‘ટ્યૂબલાઈટ’ના એ રોલ માટે સ્ક્રિપ્ટ અનુસાર અમને અરબાઝ કરતાં સોહેલ વધારે ફિટ લાગ્યો હતોઃ સલમાન ખાન

રઘુ જેટલી

સલમાનભાઈનો એક રુલ છે કે પોતાની નવી ફિલ્મના બારામાં પત્રકારોને મળવાનું હોય તો એ મીટિંગ ઘરેથી ત્રણ મિનિટમાં પહોંચી જવાય એવા મેહબૂબ સ્ટુડિયોમાં ગોઠવે. ડિરેક્ટર કબીર ખાન સાથે સલમાન ખાનની ત્રીજી ફિલ્મ ‘ટ્યૂબલાઈટ’ની રિલીઝના અઠવાડિયા પહેલાં રઘુ આ જ રીતે મેહબૂબમાં સલ્લુને મળ્યો. ટાઈટ જીન્સ, ફુલ સ્લિવ્સનું ટાઈટ ટી-શર્ટ ને ચહેરા પર એવા જ ટાઈટ હાવભાવ સાથે રઘુ સામે એ બેઠો હતો.

ઈદના મૌકા પર રિલીઝ થયેલી ‘ટ્યૂબલાઈટ’માં સલમાન એક બાળસહજ નિર્દોષતા ધરાવતો યુવાન લક્ષ્મણ (સલમાન ખાન) બન્યો છે, જે ૧૯૬૨માં ઈન્ડો-ચાઈના વૉર અને એમાં થતી કત્લેઆમથી વ્યથિત એ બંધ કરાવવા તથા યુદ્ધમાં સપડાયેલા પોતાના ભાઈ ભરત (સોહેલ ખાન)ને પરત લાવવાના મિશન પર નીકળે છે.

અહીં બન્ને સગ્ગા ભાઈ જ આ ભૂમિકા ભજવે છે એટલે સલમાનના કહેવા મુજબ: ‘કામ બહુ આસાન થઈ ગયું. યુદ્ધ તરફથી ખરાબ સમાચાર આવે તો એ વખતે લક્ષ્મણ બનતો સલમાન કોઈ ઍક્ટરને નહીં, પણ પોતાના ભાઈને જ યાદ કરે છે એટલે ચહેરા પર હાવભાવ જોઈએ એવા આવે. અમારી વચ્ચેની કેમિસ્ટ્રી, ફ્રેન્ડશિપ જબરદસ્ત છે, જે પરદા પર દેખાય છે.’

એટલે જ એ કહે છે: ‘સ્ક્રિપ્ટ સાંભળતાંવેંત મને લાગ્યું કે ભરતના રોલમાં  સોહેલ ફિટ બેસશે. એ સારો ઍક્ટર છે એ પુરવાર કરવાની આ એક સારી તક પણ હતી. ડિરેક્ટર કબીર પણ માની ગયા અને લો… યાદ રહે, મારા બે ભાઈ છે, પણ મને લાગ્યું કે અરબાઝને આ રોલ બિલકુલ સૂટ નહીં કરે એટલે અમે સોહેલને કાસ્ટ કર્યો.’

રઘુને શું સૂઝે છે કે એ પૂછી બેસે છે કે તું ચાઈલ્ડ-લાઈક યુવાનનું પાત્ર ભજવે છે, પણ બાળસહજ નિર્દોષતાની ઉંમર (એજ ઑફ ઈનોસન્સ) આજે ઘટતી જઈ રહી છે એવું લાગે છે?

સાંભળીને તરત એની આંખો ચમકે છે: ‘અરે સર, બોહત પેહલે (ઈનોસન્સ) તો કબ કી ખતમ હો ગઈ. આજે મારાં ભાણેજ-ભાણેજી-ભત્રીજા-ભત્રીજી એવા એવા સવાલ મને પૂછે છે કે હું દંગ રહી જાઉં છું. જવાબ જ નથી હોતો મારી પાસે-બટ આઈ ઍમ સો હૅપ્પી કે ધે આર ગ્રોઈંગ સો કરેક્ટ. એમનામાં કોઈ છળકપટ નથી. એ ફોકસ્ડ છે, જે કરવું છે એના માટેની ઘેલછા છે, બીજા માટે પ્રેમ-સ્નેહ-આદર છે. જરૂરતમંદોને મદદ કરવા તત્પર રહે છે.’

અચ્છા, ન્યુ યોર્કના જગવિખ્યાત ટાઈમ સ્ક્વેર પર ‘ટ્યૂબલાઈટ’નું પોસ્ટર લાગ્યું છે. મજા પડી હશેને તને?

(ખડખડાટ હસી પડતાં):  ‘અરે, મુઝે તો બહોત અચ્છા લગ રહા હૈ, પણ ત્યાંથી જતા-આવતા લોકોની મને દયા આવે છે. એ લોકોને ખબર છે ખરી કે આ કોનું પોસ્ટર છે? એ લોકો વિચારતા હશે: યે કૌન હૈ? ઔર યહાં પર ક્યા કર રહા હૈ? (બોલીને ફરીથી હસી પડે છે).’

ખાન લોકો એક પરિવારને તાંતણે બંધાયેલો પરિવાર છે. આજના સમયમાં કેટલું અઘરું છે બધાને એકતાંતણે બાંધી રાખવા?

‘અરે યાર, સબસે પેહલે તો, અવર ફૅમિલી ઈઝ લેસ ખાન ધેન અધર. હમારે યહાં નાડકર્ણી હૈ, નાના જમ્મુ સે હૈ, નાની અને મૉમ મહારાષ્ટ્રીયન છે, પિતા પઠાણ છે, હેલન આન્ટી બર્મીઝ-કૅથોલિક છે તો સોહેલની વાઈફ સીમા અને બહેન અલ્વિરાનો હસબન્ડ અતુલ અગ્નિહોત્રી પંજાબી છે, મલાઈકા અરોરા પોતે મલયાલી ક્રિશ્ર્ચિયન છે…’

હા, પણ ફૅમિલીની એકસૂત્રતા…?

‘હા, હવે હું એની પર જ આવું છું (ગંભીર બને છે). જુઓ, આ બધાં મારા ઘરની આસપાસ એક-બે મિનિટના અંતર પર રહે છે, પણ જ્યારે એમને ફોન જાય કે ઘર આ જાઓ-ઈટ મીન્સ ગૅલેક્સી (બાન્દ્રાના ગૅલેક્સી  ઍપાર્ટમેન્ટમાં સલમાન ખાન તથા અબ્બા-અમ્મી, સલીમ ખાન-સલમા ખાન રહે છે) એમને બરાબર ખબર હોય છે કે કમ હોમ મીન્સ ઈટ હૅઝ ટુ બી ગૅલેક્સી.’

અચ્છા, તેં નિર્માણ-ડિસ્ટ્રિબ્યુશનમાં ઝંપલાવ્યું તો ભવિષ્યમાં દિગ્દર્શનમાં જવાની ઈચ્છા ખરી?

‘અરે સર, શૂરૂ‚આત તો મૈંને ડિરેક્શન સે હી કી ના? ઉસમેં કામ મિલા નહી તો ઍક્ટિંગ મેં આ ગયા. હવે અભિનયમાં સારું ચાલી રહ્યું છે તો એ છોડીને દિગ્દર્શનમાં શું કામ પડું?’

અચ્છા, તારી આસપાસ એવા ઘણા સ્ટ્રગ્લર ફરતા હોય છે એ આશામાં કે ભાઈ અમને ફિલ્મમાં કામ અપાવશે, સ્ટાર બનાવશે તો તું એ લોકોને ઓળખી શકે છે ખરો? કે કોને ખરેખર અભિનયમાં દિલચસ્પી છે ને કોણ ફેંકું છે?

