Travel Tips

ભારતના બેસ્ટ વોટરસ્પોર્ટ્સ સ્થળ…

0

દેશના તેમજ વિદેશના વોટરસ્પોર્ટ્સ તથા એડવેન્ચરના શોખીનો માટે ઘણા સ્થળો છે જ્યાં તેઓ એમની જિંદગીની યાદગાર મજા માણી શકે છે. અનેક પર્યટકોએ પસંદ કરેલા એમાંના મુખ્ય સ્થળો આ છે…

ગોવા

ગોકર્ણ (કર્ણાટક)

આંદામાન ટાપુઓ

કેરળ

લદાખ (જમ્મુ-કશ્મીર)

ઋષિકેશ (ઉત્તરાખંડ)

નૈનિતાલ (ઉત્તરાખંડ)

કોવલોંગ અને મહાબલીપુરમ (તામિલનાડુ)

ગોવાના દરિયામાં જેટ સ્કીઈંગ, વિન્ડસર્ફિંગ પેરાસેઈલિંગ, વોટરસ્કીઈંગ, વેઈક બોર્ડિંગ, કાઈટ સર્ફિંગ, કેટામારન સેઈલિંગની મજા માણી શકાય છે. બાળકો માટે બનાના બોટ રાઈડ્સ છે. મોટે ભાગે લોકો વધારે વિકસીત એવા કાલંગુટ અને બાગા બીચ પર આનંદ માણવાનું પસંદ કરે છે. તે છતાં આખું ગોવા વોટરસ્પોર્ટ્સ માટે પ્રખ્યાત છે.

કર્ણાટકના ગોકર્ણના ઓમ બીચ પર વોટરસર્ફિંગની મજા કંઈ ઓર જ છે.

બંગાળના અખાતમાં આવેલા ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન ટાપુ પર પેરાસેઈલિંગ, જેટ સ્કીઈંગ, સ્કૂબા ડાઈવિંગ, અન્ડરસી વોકિંગ જેવી મજા માણવા માટે પર્યટકો દેશ-વિદેશમાંથી આવે છે.

કેરળ રાજ્યની ખાડીઓ-નદીઓ-નહેરો કાયાકિંગ, કેનોઈંગ, બામ્બુ રેફ્ટિંગ માટે બેસ્ટ ગણાય છે. કેરાલા કાયાકિંગ એલેપ્પી શહેરથી દરરોજ કાયાકિંગ ટૂર યોજે છે.

હિમાલય પર્વતમાળામાં વસેલું લદાખ એવું સ્થળ છે જ્યાં દરિયાઈ સપાટીથી સૌથી ઊંચાઈ પર રીવર-રેફ્ટિંગની મજા કરાવે છે. ઝંસ્કાર નદી તો ખાસ એને માટે અનામત રાખવામાં આવી છે. અહીં રેફ્ટિંગ માટે જૂનથી ઓગસ્ટ બેસ્ટ સીઝન ગણાય છે.

ઋષિકેશમાં ગંગા નદીમાં રીવર રેફ્ટિંગ અને કાયાકિંગના શોખીનો મોટી સંખ્યામાં આવે છે. રીવર રેફ્ટિંગની સાથે કેમ્પિંગ, ટ્રેકિંગનો પણ લોકો આનંદ લે છે.

નૈનીતાલના, ભીમતાલ સરોવરમાં વોટર ઝોબિંગ શરૂ કરવામાં આવ્યું છે જેણે પર્યટકોમાં ઘેલછા ઊભી કરી છે. નૈનીતાલના સરોવરોમાં કાયાકિંગ અને બોટિંગ ટૂરિસ્ટ્સમાં બિગ હિટ છે.

તામિલનાડુના ચેન્નાઈની દક્ષિણે આવેલું કોવલોંગ માછીમારીની સાથોસાથ સર્ફિંગ વિલેજ તરીકે જાણીતું થયું છે. ત્યાંના બીચ ઉપર સર્ફિંગ સુવિધાઓની સાથે ગેસ્ટ રૂમ્સ અને કેફે સવલત પણ શરૂ કરાઈ છે. થોડેક જ દૂર આવેલા મહાબલીપુરમમાં પણ આ જ પ્રકારની મજા માણી શકાય છે.

પાંચ ઓફ્ફ-બીટ વીકએન્ડ સ્થળો…

0

મુંબઈથી બહુ દૂર જવું ન હોય, પણ સાથોસાથ મુુંબઈના ધમાલીયા જીવનથી સહેજ છટકવું હોય તો, થોડેક દૂર શાંતિ, સાહસ, કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવે એવા આ પાંચ સ્થળો છે. નોંધી લો…

1.

