હેપ્પી બર્થડે ‘ચિત્રલેખા’; લોકલાડીલા સામયિકે ૬૮ વર્ષ પૂરાં કર્યાં

દેશ પરદેશમાં વસતા ગુજરાતીઓનાં લોકલાડીલા સામયિક ‘ચિત્રલેખા’એ આજે એની સ્થાપનાના ૬૮ વર્ષ પૂરાં કરીને ૬૯મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતી પ્રકાશનક્ષેત્રે એક પ્રતિષ્ઠિત નામ ગણાતા તથા ખૂબ સંઘર્ષ કરીને અને પડકારો ઝીલીને સદા અગ્રસર રહેલા ‘ચિત્રલેખા’ને વાચકો તથા હિતેચ્છુઓ તરફથી આટલા દાયકાઓમાં મળેલા પ્રેમ અને સહકાર બદલ આભાર. આ પ્રેમ અને સહકાર હંમેશાં ચાલુ રહેશે એવી આશા.

‘ચિત્રલેખા’ની સ્થાપના અને ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ દંતકથાસમા પત્રકાર-તંત્રી વજુ કોટકે ૧૯૫૦ના દાયકામાં કર્યો હતો.

સફળતાનાં ૬૮ વર્ષોની સફર પર અગ્રસર ‘ચિત્રલેખા’ સામયિક ગુજરાતી સમાજને સમાચારો, મહત્વનાં પ્રસંગો, સંસ્કૃતિ, વાર્તાઓ તેમજ પલક, કાર્ડિયોગ્રામ, પ્રિયદર્શિની, શબ્દોની સોનોગ્રાફી, જલસાઘર, દુનિયાને ઊંધાં ચશ્માં અને મુખવાસ સહિત બીજી ઘણી બધી વાંચનસામગ્રીથી વાકેફ રાખે છે… સપ્તાહના દર શુક્રવારે સ્ટેન્ડ પર અચૂક હાજર થઈને.

પ્રભાતનાં પુષ્પો…

પ્રેમ એ તો કાચો પારો છે. કોઈ એકલાથી એ જીરવી શકાય એવો નથી. બે હાથે પડતી તાળીમાંથી પ્રગટ થતો અવાજ તે પ્રેમ છે. પ્રેમ એ પ્રભુના મુખમાંથી નીકળેલો પ્રથમ શબ્દ છે કે જેના પડઘાને લીધે આખું બ્રહ્માંડ પેદા થયું અને આજે પણ એ પડઘો ચારે બાજુ પડી રહ્યો છે. સાગરના ઘૂઘવાટમાં, વહેતા ઝરણામાં, માતાની વાણીમાં, બાળકોની કાલી-ઘેલી બોલીમાં, પંખીઓના કંઠમાં, મંદિરની ઝાલરમાં, મુલ્લાંઓની બાંગમાં અને દરેક પ્રાણીમાત્રના હૃદય ઘુમ્મટમાં એ નાદ ગુંજી રહ્યો છે.(લેખક વજુ કોટકના પુસ્તક ‘પ્રભાતનાં પુષ્પો’માંથી…)