વજુ કોટકઃ ૫૯મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…

ફેશન!

‘હું દિવસમાં બે વાર હજામત કરું છું. સવારસાંજ હજામત કરવી એવી આજે ફેશન છે.’

‘હું જાણું છું, પણ હું દિવસમાં 30 વખત હજામત કરું છું.’

‘તમે પાગલ હો એવું લાગે છે.’

‘ના, હું હજામ છું.’

*****

બુદ્ધિ કોના બાપની!

કોલેજમાં છોકરાઓએ ભર્તુહરિનું નાટક ભજવવાનું નક્કી કર્યું અને એમાં એક પારસી યુવાનને ભર્તુહરિનો પાઠ આપવામાં આવ્યો. નાટક ભજવવાનો દિવસ આવ્યો ત્યારે આ પારસી યુવાને રાજા ભર્તુહરિ તરીકે સારું કામ કર્યું, પણ બીજા અંકમાં આ યુવાનને સાધુના વેશમાં આવવાનું હતું, કારણ કે ભર્તુહરિ સાધુ બની ગયો હતો. કમભાગ્યે એવું બન્યું કે સાધુનો પોશાક લાવવાનું જ ભુલાઈ ગયું હતું. નાટક ચાલુ થઈ ગયું. અને છેવટે ન છુટકે આ યુવાન સ્ટેજ ઉપર આવ્યો પણ કોટ-પાટલૂન પહેરીને! પ્રેક્ષકો હસવા લાગ્યા અને તેણે હાથમાં હેટ લઈને ગાવા માંડ્યું,

‘ભિક્ષા દે ને મધર પિંગલા…’

અને પિંગલાએ ગીતમાં જવાબ આપ્યો, ‘અંગ્રેજી ભેખ રે ઉતારો કિંગ ભરથરી… હું તમને ‘ડાઈવોર્સ’ નહીં દઉં… રે’

આખું નાટક કોમેડીમાં ફેરવાઈ ગયું!

*****

એની રજા છે

રોજ મંદિરે જતી એક સ્ત્રીએ, રસ્તાના ખૂણે બેઠેલા ભિક્ષુકના વાટકામાં ટેવ પ્રમાણે એક સિક્કો નાખી દીધો પણ પછી એણે તરત જ કહ્યું, ‘અરે, અહીં તો રોજ એક આંધળો બેસે છે અને તું એની જગ્યાએ ક્યાંથી આવ્યો? તું કોણ છે?’

ભિખારીએ જવાબ આપ્યો, ‘હું તો બહેરોમૂંગો છું અને એ આંધળાના કહેવાથી જ હું એની બદલીમાં આજે અહીં બેઠો છું, કારણ કે તે સિનેમા જોવા ગયો છે.’

*****

યાદશક્તિ બરાબર છે!

રામદાસના જીવનમાં કંઈ એવો બનાવ બન્યો કે એની સ્મરણશક્તિ ખલાસ થઈ ગઈ અને તેથી નોકરીમાંથી રજા આપવામાં આવી. થોડા દિવસો પછી રામદાસ ઓફિસમાં વહેલો આવ્યો અને શેઠની કેબિનમાં જઈને બેઠો. શેઠ જ્યારે આવ્યા ત્યારે તેણે રામદાસને પોતાની ખુરશીમાં બેઠેલો જોઈને પૂછ્યું, ‘અરે, તમે અહીં ક્યાંથી? તબિયત સારી થઈ ગઈ?’

‘જી હા.’

‘સ્મરણશક્તિ બરાબર પાછી મળી ગઈ?’

‘જી હા.’

‘તો પછી તમારી ખુરશીમાં જઈને બેસો. તમારી નોકરી વિશે વિચાર કરવામાં આવશે.’ રામદાસે પૂછ્યું, ‘તમે કોણ છો અને મારી રજા વિના આ કેબિનમાં શા માટે આવ્યા? જાઓ તમને આજથી છૂટા કરવામાં આવે છે.’