ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા

 

ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા

 

એક લોકવાર્તા એવું કહે છે કે ભગવાને જ્યારે ઊંટ બનાવ્યું ત્યારે એને ખૂંધ એટલે કે ઢેકા નહોતા. આ કારણથી માણસ એની પાસેથી બહુ કામ લેતો. એક દિવસ ઊંટે ભગવાન પાસેથી વરદાન માંગી આ પરિસ્થિતીમાંથી પોતાને બચાવવા અરજ કરી. ભગવાને દયા કરી.

ઊંટની પીઠ પર ખૂંધ ઉપસી આવી. આ કારણથી માણસ માટે એના પર સવારી કરવાનું મુશ્કેલ બન્યું. થોડો સમય તો આ ચાલ્યું પણ માણસ બુધ્ધિમાન પ્રાણી છે એટલે એણે ઊંટ પર બેસવા માટે લાકડાનું પલાણ જેને કાઠડો કહે છે તે બનાવ્યું અને વળી પાછો ઊંટનો પહેલાની જેમ જ ઉપયોગ થવા લાગ્યો. આમ, બુધ્ધિના જોરે એણે ઊંટની ચાલ નિષ્ફળ બનાવી. આવી જ કહેવત “આડે લાકડે આડો વેર” છે. મૂળ જેવા સાથે તેવા થવાની વાત છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)