કામશેટ (મુંબઈ શહેરથી લગભગ 110 કિ.મી.ના અંતરે)

પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ જેવા એડવેન્ચરના શોખીન માટે. કુદરતી સૌંદર્ય પણ અદ્દભુત છે. સદીઓ પુરાણી કાર્લા ગુફાઓ આવેલી છે. કામશેટમાં રેલવે સ્ટેશન છે. મુંબઈથી ટેક્સી અથવા ખાનગી કે એસ.ટી. બસ દ્વારા બે કલાકમાં કામશેટ પહોંચી શકાય. કામશેટ લોનાવલાથી માત્ર 16 કિ.મી. દૂર આવેલું છે.

2.

જવ્હાર (મુંબઈથી લગભગ 180 કિ.મી. દૂર)

સહ્યાદ્રી પર્વતમાળાની ગોદમાં આવેલું છે. પર્વતોની હારમાળા જોવાનો આનંદ માણવા જેવો છે. લીલીછમ હરિયાળી પણ ભરપૂર છે. વાર્લી આદિવાસી સંસ્કૃતિ અને કળા જોવા મળે છે. મુંબઈથી જવ્હાર જવા માટે બસ ઉપલબ્ધ સેવા છે. કેબ/ટેક્સી દ્વારા પણ કસારા-ખોડાલા થઈને જવ્હાર જઈ શકો. ટ્રેનમાં જવું હોય તો નાશિક સુધી (80 કિ.મી.) અથવા ઈગતપુરી (61 કિ.મી.) સુધી ટ્રેન જાય છે ત્યાંથી રોડ માર્ગે જવ્હાર બહુ નજીક છે.

3.

ઈગતપુરી (મુંબઈથી 120 કિ.મી. દૂર)

આજુબાજુ ખીણ આવેલી છે, જે જોઈને રોમાંચ જાગે. ધમ્માગિરી મેડિટેશન સેન્ટર માટે ખાસ જાણીતું છે. જૂનથી સપ્ટેંબર અને નવેમ્બરથી માર્ચ મહિનાઓ અહીંના પ્રવાસ માટે ઉત્તમ ગણાય. કેમલ વેલી, કલસુબાઈ શિખર, ટ્રિંગલવાડી કિલ્લો, આર્થર લેક, ભાત્સા રીવર વેલી, અમૃતેશ્વર મંદિર જોવા જેવા છે. મુંબઈથી ટ્રેન દ્વારા બે કલાક 40 મિનિટમાં પહોંચી શકાય. ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે, જેમ કે મહાનગરી એક્સપ્રેસ, ગીતાંજલી એક્સપ્રેસ, મુંબઈ સીએમએસટી-તપોવન એક્સપ્રેસ, લોકમાન્ય તિલક ટર્મિનસ-નાગપુર એક્સપ્રેસ. મુંબઈથી રોડ માર્ગે પણ ઈગતપુરી જઈ શકાય છે.

4.

દિવેઆગર, શ્રીવર્ધન અને હરિહરેશ્વર (મુંબઈથી 190 કિ.મી. દૂર)

આ ત્રણેય સ્થળ મહારાષ્ટ્રમાં રાયગડ જિલ્લામાં આવેલાં છે. હરિહરેશ્વરને દક્ષિણનું કાશી ગણવામાં આવે છે. ભગવાન શંકરના ભક્તો માટે જાણીતું તીર્થક્ષેત્ર છે. દિવેઆગર સ્વચ્છ દરિયાકિનારાઓ માટે જાણીતું છે. શ્રીવર્ધન પેશ્વાઓના કાળનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. નિકટનું રેલવે સ્ટેશન (કોંકણ રેલવે) માનગાંવ છે. ત્યાંથી દિવેઆગર 40 કિ.મી. દૂર આવેલું છે. રોડ માર્ગે દિવેઆગર માટે બસ સેવા છે. દિવેઆગરથી રોડ માર્ગે અનુક્રમે 22 કિ.મી. અને 36 કિ.મી.ના અંતરે આવેલા શ્રીવર્ધન અને હરિહરેશ્વર પહોંચી શકાય છે.

5.

સાંધણ વેલી (મુંબઈથી 185 કિ.મી. દૂર)

આ સ્થળ વેલી ઓફ શેડોઝ તરીકે જાણીતું છે. સહ્યાદ્રી વેસ્ટર્ન ઘાટ વિસ્તારમાં આવેલું છે. ટ્રેકિંગ માટે પ્રસિદ્ધ. ચંદ્રના પ્રકાશમાં કેમ્પિંગ કરવાનો અનેરો આનંદ મળે છે. મુંબઈમાં મધ્ય રેલવે વિભાગમાં કસારા જતી તરફ જતી ટ્રેનમાં જવાય. મુંબઈથી લગભગ બે કલાક 35 મિનિટે કસારા પહોંચાય. ત્યાંથી કાર કે જીપ દ્વારા આગળ જવાય. કસારા અને સાંધણ વેલી વચ્ચે લગભગ 80 કિ.મી.નું અંતર છે. મતલબ કે લગભગ અઢી કલાક. ઈગતપુરીથી બસ કે કાર દ્વારા પણ સાંધણ વેલી જઈ શકાય.

પ્રવાસની સાથે ટેસ્ટી વાનગીઓ ખાવાની મજા…

0

રજામાં ફરવા જાવ ત્યારે જે તે પર્યટન સ્થળની વિશિષ્ટ વાનગીનો સ્વાદ પણ માણવો જોઈએ. પરંતુ એ માટેની જાણકારી અગાઉથી મેળવી રાખી હોય તો તમારા પ્રવાસની મજા ડબલ થઈ શકે. ભારતમાં અસંખ્ય પર્યટન સ્થળોના જોવાલાયક સ્થળોની સાથોસાથ ત્યાં વખણાતા ભોજન તથા સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થોની પણ જાણકારી મેળવી લેવી જોઈએ. અમુક સ્થળની જાણકારી આ રહી…

મુંબઈઃ વડા પાંઉ, ઉસળ અને મિસળ-પાંઉ, સેન્ડવિચ, ચોપાટી પરની ભેલપુરી-દહીં બટાટાપુરી.

દિલ્હીઃ ચાંદની ચોકમાં પરાંઠેવાલી ગલીના પરોઠા, છોલે-ભટૂરે, ચાટ, આલૂ ચાટ

વારાણસીઃ ગંગા ઘાટ ખાતે ચાટ, ગોલગપ્પા, રાબડી મીઠાઈ.

રાજસ્થાનઃ દાલ-બાટી, બેસનના ગટ્ટાનું શાક, કઢી, દહીંવડા.

કોલકાતાઃ વિવેકાનંદ પાર્કમાં આલૂ ફુચકા, ભરવાં પરોઠા, ચાઈનીઝ ફૂડ.

ગુજરાતઃ ભાવનગર (ગાંઠિયા), અમદાવાદ (ભજીયા), પોરબંદર (ખાજલી), રાજકોટ (પેંડા), ખંભાત (હલવાસન), સુરત (ઘારી, ઊંઘીયું, લોચો), કચ્છ (દાબેલી), વડોદરા (લીલો ચેવડો), ભરૂચ (ખારી શિંગ), આણંદ (દાળ વડા).

પ્રવાસમાં સરળતા રહે એ માટે…

0

વિદેશમાં કે ભારતના કોઈ રાજ્યમાં પ્રવાસ કરવા જતા પહેલાં જે તે રાજ્ય કે વિસ્તારના સ્થાનિક ભાષાના અમુક સામાન્ય શબ્દો સમજતાં-બોલતાં શીખી લેવા જોઈએ. જેમ કે ‘પ્લીઝ’, ‘થેંકયૂ’, ‘આઈ એમ સોરી’ જેવા શબ્દોને સ્થાનિક ભાષાઓમાં કઈ રીતે બોલાય છે એ પ્રવાસે જતા પહેલાં શીખી લેવું જોઈએ જેથી ત્યાં ગયા પછી ત્યાંના લોકો સાથેનાં વ્યવહારમાં સરળતા રહે.

ટ્રાવેલિંગ દરમિયાન ત્વચાની દેખભાળ…

0

પ્રવાસ કરતી વખતે ધૂળ, તડકો, પ્રદૂષણના સંપર્કમાં આવવાથી ત્વચા સૂકી, શ્યામ અને નિસ્તેજ થઈ જતી હોય છે. એની સંભાળ રાખવા માટે આટલું કરશોઃ

