Cooking Tips

શાહી ખીચડીનો આસ્વાદ

0

સામગ્રીઃ તુવેર દાળ, મગની દાળ, ચણા દાળ, અળદની દાળ (બધી દાળ એકસાથે ધોઈને પલાળેલી), બાસમતી ચોખા, મિક્સ વેજીટેબલ, લાલ મરચાંની ભૂકી, હળદર, મીઠું, શાહી ગરમ મસાલો, આદુ-મરચાં-લસણની પેસ્ટ, વઘાર માટે ઘી અથવા તેલ, જીરૂં તેમજ વરીયાળી, પા ચમચી કેસર 1 નાની વાટકી દૂધમાં પલાળેલું, કાજુ તેમજ કિસમિસ

સૂકો મસાલોઃ 2-3 લવિંગ, 3-4 કાળાં મરી, તજનો એક ટુકડો, એક તમાલપત્ર, 2 સૂકાં લાલ મરચાં

રીતઃ શાહી ખીચડીમાં વઘાર માટે થોડું જીરૂં તેમજ વરીયાળી લઈ વઘાર કરો. ત્યારબાદ સૂકા મસાલાને 1 મિનિટ સાંતળીને મિક્સ વેજીટેબલ ઉમેરીને સાંતળો. હવે એમાં પલાળેલી બધી દાળ તેમજ બાસમતી ચોખા ધોઈને ઉમેરી દો અને પાણી નાંખો. કૂકરની એક સિટી થવા દો. (દાળ પલાળેલી હોવાથી તેમજ બાસમતી ચોખા એક સિટીમાં રંધાય જાય છે) ત્યારબાદ ગેસ બંધ કરીને થોડીવાર બાદ કૂકરમાંથી વરાળ નીકળી જાય એટલે દૂધમાં પલાળેલું કેસર તેમજ 2 ચમચા દેશી ઘી ખીચડી ઉપર રેડી દો તેમજ કાજુ-કિસમિસ ભભરાવી દો. અને ફરીથી થોડીવાર માટે કૂકર બંધ કરી દો, ખીચડી તૈયાર છે.

કઢી મસાલો જે ચટણી તરીકે પણ ખાઈ શકાય

0

શિયાળાની ઋતુમાં ખાવાનું સહેલાઈથી પચે છે. આ ઋતુ હેલ્થ બનાવવા માટે છે તો કુદરતે પણ આ ઋતુમાં પૌષ્ટિક પદાર્થો આપણી સામે મૂક્યા છે. જેમ કે, લીલી હળદર, આંબા હળદર તેમજ લીલી તુવેર.

તો ઉપર બતાવ્યા છે એ પદાર્થો તેમજ આદુ-મરચાં તેમજ કઢી-પત્તાને છોલીને ધોઈને બધી વસ્તુઓ મિક્સીમાં નાખીને તેમાં થોડું ખાવાનું મીઠું ઉમેરીને પિસી લો (લીલું અથવા સૂકું લસણ પણ ઉમેરી શકો છો). લો, તૈયાર છે શિયાળા માટે કઢીનો મસાલો. આ મસાલો અઠવાડિયા સુધી બહાર રાખી શકાય છે તેમજ ફ્રીઝમાં બે અઠવાડિયા સુધી રાખી શકો છો.

આ મસાલો તમે જમવામાં ચટણી તરીકે પણ ખાઈ શકો છો.

 

ઉત્તરાયણમાં લાવો ચીકીમાં વેરાયટી

0

સામગ્રીઃ 1 કપ તલ, 1 કપ શિંગદાણા, 1 કપ કાજૂ, 1 ½  કપ દળેલી ખાંડ ,  250 ગ્રામ માવો,  1 ચમચો ઘી, ½ ચમચી એલચી પાવડર

રીતઃ તલ તેમજ શિંગદાણા અલગ-અલગ શેકીને મિક્સરમાં ક્રશ કરી લો, કાજૂને પણ અલગ ક્રશ કરી લો. એક કડાઈમાં 1 ચમચો ઘી નાખીને તેમાં માવો ક્રમ્બલ (બારીક ટુકડામાં છુટ્ટો) કરીને નાખો અને હલકો ગુલાબી રંગનો થાય એટલે દળેલી ખાંડ પણ નાખો. માવો અને ખાંડ મિક્સ થાય એટલે તલ, શિંગદાણા અને કાજૂનો ભૂકો તથા એલચી પાવડર ઉમેરી દો.  1-2 મિનિટ સુધી મિશ્રણ ગેસ પર રાખો. ત્યારબાદ નીચે ઉતારી હલકું ઠંડું થાય એટલે પ્લાસ્ટિક શીટ પર અથવા કિચન ટોપ પર ઘી ચોપડીને પાથરી દો અને વેલણ ઉપર ઘી ચોપડીને વણી લો. અને ઠંડું થાય એટલે ચોસલા પાડી લો.

સહુને ભાવે પુડલાની આ વેરાયટી

0

રવામાં 2-3 ચમચા ચણાનો લોટ તેમજ 2 ચમચા ચોખાનો લોટ ઉમેરી છાશ વડે ખીરૂં તૈયાર કરવું, એમાં આદુ-મરચાંની પેસ્ટ તેમજ ટમેટાં ઝીણાં સમારીને નાંખો, વટાણા બાફીને પણ નાખી શકો.  અડધો કલાક બાદ તમે રવાના પુડલા ઉતારી શકો છો. આ નાસ્તો બાળકોને પણ ટીફીનમાં ભાવશે.

 

 

 

સૉફ્ટ અને ટેસ્ટી મેથીના થેપલા

0

મેથીના થેપલાનો લોટ બાંધતી વખતે એમાં સમારેલી મેથીની ભાજી તેમજ દહીં, થોડો ચણાનો લોટ અને થોડો અજમો. થોડા સફેદ તલ તેમજ ધાણાજીરૂં, હળદર તેમજ મરચું, મીઠું સ્વાદાનુસાર લઈ, પાણી લીધા વગર લોટ બાંધવો (કેમ કે, ભાજી તેમજ દહીંને લીધે લોટ પાણી વગર બંધાઈ જાય છે. પણ જરૂર લાગે તે પ્રમાણે પાણી લેવું)

દહીં ને બદલે છાશથી પણ લોટ બાંઘી શકો છો. થેપલા સૉફ્ટ અને ટેસ્ટી બનશે.

સ્વાદમાં ફેરફાર કરવા થોડો બાજરીનો લોટ ઉમેરી શકાય છે.

 

ઓછા સમયમાં તૈયાર થશે ચણાના લોટની બરફી…

0

સામગ્રીમાં 1 કપ ચણાનો લોટ, 2 ટે.સ્પૂન રવો, ¼ કપ દેશી ઘી, ½ કપ સાકર, ¼ કપ પાણી, ¼ ચમચી એલચી પાઉડર, 2  ટે.સ્પૂન કાજૂ-બદામ (સ્લાઈસ કરેલા).

સૌ પ્રથમ કડાઈમાં ઘી ગરમ કરી ચણાનો લોટ તેમજ રવો ગુલાબી રંગનો થાય અને સુગંધ આવવા માંડે ત્યાં સુધી શેકો ત્યારબાદ ગેસ પરથી ઉતારી લો.

હવે ગેસ ઉપર બીજું પૅન લઈ એમાં સાકર તથા પાણી લઈ એક તારની ચાસણી થાય ત્યાં સુધી ગરમ કરી નીચે ઉતારી લો અને લોટના મિશ્રણમાં મિક્સ કરી દો સાથે એલચી પાઉડર પણ ઉમેરો. મિશ્રણ મિક્સ થયા બાદ તુરંત ઘી ચોપડેલી થાળીમાં પાથરી દો અને ઉપર સ્લાઈસ કરેલો સૂકો મેવો ભભરાવી દો. અડધા કલાક બાદ બરફીના ચોસલા પાડી દો. બરફી તૈયાર છે!!!

‘ખાંડવી’: વાંચતા જ આવી ગયું ને મોઢામાં પાણી?

0

ખાંડવી તો તમે ખાધી જ હશે, પણ સ્ટફ્ડ ખાંડવી ખાવી હોય તો આ વાંચો.

બટેટાને બાફીને ખમણીને એમાં આદુ-મરચાંની પેસ્ટ તથા લીંબુ અથવા આમચૂર પાઉડર, મીઠું સપ્રમાણ લઈ બધું મિક્સ કરી લો.

હવે ખાંડવી માટે કડાઈમાં ચણાનો લોટ, હળદર, મીઠું તેમજ આદુ-મરચાંની પેસ્ટ છાશમાં મિક્સ કરો અને ગેસ પર મૂકો. ખાંડવી તૈયાર થાય એટલે ખાંડવીનું મિશ્રણ તેલ લગાડેલી થાળી ઉપર પાતળું પાથરો. આ મિશ્રણ ઠંડું થવા દો. ખાંડવીનો રોલ વાળતાં પહેલાં કોથમીરની ચટણી તેના ઉપર ચોપડીને તેની ઉપર હળવા હાથે બટેટાંનું પુરણ પાથરી દો અને ત્યારબાદ ખાંડવીનો રોલ વાળો. અને કટકા કરો.

બટેટાને બદલે લીલા વટાણા બાફીને કે ગાજર ખમણીને સાંતડીને લઈ શકો છો. અથવા ચટણી ચોપડીને ઉપર કોપરૂં, પનીર/ચીઝ ખમણીને એમાં પાથરી શકો છો.

ખાંડવીનો વઘાર તેલમાં તલ અને રાઈથી કરવો.

હેલ્ધી એગલેસ ઑટ્સ કેક

0

સામગ્રીઃ 1 વાટકી ઑટ્સ શેકીને ક્રશ કરેલા, 1 વાટકી ઘઉંનો લોટ, અડધો કપ દળેલી ખાંડ, 1 કપ દહીં, 3 ચમચા તેલ, અડધો કપ ચોકો ચિપ્સ, 1 ચમચી વેનિલા એસેન્સ, ચપટી ખાવાનું મીઠું, 1 ચમચી બેકિંગ પાવડર, ½ ચમચી બેકિંગ સૉડા.

રીતઃ ઉપર આપેલી સામગ્રીમાંથી સૂકી સામગ્રી એક સાથે ચાળણીમાં ચાળીને મિક્સ કરી લો. ત્યારબાદ બધી લિક્વિડ સામગ્રી મિક્સ કરીને બ્લેન્ડરથી મિક્સ કરો. અને તુરંત 160 ડિગ્રી પ્રી-હીટેડ ઓવનમાં, માખણ ચોપડી ઉપર થોડો લોટ છાંટી તૈયાર કરેલા કેકના વાસણમાં મિશ્રણ રેડી દો. (ખીરૂં બહુ જાડું નહીં અને બહુ પાતળું પણ ન હોવું જોઈએ.) 25-30 મિનિટ બાદ કેકમાં એક ટૂથપિક નાખી ને કાઢો એ ચોખ્ખી નીકળે એટલે કેક તૈયાર છે.

ઓવનના બદલે કૂકરમાં પણ કેક બનાવી શકાય છે. ઢાંકણ વગરના કૂકરમાં એક વાટકી ખાવાનું મીઠું નાખી ઉપર કાઠો અથવા તપેલી મૂકવાનું સ્ટેન્ડ મૂકી ઉપર કેકનું માખણ ચોપડીને તૈયાર કરેલું વાસણ મૂકી ઘીમી આંચે કૂકર ગરમ થાય એટલે કેકનું મિશ્રણ રેડી દો અને ઉપર થાળી અથવા કોઈ ઢાંકણ ઢાંકી દો. ઘીમી આંચે કેક થવા દો. 40-50 મિનિટમાં કેક તૈયાર થઈ જશે.

મિસળ-પાંઉ

0

મિસળને ટેસ્ટી બનાવવા…

મિસળ (ફણગાવેલાં કઠોળ) માટે કાંદા-લસણ, કોપરા તેમજ ટમેટાં સાંતળીને ગ્રેવી તૈયાર કરી લો. ત્યારબાદ એમાં થોડાં કાંદાના ભજીયા બનાવી ક્રશ કરીને મિક્સ કરો અને થોડીવાર માટે ગેસ પર ઘીમી આંચે મૂકો. મિસળનો ટેસ્ટ વધી જશે.

 

સૉફ્ટ પનીર કેવી રીતે બનાવશો?

0

પનીર બનાવવા માટે સારી ગુણવત્તા વાળું દૂધ લો.

દૂધ ગરમ કરો અને ઊભરો આવે એટલે એમાં 2 ચમચી લીંબુનો રસ અથવા વિનેગર નાંખો અથવા દહીં પણ નાખી શકો. મલાઈ એમજ રહેવા દો એના કારણે પનીર સૉફ્ટ બનશે.

દૂધમાં દહીં જેવા ગાંગડા બનવા માંડે અને પાણી છૂટ્ટું થવા માંડે એટલે એક કૉટનના કાપડમાં પનીરના ગઠ્ઠા મૂકી પાણી નિતારી લો અને એને પોટલીમાં બાંધીને એક ડિશમાં મૂકી ઉપર કોઈ વજનવાળી વસ્તુ રાખી દો.

અડધા કલાકમાં પનીર તૈયાર થઈ જશે. આ પનીરના ચોસલા પાડી તમે તુરંત રસોઈ માટે વાપરી શકો છો. જો પનીર બે-ત્રણ દિવસ માટે રાખવું હોય તો ફ્રિજમાં એકાદ બાઉલમાં પાણી લઈ એમાં મૂકી રાખો.

WAH BHAI WAH