દક્ષિણ આફ્રિકાને બીજી વન-ડેમાં પણ હરાવી ભારતે સિરીઝમાં 2-0ની લીડ લીધી

સેન્ચુરિયન – વિરાટ કોહલી અને એના સાથીઓએ દક્ષિણ આફ્રિકા સામે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં એમની વિજયકૂચ જાળવી રાખી છે. આજે અહીં રમાઈ ગયેલી બીજી મેચમાં ભારતે ગૃહ ટીમને 9-વિકેટથી સજ્જડ પરાજય આપ્યો છે અને છ-મેચોની સિરીઝમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે.

કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતના બોલરોએ, ખાસ કરીને રિસ્ટ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે પાંચ વિકેટ પાડતાં અને બીજા રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવે 3 બેટ્સમેનને આઉટ કરી દેતાં દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 118 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમને ઓલઆઉટ કરવા માટે ભારતના બોલરોને માત્ર 32.3 ઓવર જ બોલિંગ કરવી પડી હતી.

તેના જવાબમાં ભારતે 20.3 ઓવરમાં માત્ર રોહિત શર્મા (15)ની વિકેટ ખોઈને 119 રન કરીને મેચ જીતી લીધી હતી. શિખર ધવન 51 અને કેપ્ટન કોહલી 46 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે 100 બોલમાં 93 રનની ભાગીદારી કરી હતી. ધવને 56 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 51 રન કર્યા હતા તો કોહલીના 50 બોલના દાવમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

ત્રીજી વન-ડે મેચ 7 ફેબ્રુઆરીએ કેપ ટાઉનમાં રમાશે.

ઈજાગ્રસ્ત ફાફ ડુ પ્લેસીની જગ્યાએ એઈડન મારક્રામની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમનો કોઈ બેટ્સમેન 25ના આંકની બહાર નીકળી શક્યો નહોતો. જ્યાં-પૌલ ડુમિની અને ખાયા ઝોન્ડોએ 25-25 રન કર્યા હતા, તો હાશીમ અમલાએ 23, વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 20 રન કર્યા હતા. કેપ્ટન મારક્રામ 8 રન કરીને આઉટ થયો હતો.

લેગસ્પિનર યૂઝવેન્દ્ર ચહલે 8.2 ઓવર ફેંકીને 22 રનમાં પાંચ વિકેટ લીધી હતી. વન-ડે ક્રિકેટમાં આ તેનો વ્યક્તિગત બેસ્ટ બોલિંગ દેખાવ બન્યો છે. ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવે છ ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. બે ફાસ્ટ બોલર – ભૂવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

ચહલને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો છે.