અમદાવાદઃ આજે નવરાત્રિનું પાંચમું નોરતું. નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાંચમા દિવસનું ખૂબ મહત્વ રહેલું છે. પાંચમાં દિવસે મા દુર્ગાએ સ્કંદ માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

મા દુર્ગાએ પાંચમાં નોરતે સ્કંદમાતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દિવસે શ્રદ્ધાપૂર્વક સ્કંદમાતાની આરાધના કરવાથી સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત થાય છે.

ભગવાન સ્કંદને કુમાર કાર્તિકેય તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્તિકેય એટલે શિવપાર્વતીના મોટા પુત્ર. ભગવાન કાર્તિકેય દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યાં હતાં. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ સ્વરૂપે માતાજી સ્કંદના માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. માતાજીના ખોળામાં સ્કંદજી બાળસ્વરૂપે બેઠાં હોય છે. તેમની ચાર ભૂજાઓ છે. જેમાં જમણી બાજુની ઉપરની ભૂજાથી ભગવાન સ્કંદને પકડેલાં છે અને ડાબી બાજુની નીચલી ભૂજા જે ઉપરની તરફ ઊઠેલી છે, તેમાં કમળનું પુષ્પ છે. તેમનું વાહન સિંહ છે. તેઓ હંમેશાં કમળ પર બિરાજે છે.

નવરાત્રિના પાંચમાં દિવસે સ્કંદ માતાની પૂજા અને આરાધના કરવાથી સાધકનુ મન બધા અલૌકિક અને સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈને સ્કંદ માતાના સ્વરૂપમાં સંપૂર્ણપણે તલ્લીન થઈ જાય છે. સ્કંદ માતાની ઉપાસના કરવાથી ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુલોકમાં જ ભક્તને પરમ શાંતિ અને સુખની અનુભૂતિ થવા લાગે છે અને સાથે જ સ્કંદમાતાની ઉપાસના કરવાથી ભક્ત માટે મોક્ષનો માર્ગ પણ ખૂલી જાય છે.

સ્કંદમાતાના પૂજનની વિશેષતા એ છે કે સ્કંદમાતાની ઉપાસનાથી બાળસ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. સ્કંદમાતાનું પૂજનઅર્ચન કરવાથી બધા મનોરથ સિદ્ધ થાય છે. અને પરિવારમાં સુખ, શાંતિની સ્થાપના થાય છે. સ્કંદમાતાની પૂજા અને આરાધના કરવાથી પુત્રસંતાનની ઈચ્છા ધરાવનારની મનોકામના પણ પૂર્ણ થાય છે.

સ્કંદમાતા સૂર્યમંડળના અધિષ્ઠાત્રી દેવી હોવાથી સ્કંદમાતાની ઉપાસના કરનાર સાધક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે અને સાથે જ એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય રીતે હંમેશા સાધકની આસપાસ ફરતું રહે છે. સંપૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે જો સ્કંદમાતાની આરાધના કરવામાં આવે તો સાધકની મનોકામનાઓ તો પૂર્ણ થાય જ પરંતુ સાથે જ તેના મોક્ષનું દ્વાર પણ ખૂલી જાય છે.

 

સ્કંદ માતાની ઉપાસના માટેનો મંત્ર

|| સિંહાસન ગતા નિત્યં, મદ્માશ્રિત કરદ્વયા,

શુભદાસ્તુ સદાદેવી, સ્કંદમાતા યશસ્વિની ||


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS