Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ર શુક્રવારે ફિલ્મ રજૂ થાય ત્યારે તેની સાથે સંકળાયેલાં સૌકોઇને તેની સફળતાની ખૂબ જ આશાઅપેક્ષા હોય છે. 11 ઓગસ્ટ શુક્રવારે આવેલાં એક સમાચારે આર્ટ અને કલ્ચરની દુનિયામાં કામ કરતાં કલાકારોને મોટી સફળતા મળી હોય એવાં જ ખુશખુશાલ કરી મૂક્યાં હતાં. વાત જાણે એમ હતી કે  સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન-સેન્સર બોર્ડના નવા અધ્યક્ષ તરીકે પ્રસૂન જોશીની નિમણૂક જાહેર થઇ હતી.

એક મંજાયેલા ગીતકાર, પટકથા લેખક, કવિ અને એડમેન અને સામાજિક નિસબતકાર પ્રસૂન જોષીની સેન્સર બોર્ડ ચેરમેન તરીકેની નિમણૂકને ફિલ્મ ઉદ્યોગે બે હાથ ફેલાવી ઉમળકાભેર આવકાર આપ્યો છે. પાછળ કારણ એ પણ ખરું કે પ્રસૂને વિવાદાસ્પદ પૂર્વ વડા પહલાજ નિહલાનીનું સ્થાન લીધું છે જેમણે કળાકીય અભિવ્યક્તિઓમાં પરંપરાગત નિષેધો દાખવી હોબાળો વહોરી લીધો હતો.

નવા સીબીસીએફ ચીફ પ્રસૂન જોશીનું નામ અજાણ્યું નથી, પરંતુ તેમની ઘણી પ્રતિભાઓ તેમના સારા ગીતકાર તરીકેની ખ્યાતિમાં પશ્ચાદભૂમાં ચાલી ગઇ છે તે આ અવસરે યાદ કરી તેમની ટેલેન્ટને આવકારીએ.

કુટુંબ પરિચય

તેમનો જન્મ 16 સપ્ટેમ્બર, 1971ના રોજ ઉત્તરાખંડના અલમોડામાં પિતા ડી. કે. જોશી અને માતા સુષ્મા જોશીના ઘેર થયો છે. તેમના પત્ની અર્પણા દિલ્હીની ઑ.એન્ડ.એમ.માં એડવર્ટાઇઝિંગ પ્રોફેશનલ છે, તેમની ઐશન્યા નામની પુત્રી છે.

પ્રસૂનના પિતા, ડી.કે. જોશી ઉત્તરાખંડ રાજ્ય સરકારની સિવિલ સર્વિસીસમાં પીસીએસ અધિકારી તરીકે સેવા આપતા હતાં અને બાદમાં રાજ્યની શિક્ષણ સેવાઓના વધારાના ડિરેક્ટર બન્યાં હતાં. તો માતા સુષ્મા જોશી, પોલિટિકલ સાયન્સના લેક્ચરર, ત્રણ દાયકાથી ઓલ ઈન્ડિયા રેડિયો માટે કામ કરતાં વ્યક્તિ રહ્યાં છે. માતાપિતા બંને ક્લાસિકલ ગાયકો હોવાથી પ્રસૂનમાં બાળપણથી જ સંગીત અને સંસ્કૃતિના મજબૂત પાયા નંખાયા છે.

પ્રસૂને ભૌતિક વિજ્ઞાનમાં બીએસસી અને પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને એડવર્ટાઇઝિંગમાં કારકીર્દિ પસંદગી કરી ગાઝિયાબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો.

હાલમાં શોભાવે છે આટલાં બિરુદ

તેમના પ્રોફેશનલ બાયોડેટાની વાત કરીએ તો આજની તારીખમાં પ્રસૂન જોષી એક પ્રખ્યાત ગીતકાર, પટકથા લેખક, કવિ અને માર્કેટિંગ અને મેકકેન વર્લ્ડગ્રુપ ઇન્ડિયાના સીઇઓ છે. તે વૈશ્વિક માર્કેટિંગ કંપની મેકકેન એરિકસનની પેટાકંપની એશિયા પેસિફિકના ચેરમેન પણ છે.

ફક્ત 17 વર્ષની વયમાં ઝગમગ્યો પ્રતિભાનો તીખારો

પ્રસૂને 17 વર્ષની ઉંમરે પ્રથમ પુસ્તક ‘મૈં ઔર વો, એ ‘કન્વર્સેશન વિથ હિમસેલ્ફ’, પબ્લિશ થયું હતું. આ પુસ્તક વિખ્યાત આધુનિક સાહિત્યકાર  ફ્રેડરિક નિત્શેના ‘સ્પૉક ઝરથોસ્ટ્રા’ થી પ્રેરિત છે. તેમનું છેલ્લું પુસ્તક, સનશાઇન લેન્સ,  ગીતસંગ્રહ છે. આ પુસ્તકનું 2013માં જયપુર સાહિત્ય મહોત્સવમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

સફળતાની સીડી પર પહેલું કદમ

તેમણે વ્યાવસાયિક સફળતાની સીડી પર પહેલું કદમ દિલ્હીમાં માંડ્યું જ્યાં ઑગ્લવી અને માથેરમાં 10 વર્ષથી વધુ સમય કામ કર્યું. 2002માં મુંબઈ ઓફિસમાં એક્ઝિક્યુટિવ ક્રિએટીવ ડિરેક્ટર બન્યાં. એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને નેશનલ ક્રિએટીવ ડિરેક્ટર તરીકે મેકકેન-એરિકન સાથે જોડાયાં, અને મેકકેન વર્લ્ડગ્રુપ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે અને એશિયા પેસિફિક દ્વારા 2006 સુધી પ્રાદેશિક સર્જનાત્મક ડિરેક્ટર તરીકે નિમણૂક પામવાનું માન ખાટ્યાં હતાં

