Cooking Tips

મગની ફોતરાવાળી દાળના પૂડલા

0

સામગ્રીઃ મગની ફોતરાવાળી દાળ – 1 કપ, આદુ – 1 ઈંચ, લસણ – 5-6 કળી, 7-8 લીલાં મરચાં, ચપટી હીંગ, 1 કાંદો, કોથમીર – ½ કપ (ઝીણી સમારેલી), મીઠું, દહીં ½ કપ.

રીતઃ દાળને ધોઈને 5-6 કલાક માટે પાણીમાં પલાળી દો. પૂડલા ખાવાના થોડા સમય પહેલાં મિક્સીમાં થોડું પાણી નાખી મગની દાળને આદુ-લસણ તેમજ દહીં નાખીને પીસી લો. ખીરૂં ઢોકળાંના ખીરાં જેવું હોવું જોઈએ. ત્યારબાદ એમાં કોથમીર, કાંદો તેમજ લીલાં મરચાંને ઝીણાં સમારીને ઉમેરી દો. મીઠું સ્વાદ મુજબ ઉમેરો.

એક નોન સ્ટીક પેનમાં થોડું થોડું તેલ નાખીને પૂડલા ઉતારી લો. ગેસની આંચ મધ્યમ રાખવી જેથી પૂડલા ક્રિસ્પી બનશે.

પૂડલાને કોથમીરની ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસો.

ચટપટા છતાં હેલ્ધી…દહીં-પનીરના બ્રેડ રોલ

0

સામગ્રીઃ 1 કપ દહીં (પાણી નિતારેલું), 100 ગ્રામ પનીર, 1 શિમલા મરચું, 1 કાંદો, 1 ગાજર, 1 કપ કોથમીર ઝીણી સમારેલી, ½  ચમચી કાળાં મરી પાવડર, 2 ચમચી આદૃ-મરચાંની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો,  2 ચમચા મેંદો, 5-6 બ્રેડ, તળવા માટે તેલ, મીઠું સ્વાદાનુસાર

રીતઃ પાણી નિતારેલું દહીં લઈ એમાં પનીર ખમણીને ઉમેરો. શિમલા મરચું, કાંદો તેમજ ગાજર ઝીણું સમારીને ઉમેરી લો તેમજ ઝીણી સમારેલી કોથમીર, મરી પાવડર, આદૃ-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો તથા મીઠું સ્વાદાનુસાર ઉમેરીને મિક્સ કરી લો.

બધી બ્રેડની કિનારી કટ કરી લો. અને દરેક બ્રેડને વેલણ વડે પાતળી વણી લો.

મેંદામાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.

એક એક બ્રેડ લઈ એમાં 1-2 ચમચી જેટલું દહીંનું મિશ્રણ મૂકો અને બ્રેડની કિનારી ઉપર મેંદાનું પેસ્ટ લગાડીને લંબચોરસ રોલ વાળી દો. કિનારી દાબીને બંધ કરવી, જેથી દહીંનું  મિશ્રણ બહાર ના નીકળે. આ જ રીતે બધી બ્રેડનાં રોલ વાળી દો. અને કઢાઈમાં તેલ ગરમ કરીને તળી લો. તમે ઈચ્છો તો ગોળાકાર અથવા લંબગોળાકાર રોલ પણ વાળી શકો છો.

ટેસ્ટી કલાકંદની ઝડપી રેસિપી

0

સામગ્રીઃ કન્ડેન્સ્ડ દૂધ 1 કેન/ટીન, 250 ગ્રામ તાજું પનીર, 1 ચમચી એલચી પાવડર,  1 ટે.સ્પૂન સાકર (ઈચ્છો તો), 8-10 પિસ્તા, 8-10 કાજૂ તેમજ બદામ

રીતઃ એક થાળી જે કાંઠાવાળી તેમજ ઊંડી હોય, તેને ઘી ચોપડીને બાજુએ મૂકી રાખો. પનીરને ઝીણું ખમણી લો.

પનીરને ખમણીને કન્ડેન્સ્ડ દૂધમાં મેળવી લો. તમને સ્વાદ મુજબ જરૂર લાગે તો 1 ચમચી સાકર ઉમેરી શકો છો. હવે એક જાળા તળિયાવાળી કઢાઈમાં આ મિશ્રણ ઉમેરીને ધીમા તાપે ગેસ ઉપર ગરમ કરવા મૂકો. અને થોડી થોડી વારે ઝારો લઈ હલાવતાં રહો. મિશ્રણ ઘટ્ટ થવા માંડે (બહુ વધારે ઘટ્ટ ના કરવું, પણ થોડું ઢીલું રાખવું.) કઢાઈ નીચે ઉતારી લઈ મિશ્રણમાં એલચી પાવડર ઉમેરી મિક્સ કરીને ઘી ચોપડેલી થાળીમાં એકસરખું પાથરી દો. તેના ઉપર ડ્રાઈ ફ્રુટની કાતરી પાથરીને એક ચમચાથી હલકા હાથે દબાવી દો. હવે મિશ્રણને રેફ્રિજરેટરમાં જમાવવા થોડાં કલાક માટે મૂકી દો. પીરસતી વખતે એના ચોસલા કરો અથવા એક બાઉલમાં હલવાની જેમ પીરસો.