‘હા, ક્યારેક તરત ખબર પડી છે તો ક્યારેક થોડી વાર લાગે છે, પણ સમજાઈ જાય છે ખરું-સો ટકા. ક્યારેક હું સામેની વ્યક્તિને મિસ્અન્ડરસ્ટૂડ કરું એવું પણ બને છે, પરંતુ એક વાત ચોક્કસ-તમે ગમે એટલા મારી આગળ-પાછળ ફરો, જો તમારામાં મને અભિનયનો, પ્રતિભાનો ચમકારો નહીં દેખાય તો હું તમારો હાથ નહીં પકડું: કામ આપ કો મિલને વાલા નહી હૈ!  બટ યુ સી, આજે ઈન્ડસ્ટ્રીમાં કામ ઘણું છે-માના રોલ છે, બહેનના રોલ છે. આ તરફ ટીવી, પણ માધ્યમ તરીકે ખૂબ મોટું થઈ ગયું છે. હજ્જારો ઍક્ટરોની લાઈફ ટીવીએ બચાવી લીધી છે. ફિલ્મમાં કામ મળતું નહોતું, પણ ટીવી ઈન્ડસ્ટ્રી બિગ બિગ થઈ ગઈ અને અચાનક એ બધા બિઝી બિઝી થઈ ગયા. આજે એ બધા સુખી છે, બધા પાસે પૈસા છે…

– ઓકે, આગલા એક સવાલમાં તેં ભાઈના સંબંધની, ફ્રેન્ડશિપની વાત કરી. એક જમાનામાં તારા પિતા સલીમ અને જાવેદ છૂટા પડ્યા, પણ એ ભંગાણમાં એક ગરિમા જળવાયેલી, કોઈ સામસામી આક્ષેપબાજી નહીં. આજે બોલીવૂડમાં એવી ફ્રેન્ડશિપ શક્ય છે ખરી?

(થોડું વિચારે છે):  ‘એવું છે કે એ વખતનું પત્રકારત્વ એવું નહોતું જેવું આજે છે. એ વખતે ગણ્યાંગાઠ્યાં સામયિક હતાં, એક-બે માસિક હતાં, જેમાં લેખો વાંચીને લોકો ભૂલી જતા. છાપાં તો ફિલ્મસ્ટાર્સ વિશે કંઈ છાપતાં નહીં, બહુ બહુ તો ફિલ્મસમીક્ષા. એમના અંગત જીવનમાં તો ડોકિયાં કરતાં જ નહીં. શુદ્ધ રિપોર્ટિંગ જ થતું. ધારો કે કોઈ પત્રકારને લાગતું કે આવું લખવાથી અમુક સ્ટારને ઓછું આવી જશે કે આ ખબરથી એના અંગત જીવનમાં ખળભળાટ મચી જશે  તો એ પોતે જ એ ખબરને એડિટ કરી નાખતા. આજે તો તમે બધા એકબીજા સાથે એટલી કૉમ્પિટિશન કરો છો કે આગળ નીકળી જવા કંઈ પણ છાપો છો. તમારો અંતરાત્મા ડંખતો હશે, એવું લખવાની-છાપવાની પરવાનગી નહીં આપતો હોય તો પણ તમે એવું છાપી નાખશો. છાપાંવાળા આજે અજીબોગરીબ હેડલાઈન્સ સાથે ફિલ્મી ન્યૂઝ ચમકાવે છે. આજના યુવા પત્રકારો કંઈ પણ લખી નાખે છે.

‘હવે, મારા પિતા અને જાવેદ સા’બ પર આવું તો એ છૂટા પડ્યા, છતાં બન્નેને આજે પણ એકમેક માટે સમાદર છે. ફરહાન અખ્તર, ઝોયા (જાવેદ અખ્તરનાં સંતાન) મારી બહુ ક્લોઝ છે. વી આર કનેક્ટેડ.’

બસ, હવે મુલાકાત પૂરી થવાનો ઈશારો થાય છે. સ્ટુડિયોના સ્ટેજ નંબર ફોરમાંથી અમે બહાર નીકળીએ છીએ. બહાર જાતજાતના લોકો ભાઈને મળવા તત્પર છે. એના પર્સનલ સ્ટાફની ફોજ પણ હાજર છે. સ્ટાફમાંથી કોઈ નજરે ચડતાં એ ટકોર કરે છે: તું સાઈકલ હી ચલાતા રેહતા હૈ યા કોઈ કામ ભી કરતા હૈ? એક ફોરેનર બહેન પણ સલ્લુને મળવા માગે છે. ધડાધડ કમ્પાઉન્ડમાં ખુરસી-ટેબલ ગોઠવવામાં આવે છે અને મીટિંગ શ‚ થાય છે એટલે રઘુ ત્યાંથી ચાલતી પકડે છે.