ભારતીયોના દિલમાં વસેલી છે આ ટ્યૂન્સ

યુવાપેઢીના દિલમાં વસેલી ઘણી ટ્યૂન પ્રસૂનની કળાભિવ્યક્તિ કરે છે. જેમાં જાણીતાં એડ કેમ્પેઇન્સમાં એનડીટીવી ઇન્ડિયાના સચ દિખાતે હૈ હમ, સફોલાની અભી મેં જવાન હૂં, એલજી, મેરિકો, પેરફ્ટેટીની એલ્પેનલીબે,  ક્લોરમિન્ટ, અને કેન્સ વિજેતા ‘થંડા મતલબ કોકાકોલા’ની આમીરખાન સાથેની એડ છે. તેમના હેપીડન્ટ ટેલિવિઝન કોમર્શિયલને 2007ના કેન્સ ગોલ્ડમાં બોબ ગારફિલ્ડની વ્યક્તિગત પસંદગીઓમાંની એક તરીકે બોબ ગારફીલ્ડ ઓફ એડવર્ટાઇજિંગ એજ તરીકે પસંદ કરવામાં આવી હતી. 21 મી સદીની 20 શ્રેષ્ઠ જાહેરાતો પૈકી એક ગન રિપોર્ટમાં પણ તેને પસંદ કરવામાં આવી હતી. તેમણે સીએનએન આઇબીએનની જિંગલ ‘ઇન્ડિયા રાઇઝિંગ’ અને કોકના લોકપ્રિય ઉમ્મીદવાલી ધૂપ માટેના ગીતો પણ લખ્યાં છે.

ગ્લેમરવર્લ્ડમાં પ્રસૂનની એન્ટ્રી

ફિલ્મજગતમાં પ્રસૂનની એન્ટ્રી થઇ રાજકુમાર સંતોષીની લજ્જા ફિલ્મના ગીતકાર તરીકે. જેને પ્રસૂન માટે મહત્વપૂર્ણ સફળતા કહી શકાય. બોલિવૂડ ફિલ્મો ફના, રંગ દે બસંતી, તારેં જમીં પર, બ્લેક અને દિલ્હી 6 જેવી સફળ ફિલ્મો પણ આ યાદીમાં શામેલ છે. 2006માં રંગ દે બસંતી ફિલ્મે એક સંવાદ લેખક તરીકેની તેમની કારકિર્દીને ચિહ્નિત કરી.

સફળતાનું સન્માન

સફળતાનું સન્માન પણ હોય જ, જે એવોર્ડઝરુપે પ્રસૂનના ઘરને શોભાવી રહ્યાં છે. તારે જમીં પર (2007), અને ચિત્તાગોંગ (2013) માં એમ બે વખત શ્રેષ્ઠ ગીત માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવ્યો. 2007ની ફિલ્મ ‘ફના’થી ફિલ્મ ‘ ચાંદ સિફરીશ ‘ ગીત અને મા ગીત ‘માટે ફિલ્મફેર શ્રેષ્ઠ ગીતકાર પુરસ્કાર જીત્યો. પ્રસૂન જોશી 2014ની પુરસ્કાર વિજેતા ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ ના પટકથા લેખક હતાં.

હાલમાં પણ પ્રસૂન કંગના રનૌતની ઐતિહાસિક મૂવી મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ ઝાંસી સાથે ગીતકાર તરીકે જોડાયેલાં છે.

તેમની પ્રતિભાને ભારત સરકારે પણ સન્માનિત કરી છે. કલા, સાહિત્ય અને જાહેરાતોના ક્ષેત્રે તેમના યોગદાન બદલ 2015માં ભારત સરકાર દ્વારા પ્રસૂન જોશીને પદ્મશ્રીનો એવોર્ડ એનાયત થયો છે.

2006માં વિશ્વ ઇકોનોમિક ફોરમના સંલગ્ન ફોરમ ઓફ યંગ ગ્લોબલ લીડર્સ દ્વારા તેમને ‘યંગ ગ્લોબલ લીડર 2006’ તરીકે પસંદ કરાયાં હતાં. પ્રસૂન કોમનવેલ્થ ગેમ્સ 2010ના ઉદઘાટન અને સમાપન સમારોહ માટે શ્યામ બેનેગલ અને જાવેદ અખ્તર સાથેની ત્રણ સભ્યની કોર ક્રિએટિવ એડવાઇઝરી કમિટીના સભ્ય પણ હતા.

પ્રસૂન જોશીના નામે 200થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો બોલે છે. જેમાં 2002 એબીબીવાય ફોર બેસ્ટ કોપીરાઇટર અને બેસ્ટ એડ ઝૂંબેશ, ઠંડા મતલબ કોકાકોલા માટે કેન્સ લાયન એવોર્ડ અને  ‘નં. 1 એશિયા પેસિફિક ક્રિએટિવ ડિરેક્ટર 2007’ પુરસ્કાર અપાયો છે.

આવાં કળા અને સાહિત્યપ્રેમી સર્જનાત્મક અભિગમ સાથે નવું આપનારા પ્રસૂન જોશીની સેન્સર બોર્ડ ચેરમને તરીકેની વરણીથી ફિલ્મઉદ્યોગના વાસ્તવિક કળામર્મજ્ઞોને ઘણો આનંદ થયો છે અને તેઓ ભારતીય ફિલ્મજગતમાં મોકળાશનો અનુભવ કરાવશે તેવી આશા છે.

તસવીર સૌજન્યઃ ટ્વીટર


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS