વોશિંગ્ટન- અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટ્રાવેલ પ્રતિબંધની નવી યાદી જાહેર કરી છે. આ વખતની યાદીમાં ઉત્તર કોરિયા અને વેનેઝુએલા સહિત 8 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દેશોના નાગરિકો પર આરોપ લગાવતા અમેરિકન સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે, તેઓ સુરક્ષા તપાસમાં સહકાર આપતા નથી.

ટ્રાવેલ પ્રતિબંધની યાદીમાં 8 દેશ

આ યાદીમાં સૌ પ્રથમ ઉત્તર કોરિયા, વેનેઝુએલા, ઈરાન, લિબિયા, સીરિયા, યમન અને સોમાલિયા સહિતના દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સુદાનના નાગરિકો ઉપરથી અમેરિકાએ ટ્રાવેલ પ્રતિબંધ હટાવી લીધો છે.

મુસ્લિમોના પ્રવેશ પર રોક લગાવવા પ્રયાસ

આપને જણાવી દઈએ કે, ટ્રાવેલ પ્રતિબંધની નીતિને કારણે ટ્રમ્પ પહેલેથી જ કાનૂની દાવપેચમાં ફસાયા છે. આલોચકોએ ટ્રમ્પ ઉપર આરોપ લગાવતા કહ્યું કે, ગત જાન્યુઆરીમાં પદભાર સંભાળ્યા બાદથી જ મુસ્લિમોને અમેરિકામાં પ્રવેશ નહીં કરવા દેવાનો ટ્રમ્પ પ્રયાસ કરતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પેહલા પણ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશો ઉપર ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો હતો, જેનો કેસ અમેરિકન કોર્ટમાં પડતર છે.

અમેરિકાની સુરક્ષા એ પહેલી પ્રાથમિકતા

ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અમેરિકાની સુરક્ષા એ તેમની પહેલી પ્રાથમિકતા છે. અમે એવા લોકોને અમેરિકામાં પ્રવેશ નહીં આપીએ જેમની અમે યોગ્ય રીતે સુરક્ષા તપાસ નથી કરી શકતા. અથવા જે લોકો અમને સુરક્ષા તપાસમાં સહકાર નથી આપતા.

ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ બહુમતિ ધરાવતા સુદાન ઉપર પણ અમેરિકાએ ટ્રાવેલ પ્રતિબંધ મુક્યો હતો, જોકે જાહેર કરાયેલી નવી યાદીમાંથી સુદાનનું નામ બાકાત કરવામાં આવ્યું છે.

ઉત્તર કોરિયા પર સંપૂર્ણ પ્રતિબંધ

ઉત્તર કોરિયા અને ચાડના નાગરિકો ઉપર ટ્રાવેલ પ્રતિબંધ અંતર્ગત સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે વેનેઝુએલા માટે તેના સરકારી અધિકારીઓ અને તેમના પરિજનનોને અમેરિકા યાત્રા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS