જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે ટોકિયોથી સીધા અમદાવાદ આવ્યાં અને પીએમ નરેન્દ્ર મોદી સાથે રહીને હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ(બુલેટ ટ્રેન)નું સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ખાતમુહૂર્ત કર્યું. બુલેટ ટ્રેનના આ કાર્યક્રમની સાથેસાથે સૌએ એ જોયું કે મોદીએ શિન્ઝો એબે સાથે કેવી અંગત મિત્રતા સાધી છે.જાપાની પીએમ અને તેમના પત્ની અકી એબેને ગુજરાતી એવો આતિથ્ય સત્કારથી કરાવ્યો કે એબે દંપતિ ભાવવિભોર બની ગયું હતું. એબે દંપતી અને નરેન્દ્ર મોદીનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રોડ શોથી પણ એબેભાઈ અને અકીબહેન આકર્ષિત થયાં હતાં. ગાંધી આશ્રમની મુલાકાત, સીદી સૈયદની જાળીની મુલાકાત, દાંડી કુટીરની મુલાકાત..જ્યાં પણ ગયાં ત્યાં સ્વયં પીએમ મોદી જ શિન્ઝો એબેના ગાઈડ બન્યાં હતાં. તેમને અમદાવાદના ઐતિહાસિક સ્થળોની માહિતી આપી હતી. તેની સાથે ભોજન સમારંભમાં પણ ગુજરાતી સહિત ભારતીય વ્યંજનો પીરસાયાં હતાં. એબે દંપતીએ હોંશેહોંશે ભાવતાં ભોજનિયાં આરોગ્યાં હતાં.આ બધી મહેનત સાથે જાપાની વડાપ્રધાન શિન્ઝો એબેની બે દિવસની અમદાવાદ મુલાકાત પ્રજાને પણ ફળદાયી નીવડી છે.

શિન્ઝો એબે જે રૂટ પરથી પસાર થવાના હતાં તે રૂટ પર રોડ નવા બનાવી દેવાયા. કોર્પોરેશને વરસાદ પછીના ખાડા માત્ર 3-4 દિવસમાં જ પૂરી દીધા અને નવા રોડ બનાવી દીધાં. મહેમાનના પેટનું પાણી ન હાલે તેવા બનાવી દીધાં હતાં. તે રૂટ પર રોશની કરાઈ હતી. બીઆરટીએસનો રૂટ સફાઈ કરીને ચકાચક બનાવી દીધો હતો.

થયું એવું કે જાહેર જનતાએ લાગણી વ્યક્ત કરી કે દર મહિને અમદાવાદમાં કોઈ વિદેશી મહેમાન આવે તો જલસો પડી જાય. કમસે કમ એમના આવવાથી રસ્તા તો અપટુડેટ થઈ જાય છે અને સફાઈ પણ વ્યવસ્થિત થાય છે. અગાઉ સોશિયલ મીડિયામાં અમદાવાદના ખાડા મુદ્દે લોકોએ અને વિપક્ષે ખૂબ ખાંડાં ખખડાવ્યાં હતાં પણ બધું જેમનું તેમ હતું.

ખેર, મૂળ મુદ્દે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું રંગચંગે ખાતમુહૂર્ત થયું. પુરા ભારત અને વિશ્વમાં આ બુલેટ ટ્રેનની ચર્ચા ચાલી છે. બુલેટની ગતિએ ભારતનો વિકાસ આગળ વધશે. વિકાસ ગાંડો થયો છે…. બુલેટ ટ્રેન માટે હજી સુધી એક પાંદડુ હાલ્યું નથી, ત્યાં ખાતમુહૂર્ત… અને બીજું શ્રાદ્ધમાં ખાતમુહૂર્ત કર્યું છે, આ બુલેટ ટ્રેન ચાલશે તો ખરીને… આવી વાતો ગુજરાતીઓ કરી રહ્યાં છે. પણ હકીકતમાં જોઈએ તો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવ્યો તે ગુજરાત અને મહારાષ્ટ્રના આર્થિક વિકાસમાં ખૂબ મોટો ફાળો આપશે.

બીજી તરફ વિચાર કરીએ તો છેલ્લાં પાંચ વર્ષથી બુલેટ ટ્રેનની વાતો કરતાં હતાં, અત્યાર સુધી કાંઈ થયું ન હતું…રહીરહીને બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત… લોકોમાં આ મુદ્દે અનેક સવાલો ઉભા થયાં છે.એનું કારણ છે ટાઇમિંગ. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે, એટલે કે ડીસેમ્બરમાં જ છે. ચૂંટણીપંચ કામે લાગી ગયું છે. ચૂંટણીપંચની આચારસંહિતા લાગુ પડે તે પહેલાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સંપન્ન થઈ ગયું છે. અને આખા અમદાવાદનો વટ પડી ગયો છે. પીએમ મોદી અને સીએમ રૂપાણીનો પણ વટ પડી ગયો છે, જોયું ભાજપ વિકાસના કામો ખૂબ જ ઝડપથી કરે છે. બુલેટ ટ્રેનનો દાખલો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જામશે  એ ચોક્કસ.

બુલેટ ટ્રેનની વિશેષતા

 • સરકારે કહ્યું છે 2022 સુધી આ પ્રોજેક્ટ પુરો કરી લેવાશે.
 • પાંચ વર્ષમાં 1,10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, દર વર્ષે 20,000 કરોડ ખર્ચાશે
 • જાપાન 88,000 કરોડ રૂપિયાની લોન 0.1 ટકાના વ્યાજે આપશે, તે લોન 50 વર્ષમાં પરત કરવાની રહેશે
 • સાબરમતી રેલવે સ્ટેશનથી મુંબઈ બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સની વચ્ચે 508 કિલોમીટરનો રસ્તો 2 કલાક 58 મીનીટમાં પુરો થશે.
 • અમદાવાદ મુંબઈ વચ્ચે 12 સ્ટેશન પર બુલેટ ટ્રેન ઉભી રહેશે. બાન્દ્રા કુર્લા, થાને, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સૂરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનના સ્ટોપેજ અપાયાં છે.
 • બુલેટ ટ્રેનની સ્પીડ 320થી 350 કિલોમીટર પ્રતિકલાકની રહેશે.
 • હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનું સંચાલન નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન લિમિટેડ કરશે.
 • સૌથી પહેલાં વડોદરામાં ટ્રેનિગ સેન્ટર શરૂ કરાશે, જ્યાં 4000 કર્મચારીઓને તાલીમ અપાશે.
 • નદી, રોડ અને રેલ લાઈન્સને પાર કરવા માટે બ્રિજનું નિર્માણ કરાશે.
 • બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી 20 હજાર લોકોને રોજગારી મળશે.
 • બુલેટ ટ્રેન 96 ટકા એટલે કે 468 કિલોમીટર એલિવેટેડ હશે, 6 ટકા એટલે કે 27 કિલોમીટર સુરંગમાંથી પસાર થશે, અને 12 કિલોમીટર જમીન પર દોડશે.
 • હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે અંદાજે 120 લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટ, 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટ અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલની જરૂરિયાત પડશે.
 • મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનની ટિકીટ રૂપિયા 2700-3000ની વચ્ચે રાખવામાં આવશે.

બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત મુંબઈમાં કરવાને બદલે અમદાવાદમાં કરાયું, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અમદાવાદ આવ્યાં હતાં, અને આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે સંબોધનમાં પીએમને નિવેદન કર્યુ હતું કે 2022માં બુલેટ ટ્રેનમાં તમે બન્ને પીએમ બેસીને મુંબઈથી અમદાવાદ આવો. તેનો શિન્ઝો એબેએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. શિન્ઝો એબેએ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો કે હું અને મારા મિત્ર નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેનમાં સાથે સફર કરીને મુંબઈથી અમદાવાદ આવીશું.

બુલેટ ટ્રેન સાથે ઈન્ડો જાપાન એન્યુઅલ મીટ યોજાઈ, 15 સમજૂતીઓ પર સહીસિક્કા થયા. જાપાની કંપનીઓ ગુજરાતમાં નવું રોકાણ કરશે. ગુજરાતી અખબારો પણ જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેના સમાચારોથી ભરપુર રહ્યાં હતાં. હા, ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે કે શિન્ઝો એબે ટોકિયોથી સીધા અમદાવાદ આવ્યાં અને અમદાવાદથી સીધા ટોકિયો ગયાં. આવું પહેલી જ વાર બન્યું છે કે કોઈ વિદેશી મહેમાન નવી દિલ્હી ન ગયાં. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે પોલિટક્લી ફાયદો મેળવવા માટે થઈને વડાપ્રધાન મોદી માસ્ટર સ્ટ્રોક મારી ગયાં છે.

વિરોધ પક્ષ કોંગ્રેસે ચૂંટલીઓ ખણવાનું ચાલુ કર્યું છે, અત્યાર સુધી કેમ બુલેટ ટ્રેનની વાતો કોઈ કરતું ન હતું અને હવે વિધાનસભાની ચૂંટણી આવી છે, ત્યારે બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરાયું છે. અત્યારે વિરોધ પક્ષ બુલેટ ટ્રેનના રીપોર્ટ પર સરકાર પર આક્ષેપ કરી રહ્યાં છે. કાગળ પરના પ્રોજેક્ટનો શિલાન્યાસ થઈ ગયો છે. પણ ગુજરાતીઓ હરખઘેલાં છે… નવી વાતોને ઝડપથી સ્વીકારી લે છે.

વડાપ્રધાન મોદીએ બુલેટ ટ્રેનનો માસ્ટર સ્ટ્રોક તો માર્યો, તે સાથે એ ફંડા પણ સમજાવ્યો કે ગુજરાતી અને તે પણ અમદાવાદી… એમ કહીને જાપાનની 88,000 કરોડ રૂપિયાની લોન 0.1 ટકા વ્યાજની, અને તે પણ 50 વર્ષે પરત કરવાની… મફતના ભાવમાં બુલેટ ટ્રેન આવી છે, એમ કહીને આમ જનતાની વાહવાહી લૂંટી લીધી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS