માર્ગદર્શક પરિસંવાદઃ દેશના જીડીપી પહેલાં આપણાં પોતાનાં ગોલ-ડ્રીમ-પ્લાન નક્કી કરવાં જોઈએ…

‘ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા કેપિટલ’ દ્વારા રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં રોકાણકારો માટે આયોજિત થયા વિશેષ માર્ગદર્શન પરિસંવાદ.

માર્ગદર્શકઃ (ડાબેથી જમણે) ગૌરવ મશરૂવાળા, એસ. ગુરુરાજ, મનીષ ઠક્કર

સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા કૅપિટલ’ના સહિયારા પ્રયાસથી રાજકોટ, પોરબંદર ને જૂનાગઢમાં રોકાણકારોને માર્ગદર્શન આપવા માટેના વિશેષ સેમિનાર ‘જાનોગે તભી તો માનોગે’નું આયોજન તારીખ ૧૦, ૧૧ અને ૧૨ નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું હતું. પોરબંદર અને જૂનાગઢમાં સૌપ્રથમ વખત આ પ્રકારની માહિતી રોકાણ કરવા ઈચ્છતા લોકોને આપવામાં આવી હતી. ત્રણે શહેરમાં ‘ચિત્રલેખા’ના વાચકો-શહેરીજનોનો સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. ત્રણેય સ્થળે મળીને ૭૦૦થી વધારે લોકોએ આ સેમિનારમાં સક્રિય ભાગ લઈને પોતાના આર્થિક આયોજનની દિશા અંગે સ્પષ્ટતા મેળવી હતી.

નોંધપાત્ર બાબત એ છે કે આર્થિક બાબતોની ચર્ચા-માર્ગદર્શનના કાર્યક્રમમાં પણ ત્રણેય શહેરમાં યુવાનો અને મહિલાઓની સંખ્યા પણ સારી એવી હતી. આર્થિક નિષ્ણાતોનાં વક્તવ્ય, આંકડા અને હકીકતો દ્વારા અર્થતંત્રના પ્રવાહો અને એમાં એક સામાન્ય રોકાણકાર શું કરી શકે એની ઊંડી સમજ લોકોએ સરળ રીતે મેળવી ને એ પછી પણ જે પ્રશ્ન લોકોનાં મનમાં હતા એવા સંખ્યાબંધ પ્રશ્નના ઉત્તર આ નિષ્ણાતોએ આપ્યા. દરેક શહેરમાં સાત સાત સવાલ પસંદ કરી કુલ ૨૧ પ્રશ્નકર્તાને ઈનામ એનાયત કર્યાં હતાં. રાજકોટમાં હોટેલ ફર્ન, પોરબંદરમાં હોટેલ લૉર્ડ્સ ઈકોઈન અને જૂનાગઢમાં હોટેલ આશીર્વાદમાં સુંદર વ્યવસ્થા ને મહેમાનગતિ સાથે આ સેમિનારનું આયોજન થયું. પ્રસ્તુત છે આ વિશિષ્ટ પરિસંવાદના થોડા અંશ…

રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ ત્રણેય શહેરમાં આ પરિસંવાદનાં આયોજન માટેનાં કારણ, ભૂમિકા અને ‘ચિત્રલેખા’ આ પ્રકારનું આયોજન શા માટે કરે છે એની વિગત આપતાં ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ કહ્યું કે આજે દેશની આર્થિક સ્થિતિ થોડી ચર્ચાસ્પદ છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે વિકાસ અંગે ઘણા પ્રકારની વાત કે રમૂજ સોશિયલ મિડિયામાં થઈ રહી છે, પરંતુ આપણે રાજકીય ચર્ચા માટે એકઠા થયા નથી. આપણે તો આપણું પોતાનું, સામાન્ય માણસના પરિવારનું આર્થિક આયોજન કરી શકીએ એ માટે વાત કરવાની છે. ‘ચિત્રલેખા’ અગાઉ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ સાથે શૅરમાર્કેટની સમજ માટે આવાં આયોજન કરતું. હવે અમે આદિત્ય બિરલા કૅપિટલ સાથે રોકાણનાં અન્ય સાધન વિશે આ પ્રકારનું આયોજન કરી રહ્યા છીએ, જેને વાચકોનો ખૂબ સારો પ્રતિસાદ અમને મળ્યો છે. રાજકોટ, અમદાવાદ, જામનગરમાં આવા કાર્યક્રમ થતા રહે છે, પરંતુ પોરબંદર અને જૂનાગઢમાં પ્રથમ વાર આવ્યા છીએ એનો વિશેષ આનંદ છે. ફક્ત શૅરબજારના પ્રવાહ નહીં, પરંતુ રોકાણના અન્ય માર્ગો, વિકલ્પો અંગે પણ આ પરિસંવાદમાં ચર્ચા થતી હોય છે.

