ઈન્દોર – વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે તેનો જોરદાર વિજયી દેખાવ ચાલુ રાખીને આજે ઓસ્ટ્રેલિયાને અહીંના હોલ્કર સ્ટેડિયમમાં પાંચ-વિકેટથી પરાસ્ત કરી દીધું છે અને પાંચ-મેચોની સિરીઝને ૩-૦ના માર્જિનથી પોતાના કબજામાં લઈ લીધી છે.

ચોથી વન-ડે મેચ ૨૮ સપ્ટેંબરે બેંગલુરુમાં રમાશે.

આજે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી અને આરોન ફિન્ચના ૧૨૪ રનની ધરખમ સદીની મદદથી પોતાના હિસ્સાની ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૯૩ રન કર્યા હતા.

ભારતીય ટીમે તેના જવાબમાં રોહિત શર્માના ૭૧, અજિંક્ય રહાણેના ૭૦ અને હાર્દિક પંડ્યાના ૭૮ રનના દાવની મદદથી ૧૩ બોલ ફેંકાવાના બાકી રાખીને પાંચ વિકેટના ભોગે ૨૯૪ રન કરીને મેચ જીતી લીધી હતી.

રોહિત શર્મા અને અજિંક્ય રહાણેએ પહેલી વિકેટ માટે 139 રનની ભાગીદારી કરીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો.

મનીષ પાંડે ૩૬ રને મહેન્દ્ર સિંહ ધોની ૩ રન સાથે નોટઆઉટ રહ્યો હતો.

કેપ્ટન વિરાટ કોહલીએ ૨૮ રન અને કેદાર જાધવે બે રન કર્યા હતા.

હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે બોલિંગમાં ડેવિડ વોર્નર (42)ને ક્લીન બોલ્ડ પણ કર્યો હતો. વોર્નર અને ફિન્ચે પહેલી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી.

હાર્દિકે બેટિંગમાં 72 બોલમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 78 રન ઝૂડી કાઢ્યા હતા અને ભારતને જીતના દ્વાર પર લાવીને મૂકી દીધું હતું. એને મનીષ પાંડેનો સાથ મળ્યો હતો. બંનેએ મળીને 78 રનની ભાગીદારી કરી હતી. 46મી ઓવરમાં અને 284 રનના સ્કોર પર હાર્દિક આઉટ થયો હતો ત્યારે ભારત જીતને આરે પહોંચી ગયું હતું.

ભારતીય ટીમે આ લગાતાર 9મી વન-ડે ઈન્ટરનેશનલ મેચ જીતી છે.

[gallery_bank type=”images” format=”thumbnail” title=”true” desc=”true” responsive=”true” display=”all” sort_by=”random” animation_effect=”bounce” album_title=”false” album_id=”2637″]


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS