ છું એટલે થોડો સુધારો કર્યો છે. વરસાદની ઋતુ છે અને આખા ગામમાં નાચવાનું છે એટલે શેઠનાં જૂનાં હૉલ-બૂટ પહેરી લીધાં છે.

ધોંડુ: આજે તું કૃષ્ણ બન્યો છે એટલે ન પહેર્યાં હોત તો સારું હતું.

પાંડુ: એ તો બધું ચાલે. ભગવાન કંઈ વેજિટેબલ ઘી નહોતા ખાતા અને આજે એમને મંદિરમાં કે હવેલીઓમાં વેજિટેબલ ઘીની જ મીઠાઈ ધરવામાં આવે છે. કૃષ્ણ ભગવાનના વખતમાં વીજળીની બત્તીઓ ન હતી. આજે તો દરેક મંદિરમાં છે. વખત જતાં માણસો ભગવાનને કોટ-પાટલૂન પહેરાવીને ટેબલ-ખુરસી ઉપર બેસાડે તો નવાઈ પામવા જેવું નથી.

ધોંડુ: પણ અસલના વખતમાં વીજળીની બત્તીઓ નહીં હોય એની શી ખાતરી? એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાન બંસરી વગાડતા ત્યારે દરેક ગોપીને ઘેર સંભળાતી. આ ઉપરથી મને એમ લાગે છે કે કૃષ્ણ ભગવાને દરેક ગોપીને ઘેર રેડિયો મૂક્યા હશે. કૃષ્ણના હાથમાં સુદર્શનચક્ર છે એ શું બતાવે છે? ચક્ર એ યંત્રવાદનું પ્રતીક છે. ચક્ર વિના કોઈ પણ યંત્ર ચાલી શકતું નથી અને આ ચક્ર ભગવાનના હાથમાં મૂકીને શાસ્ત્રકાર એ કહેવા માગે છે કે કૃષ્ણ ભગવાન એક મહાન એન્જિનિયર અને વિજ્ઞાની હતા.

પાંડુ: જો એમ જ હોય તો પછી એ વખતે હૉલ-બૂટ નહીં હોય એની શી ખાતરી? હોવાં જ જોઈએ.

ધોંડુ: અચ્છા, જવા દે આ બધી વાત. આજે ધાર્મિક દિવસ છે તો પછી કંઈ ધરમની વાત કર. ભગવાનના જીવનમાંથી કોઈ પ્રસંગ કહે.

પાંડુ: સાંભળ ત્યારે. ભગવાન અર્જુનને ખૂબ ચાહતા અને રોજ નિયમ પ્રમાણે અર્જુનને મળવા જતા. આ જોઈને રુક્મિણીજીને બહુ જ દુ:ખ થતું હતું. એક વખત ઘરમાં કંઈ ઉત્સવનો પ્રસંગ હતો, પણ કૃષ્ણ તો અર્જુનને મળવા જવા તૈયાર થયા. રુક્મિણીજીનો જીવ કપાઈ ગયો. તેઓ કૃષ્ણ પાસે ગયાં અને આંખમાં આંસુ સાથે કહ્યું: ‘એવું તે અર્જુનમાં તમે શું જોઈ ગયા છો કે આજે ઉત્સવના દિવસે પણ મળવા જાઓ છો? અમારો પ્રેમ શું કંઈ ઓછો પડે છે? આજે તો નહીં જવા દઉં.’

પણ પત્નીની આ પ્રાર્થના પ્રભુએ ગણકારી નહીં. તેમણે કહ્યું: ‘મારે જવું જ જોઈએ. તમારા પ્રેમમાં અને અર્જુનના પ્રેમમાં ઘણો ફેર છે. તમે મને પતિ તરીકે માનો છો, જ્યારે અર્જુન મને પ્રભુ ગણી બેઠો છે અને તેથી જ મારે જવું પડે છે.’

રુક્મિણીજી બોલ્યાં: ‘આ બધી તમારી દલીલો છે. એમ કેમ નથી કહેતા કે તમારે ત્યાં જવું જ છે? અમારી તો કંઈ ગણતરી જ નથી.’ રુક્મિણીજી રડતાં રહ્યાં અને કૃષ્ણ અર્જુનના મકાનમાં આવ્યા. જોયું તો અર્જુન પોઢી ગયા છે અને દ્રૌપદીજી એમના વાળ ઓળી રહ્યાં છે. શિકારેથી આવી અર્જુન થાકી ગયા હતા અને તેથી સ્નાન કરીને ઊંઘી ગયેલા. કૃષ્ણને આવેલા જોઈને દ્રૌપદીજી બીજા ઓરડામાં ચાલ્યાં ગયાં. કૃષ્ણ ભગવાન અર્જુનના માથા તરફ બેઠા. જોયું તો એના વાળ ખૂબ ભીના હતા એટલે ભગવાન પોતે વાળ કોરા કરવા લાગ્યા.

ધોંડુ: પછી?

પાંડુ: પછી તો આ બાજુ મોડું થયું કે રુક્મિણીજી ગુસ્સે થવા લાગ્યાં. એ તો સીધાં અર્જુનના ઘેર પહોંચી ગયાં અને કૃષ્ણને આમ નવરા બેઠેલા જોઈને બોલ્યાં: ‘બસ, આટલા માટે જ અહીં આવ્યા છો?’

કૃષ્ણ બોલ્યા: ‘હું આવ્યો ત્યારે અર્જુન સૂતા હતા. એ જાગે એની રાહ જોઉં છું અને વાળ ભીના છે એટલે કોરા કરું છું. હવે તમે આવ્યાં છો એટલે તમે મારી જગ્યાએ બેસો અને વાળ કોરા કરો.’

કૃષ્ણની આજ્ઞા રુક્મિણીજી કદી ઉથાપતાં નહીં. કચવાતા મને તે બેઠાં અને બોલ્યાં: ‘આ તે કઈ જાતનો પ્રેમ છે એ જ મને સમજાતું નથી.’

કૃષ્ણે કહ્યું: ‘ધીમેથી બોલો અને તમારા ગાલ ઉપર એ વાળ લગાડીને જુઓ કે સુકાઈ ગયા છે કે નહીં.’

ભગવાનની આ આજ્ઞા રુક્મિણીજીને જરા પણ ન ગમી.

ધોંડુ: આવી આજ્ઞા કોઈ પણ સ્ત્રીને ગમે? શું રુક્મિણીજીએ એ પ્રમાણે કર્યું?

પાંડુ: હા કર્યું અને એમની આંખો ઊઘડી ગઈ. જેવા વાળ ગાલ ઉપર લગાડ્યા કે રુક્મિણીજીના કાન ઉપર દરેક વાળમાંથી ‘કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ’ એવો મંત્ર સંભળાવા લાગ્યો. એમની નવાઈનો પાર ન રહ્યો. કૃષ્ણના નામનો જાણે સિતાર વાગતો હોય એવો મધુર અવાજ તે સાંભળી રહ્યાં. પછી કૃષ્ણે રુક્મિણીજીને પૂછ્યું: ‘હવે સમજાય છે કે હું શા માટે આવું છું? અર્જુનના રૂંવાડે રૂંવાડે મારા નામનો જપ ચાલ્યા કરે છે.’ રુક્મિણીજી શરમિંદા પડી ગયાં.

ધોંડુ: વાહ, તેં તો બહુ સરસ વાત કહી. બીજું આજે આપણે શું કરવાનું છે?

પાંડુ: ચાલ, આપણી ગલીમાં પડોશીઓએ મટકી બાંધી છે તે ફોડવાની છે. બધા ગોવિંદા આવી પહોંચ્યા છે. આ વખતે મટકી હું ફોડીશ, ચાલો.

* * *

ધોંડુ: શાબાશ, પાંડ્યા! શાબાશ! કૃષ્ણ ભગવાન માખણચોર કહેવાય એનો અર્થ એ છે કે ભગવાન જેમ બધાને માખણ કે દહીં વહેંચી આપતા તેમ આપણા સમાજમાં થવું જોઈએ. આપણે ત્યાં એવું રાજ્ય હોવું જોઈએ કે બધાને મળે દૂધ, દહીં અને પુષ્કળ પ્રમાણમાં માખણ.

પાંડુ: આપણે ત્યાં તો એવા કનૈયા છે કે જે પોતે માટલાં ફોડીને માખણ ખાઈ જાય છે અને ફૂટેલાં હાંડલાં આપણને આપે છે.

* * *

ધોંડુ: જલદી કર, આસપાસના માણસો બધા જોઈ રહ્યા છે. કેટલાક ફોટા પાડે છે તો કેટલાક ચિત્રો દોરે છે. આપણી બધી વાત છાપાંમાં આવી જશે.

પાંડુ: ભલે આવે અને આવશે તો પણ તે આઠ દિવસ પછી જ આવશે. દરેક છાપું વર્તમાનપત્ર કહેવાય છે, પણ એમાં વર્તમાનના કંઈ સમાચાર આવતા જ નથી, બધું બની ગયા પછી જ સમાચારો આવે છે. ખરું પૂછો તો દરેક વર્તમાનપત્રો એ ભૂત-પત્ર છે.

ધોંડુ: માટલીમાંથી શું નીકળ્યું?

પાંડુ: પાઉડરના દૂધનું દહીં!

ધોંડુ: કંઈ પૈસા નીકળ્યા?

પાંડુ: ના… ના.

ધોંડુ: એમ કેમ? આ તો ભારે કહેવાય.

પાંડુ: મંદી હોય ત્યારે ભગવાનના નામ પાછળ કોઈ પૈસા ખર્ચતું નથી. મંદીના જમાનામાં તો લોકો મંદિરમાં જઈને ભગવાન પાસે પૈસા માગે. મહાલક્ષ્મીના મંદિરમાં હમણાં હમણાં બહુ ભીડ જામે છે એનું કારણ એ જ છે કે ચારે બાજુ મંદી છે.

મંદી અને મંદિરને બહુ જ નિકટનો સંબંધ છે. આપણામાં કહેવત છે કે સુખમાં સાંભરે સોની અને દુ:ખમાં સાંભરે રામ.