‘આદિત્ય બિરલા કૅપિટલ’ના ઍસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ એસ. ગુરુરાજે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ રોકાણ કરે ત્યારે એને સલામતી, નાણાંની પ્રવાહિતા, શ્રેષ્ઠ વળતર અને કરવેરામાં રાહત કે લાભ-એમ કુલ ચાર બાબત મળવી જોઈએ. આપણાં ધ્યેય નક્કી હોવાં જોઈએ અને જ્યારે રોકાણની વાત આવે ત્યારે એના માટે આગોતરું આયોજન પણ જોઈએ. લોકોને મ્યુચ્યુઅલ ફંડ વિશે અનેક પ્રશ્ન કે થોડી શંકા હોય છે કે આમાં અમે સફળ થઈશું કે નહીં? હું એમને સામે પૂછું છું કે લગ્ન કરો ત્યારે પતિ કે પત્ની કેવાં હશે એની પૂરેપૂરી તો જાણ નથી હોતીને? સારાં પાત્રોનો સંસાર ચાલે તો કેટલાંક યુગલ લગ્ન પછી છૂટાં પડતાં હોય છે! એમ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલાં એવું શું કામ વિચારો છો કે આ સારું નહીં હોય? જો ન ફાવે તો એમાંથી નીકળવાના પણ રસ્તા છે. તમને ખબર છે આપણી સમસ્યા શું છે? પૈસા નથી એ સમસ્યા નથી. પૈસા છે, પરંતુ રોકવા ક્યાં એની સમજ નથી. દરેક વ્યક્તિએ પોતાની જ‚રત નક્કી કરી, સમજીને રોકાણના વિકલ્પ નક્કી કરવા જોઈએ. જ્યાં સુધી મ્યુચ્યુઅલ ફંડનો સવાલ છે ત્યાં સુધી એમાં માસિક બચત યોજના પણ છે, લાંબા ગાળે વળતર આપે એવી યોજના પણ છે. રોકાણકારે પોતે પોતાની અનુકૂળતા અને જરૂરત મુજબ એમાંથી શું પસંદ કરવું એ જોવાનું હોય છે.

આર્થિક બાબતોના જાણીતા નિષ્ણાત, સલાહકાર ગૌરવ મશરૂવાળાએ રોકાણ ઉપરાંત લક્ષ્મી-નાણાંનું સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વ સમજાવતાં જણાવ્યું કે માણસ કાયદાના દાયરામાં રહીને કમાય એ આવશ્યક છે, પરંતુ એ પ્રામાણિકતાથી કમાય એ પણ એટલું જ જ‚રી છે. પૈસા કમાવા અને એનું યોગ્ય સ્રોતમાં રોકાણ કરવું, પરંતુ એ રોકાણ ક્યારે કરવું એ સ્પષ્ટ હોવું જોઈએ. એના માટે પતિ-પત્ની કે ઘરના તમામ સભ્યએ સાથે બેસીને પોતાનાં સપનાં અને જરૂરત-જવાબદારીની યાદી બનાવવી જોઈએ. એક વાત ખાસ યાદ રાખો કે શૅરબજાર કેવું રહેશે? કોની સરકાર બનશે? કોણ મુખ્ય મંત્રી બનશે? એવી બાહ્ય સ્થિતિ કે વાતો પર નહીં, પરંતુ દરેક વ્યક્તિએ પોતાની પરિસ્થિતિ મુજબ રોકાણ માટે નિર્ણય કરવો જોઈએ. રોકાણ માટે પહેલું પગથિયું ધ્યેય નક્કી કરવું. આજકાલ સેલ્ફીનો જમાનો છે ત્યારે પોતાના કુટુંબ સાથે એક સેલ્ફી પાડીને એની બાજુમાં પોતાનાં ધ્યેય લખો, જેમ કે દીકરાના અભ્યાસ માટે, પુત્રીનાં લગ્ન માટે… એમ દરેક રોકાણને એક નામ આપવું જોઈએ. પછી કઈ રીતે રોકાણ કરવાં? શેમાં કરવાં? એ નક્કી કરો. એ માટે નિષ્ણાતની સલાહ લો.