  • ફેસવોશ, મોઈસ્ચરાઈઝર, સનસ્ક્રીન વગેરે સાથે રાખવા.
  • ક્લીન્ઝિંગ મિલ્ક સાથે રાખવું. લાંબી સફરમાં દિવસમાં બે વાર, ટૂંકી સફરમાં એક વાર ચહેરા પર લગાડવું. ત્યારબાદ ચહેરા પર ટોનર લગાડવું.
  • પર્સમાં લિપ બામ રાખવું, હોઠને મોઈસ્ચરાઈઝ કરવા. ખાસ કરીને એરકન્ડિશન્ડ કોચમાં પ્રવાસ કરતા હો ત્યારે. એનાથી હોઠ સૂકા નહીં પડે.
  • હેવી મેકઅપ ન કરવો. હોઠ પર લાઈટ શેડની લિપસ્ટિક લગાડવી.
  • હાથમાં રૂમાલ રાખવો, એનાથી ચહેરો થોડી-થોડી વારે લૂછતાં રહેવો, એનાથી ધૂળ નહીં બાઝે, ચહેરો સાફ-ફ્રેશ લાગશે.
  • આંખોની કાળજી લેવા સનગ્લાસ પહેરી રાખવા.
  • કોલ્ડ ડ્રિન્ક પીવાનું ટાળવું, પણ પાણી ભરપૂર પીવું. એનાથી ત્વચામાં ભેજ (મોઈસ્ચર) જળવાશે.

બરફની ચાદરમાં આળોટવા જતી વખતે…

0

અત્યારે શિયાળાની મોસમ ચાલે છે અને ઠંડી જોર પકડી રહી છે. આવી મોસમમાં બરફીલા વિસ્તારોમાં ફરવા જવાનું કોને ન ગમે. પણ ત્યાં જતી વખતે કેટલીક તકેદારી લેવી જરૂરી છે. ફર્સ્ટ એઈડ કિટ સાથે જ રાખવી. શરીરનો ઘણો ખરો ભાગ ઢાંકીને રાખવો અને સન સ્ક્રીન લોશન કાયમ સાથે રાખવું. ડબલ વસ્ત્રો પહેરવા અને એની ઉપર વોટરપ્રૂફ જેકેટ પહેરવું જેથી હિમવર્ષાનો આનંદ માણતી વખતે અંદરના કપડાં ભીનાં ન થાય. ટોપી અને નેકગાર્ડ પહેરવા. નાકને પણ નેકગાર્ડ કે મફલર વડે કવર કરવુંં. તંગ કપડાં ન પહેરવા. સવાર-બપોરે કાળા ચશ્મા પહેરવા જેથી સૂરજના તડકામાં ચમકતા બરફથી આંખોને હાનિ ન પહોંચે. બરફમાં સ્કીઈંગ કરતી વખતે હેલમેટ ખાસ પહેરવી.

પ્રવાસ દરમિયાનની તકેદારી…

0

પ્રવાસ દરમિયાન અને એ પૂરો કરી લીધા બાદ ઓછામાં ઓછા ૨૪-કલાક સુધી વધુ પાણીયુક્ત ખાદ્યપદાર્થ લેતા રહેવા જોઈએ, શુદ્ધ જળ ખૂબ પીવું જોઈએ અને તળેલી ચીજવસ્તુઓ ખાવી ન જોઈએ.

પ્લેનમાં સફર કરવાના હો તો…

0

તમે જો પ્લેનમાં સફર કરવાના હો તો, ચાકુ, કાતર, ટોયગન, નેઈલ કટર, સ્ક્રુ ડ્રાઈવર, સ્વીસનાઈફ, છત્રી જેવી વસ્તુઓ હાથમાં, એટલે કે હેન્ડ બેગમાં રાખશો નહીં અને એને બદલે ચેક-ઈન સામાનમાં મૂકી દેવી જેથી એનું ચેકિંગ થઈ જાય.

ઓછો સામાન, વધુ મજા…

0

ટ્રાવેલ-લાઈટ!

જરૂરી હોય એટલો જ સામાન પ્રવાસમાં સાથે લઈ જવો. સામાન જેટલો ઓછો, તેટલી પ્રવાસની મજા વધુ!

મુસાફરીમાં પાણી પીતાં રહો

0

મુસાફરી કરતા હો ત્યારે થોડું થોડું કરીને પાણી પીતાં રહેવું જોઈએ. મુસાફરી દરમિયાન પ્રવાહી લેવા પર વધારે ધ્યાન આપવું. જેવી તેવી જગ્યાએ ગમે તેવા નળમાંથી પાણી પીવાને બદલે ફેક્ટરી-સીલ્ડ બોટલ કે કેનમાંનું પાણી પીવું સુરક્ષિત રહેશે. એવી જ રીતે, ગરમ ચા કે કોફી પણ સુરક્ષિત છે. ફળ વધુ ખાવા જોઈએ, તેમજ ફ્રૂટ જ્યૂસ, નાળિયેરનું પાણી, લીંબુ-પાણી આદર્શ રહેશે.

 

WAH BHAI WAH