ત્રણેય શહેરોમાં શ્રોતાઓનો જબરો પ્રતિસાદ મળ્યો… સેમિનારના સંચાલક હતા અમિત ત્રિવેદી (જમણે)

એમણે ઉમેર્યું કે એક તો ઈમર્જન્સી પ્લાન રાખો, બૅન્કમાં કે ફંડમાં કરોડો રૂ‚પિયા પડ્યા હોય એ આકસ્મિક સંજોગમાં કેવી રીતે કામ આવે? પછી હેલ્થ ઈન્સ્યોરન્સ અને જીવન વીમો કરાવવો જોઈએ. આ વીમો મૃત્યુ સામેનાં જોખમ માટેનો છે, રોકાણ નથી. આ માટે કુટુંબમાં કમાનારી વ્યક્તિનો જીવન વીમો લેવો જોઈએ. ક્યારેય વધુપડતાં રોકાણ લોન લઈને ન કરો. હાઉસિંગ કે વાહન માટે જો લોન લેવી પડે તો પણ શક્ય એટલા વહેલા એમાંથી બહાર આવી જાઓ. આગળની બધી જ પ્રક્રિયા થઈ ગયા બાદ ઈન્વેસ્ટમેન્ટ વિશે વિચાર કરી શકાય.

‘આદિત્ય બિરલા કૅપિટલ’ના વેસ્ટ ઝોનના હેડ મનીષ ઠક્કરે જણાવ્યું કે આર્થિક રોકાણની બાબતમાં આપણે જુનવાણી છીએ. આજે પણ પંચાવન ટકા રોકાણ બૅન્ક્સની ફિક્સ ડિપોઝિટમાં થાય છે. સોનું, રિયલ એસ્ટેટમાં લોકો પૈસા રોકે છે. જો આપણે સપનાં સાકાર કરવાં હોય તો પૈસાને આમ ઓછા વળતરવાળા સ્રોતમાં આરામ કરવા દેવાય નહીં. આપણે જ્યાં જોઈએ ત્યાં ઈક્વિટી છે. જે જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ એ કંપની-ઉત્પાદકો ઈક્વિટી છે. આપણે એના ગ્રાહક બની શકીએ તો ભાગીદાર કેમ બની ન શકીએ? આપણે એ પણ વિચારવું જોઈએ કે જે રીતે ફુગાવો વધે છે એ જોતાં જો ફુગાવાનો દર અત્યાર જેટલો હોય તો ૨૦૦૦ રૂપિયાની કિંમત ૩૦ વર્ષ પછી ૩૦૦ રૂપિયા હશે. સલામત સ્રોતોમાં મુદ્દલ સુરક્ષિત રહે, પણ આપણી ખરીદશક્તિ ઘટે છે. પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ અગાઉ ૧૨ ટકા હતું. આજે ૭ ટકા છે. ફિક્સ ડિપોઝિટ પર મળતું ૧૩ ટકાનું વળતર આજે ૬.૫ ટકા થઈ ગયું છે. દેશના જીડીપી પહેલાં લોકોએ પોતાનાં જીડીપી એટલે કે ગોલ, ડ્રીમ અને પ્લાનિંગ નક્કી કરવાં જોઈએ. મનીષભાઈએ એ પણ ઉમેર્યું કે ગુજરાતમાં રાજકોટે અત્યાર સુધીમાં મ્યુચ્યુઅલ ફંડમાં આઠ હજાર કરોડનું રોકાણ કર્યું છે એ એક રેકૉર્ડ છે.

ત્રણેય સ્થળે કાર્યક્રમનું સંચાલન આર્થિક નિષ્ણાત અમિત ત્રિવેદીએ કર્યું. એક મહિના પહેલાં જેમને ૭૫મું વર્ષ બેઠું એ અમિતાભ બચ્ચનની ફિલ્મના સંવાદને એમણે આ પરિસંવાદ સાથે સુંદર રીતે સાંકળ્યા, જેમ કે ‘હમ જહાં ખડે રહેતે હૈ, લાઈન વહીં સે શુરુ હોતી હૈ,’ પણ રોકાણમાં તો જ્યાં લાઈન હોય ત્યાં આપણે ઊભા રહીએ છીએ. આવી રીતે અનેક સંવાદનો સંદર્ભ લઈ વક્તાઓને રજૂ કરતાં કરતાં એમણે પણ આર્થિક રોકાણ વિશે વાત કરી.

શ્રેષ્ઠ સાત સવાલને મળ્યાં ઈનામ…

‘મ્યુચ્યુઅલ ફંડ કો જાનોગે તભી તો માનોગે’ અંગે રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં યોજાયેલા સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ વક્તવ્યોના અંતે સવાલ-જવાબના સેશનમાં પોતાની જિજ્ઞાસા સંતોષવા પ્રશ્નો પણ મોટી સંખ્યામાં પૂછ્યા હતા. સવાલ-જવાબના સેશનમાં ઘણા સવાલ મહિલાઓ તરફથી પણ આવ્યા હતા. સાથે શ્રેષ્ઠ સવાલની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. ત્રણેય જગ્યાએ શ્રેષ્ઠ સાત પ્રશ્નને નિરાલી કિચનવેર અને આદિત્ય બિરલા કૅપિટલ તરફથી ઈનામ એનાયત થયાં.

રાજકોટમાં પ્રણવ કાન્ત, જયેશ ગોસાલિયા, ચિરાગ રાણપરા, શૈલી વોરા, હેતાબહેન પુરોહિત, અંકુર દવે અને ‚રૂપેશ ટાંકના સવાલોની પસંદગી કરવામાં આવી હતી. જૂનાગઢમાં પરેશ વાજા, રવિ ઘાડિયા, ડી.પી. મેઘનાણી, નીલેશ સોઢા, જીલ કારડાણી, પ્રો. ડૉ. લીલાવંતી કાછડિયા અને ટી.વી. જોશીના શ્રેષ્ઠ સવાલોને ઈનામ મળ્યાં.

આવી જ રીતે પોરબંદરમાં ડૉ. પ્રિયંક ગોકાણી, જગદીશ મજીઠિયા, ભરતભાઈ માખેચા, સમીર ધોયડા, વિવેક લોઢારી, ડૉ. ડી.પી. ચાંચિયા અને ડૉ. નીતા વોરાના પ્રશ્નોની પસંદગી કરવામાં આવી હતી.


(અહેવાલ)

જિતેન્દ્ર રાદડિયા (રાજકોટ)

જ્વલંત છાયા (પોરબંદર-જૂનાગઢ)

તસવીરોઃ નીશુ કાચા

https://chitralekha.com/birlaseminarsgujarat2017.pdf

રાજકોટમાં પરિસંવાદમાં ગૌરવ મશરૂવાળા, મનીષ ઠક્કર, ગુરુરાજ

રાજકોટઃ વિજેતાને મનીષ ઠક્કરના હસ્તે ઈનામ

રાજકોટઃ વિજેતાને ભરત ઘેલાણીના હસ્તે ઈનામ

રાજકોટ પરિસંવાદમાં ઈન્વેસ્ટરોએ મોટી સંખ્યામાં હાજર રહી દિલચસ્પી લીધી

રાજકોટ પરિસંવાદ

રાજકોટમાં પરિસંવાદ – હોલ ખીચોખીચ ભરાયો

પોરબંદરમાં પરિસંવાદ માટે ઈન્વેસ્ટરોનો બહોળો પ્રતિસાદ

ગુરુરાજ દ્વારા સંબોધન

પોરબંદર પરિસંવાદમાં (ડાબેથી જમણે) અમિત ત્રિવેદી, ભરત ઘેલાણી, ગૌરવ મશરૂવાળા, ગુરુરાજ, મનીષ ઠક્કર

જૂનાગઢ પરિસંવાદઃ વિજેતાને ગુરુરાજના હસ્તે ઈનામ એનાયત

જૂનાગઢમાં પરિસંવાદને અંતે સવાલ-જવાબ સત્રમાં નિષ્ણાત વક્તાઓ – (ડાબેથી જમણે) ગૌરવ મશરૂવાળા, ગુરુરાજ, મનીષ ઠક્કર

(જમણેથી ડાબે) મનીષ ઠક્કર, ગુરુરાજ, ગૌરવ મશરૂવાળા, ચિત્રલેખા તંત્રી ભરત ઘેલાણી

જૂનાગઢ પરિસંવાદ – રજિસ્ટ્રેશન ડેસ્ક

જૂનાગઢ પરિસંવાદ

અમિત ત્રિવેદી