કાંદા-મરચાંવાળા નાચણીના રોટલા

0

સામગ્રીઃ 1 કપ નાચણીનો લોટ, એક નાનો કાંદો, 1-2 લીલાં મરચાં, 2 ચમચી તેલ, 2 ચમચા કોથમીર

રીતઃ કાંદા, મરચાં તેમજ કોથમીરને ઝીણાં સમારી લો. એમાં લોટ, મીઠું તેમજ તેલ નાખીને થોડાં પાણી વડે લોટ બાંધી લો. નોન સ્ટીક તવા પર થોડાં તેલ વડે મધ્યમ આંચે રોટલાં શેકી લો.

રાગી એટલે કે નાચણી એ પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ્સ, ઝિન્ક અને ક્રોમિયમ જેવાં મિનરલ્સ, ફોસ્ફરસ, આયર્ન તેમજ કેલ્શિયમથી ભરપૂર અને જુવાર તેમજ બાજરા જેવું જ એક પ્રકારનું ધાન્ય છે.

કંદના પકોડામાં સ્વાદ કેવી રીતે વધારશો?

0

સામગ્રીઃ કંદ, ચણાનો લોટ, કાળાં મરીનો પાવડર અથવા ચાટ મસાલો, અજમો, આદુ-મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે,

રીતઃ કંદને છોલીને આખું (સુધારતાં પહેલાં) ધોઈ લો. પાણી નિતારીને કંદની પાતળી ચોરસ અથવા ગોળ ચિપ્સ (1–1½ ઈંચ જેટલી) ભજીયા માટે સુધારી લો.

ચણાના લોટમાં મીઠું, મસાલો, અજમો તેમજ પાણી નાખીને ભજીયાનું ખીરૂં બનાવી લો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીને કંદની એક એક ચિપ્સ ખીરામાં બોળીને તેલમાં તળી લો. ભજીયા ઉતારીને પ્લેટમાં ગોઠવતી વખતે દરેક ભજીયા ઉપર થોડો કાળાં મરીનો પાવડર અથવા ચાટ મસાલો છાંટી દો. એનાથી ભજીયાનો સ્વાદ વધી જશે.

અનેક ફાયદા ધરાવતાં મખાણા, સ્વાદમાં પણ અનન્ય!!

0

સામગ્રીઃ એક લિટર દૂધ, એક કપ મખાણા, 2 ચમચી ઘી, ખાંડ જરૂર પ્રમાણે, ¼ ચમચી એલચી પાવડર, 6-7 બદામ

રીતઃ ઘી ગરમ કરી મખાણા એમાં સાંતડી લો. ઠંડા થાય એટલે ક્રશ કરી લો. બીજી બાજુ એક ઊંડા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળે એટલે મખાણા એમાં નાખી દૂધ હલાવતા રહો, ગેસ મધ્યમ આંચે રાખો. મખાણા ઓગળે એટલે ખાંડ તેમજ એલચી પાવડર ઉમેરી ફરીથી દૂધને 10-15 મિનિટ માટે ધીમી આંચે મૂકો દરમ્યાન દૂધને હલાવતા રહો. ગેસ બંધ કરી બદામની કાતરી ઉમેરી દો.

એક મુઠ્ઠી મખાણા રોજ ખાવાના ફાયદાઃ

મખાણા ફાઈબરયુક્ત અને લો ફેટ હોવાથી વજન વધવાની ફિકર નથી રહેતી. તેમાં મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોવાથી હૃદય અને રક્તવાહિનીઓને મજબૂત કરે છે. તેમજ ગ્લૂટેન ફ્રી છે. શ્વસનતંત્ર માટે પણ ફાયદાકારક છે. અનિદ્રાને કાબૂમાં રાખે છે. તેમાં રહેલું પોટેશિયમ હાઈપરટેન્શન અને બીપી કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. મખાણાથી બોડીનું ઈન્સ્યૂલિન લેવલ બેલેન્સ થઈને ડાયાબિટીસનો ખતરો ટળે છે. કેલ્શિયમ સારી માત્રામાં હોવાથી કમર, સાંધા તેમજ ઘૂંટણના દુખાવામાં રાહત થાય છે. શરીરમાં રહેલા મસલ્સ રીપેર થાય છે. બોડીના ટોક્સિન્સ બહાર નીકળે છે જે કિડની માટે પણ રાહતરૂપ છે. તેમાં રહેલાં એન્ટ્રીજન અને એન્ટીઓક્સીડેન્ટ્સ કોલેસ્ટરોલ લેવલને ઓછું કરે છે તેથી હાર્ટ માટે પણ હેલ્ધી છે. એન્ટી-એજિંગ તત્વ ચામડીમાં કરચલી પડવા નથી દેતું. પાચનક્રિયા સુધરે છે. પેટની તકલીફો ઘટે છે. પ્રોટીન સારી માત્રામાં છે જે વાળ માટે ફાયદારૂપ છે. મખાણા ખાવાથી શક્તિ વધે છે, નબળાઈ દૂર થાય છે.

(મખાણા ઘીમાં સાંતડીને મીઠું તેમજ ચાટ મસાલો ભભરાવીને નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો.)

 

ઘરમાં જ બનાવો આ મસાલો!

0

સામગ્રીઃ ચણા દાળ – ½ કપ, તુવેર દાળ – ½ કપ, અળદ દાળ – 4 ચમચી, ચોખા – 2 નાની ચમચી, આખા ધાણા – 1 કપ, મેથી 2 ચમચી, રાઈ – 2 ચમચા, જીરું – 3 ચમચા, કાળાં મરી 1 ચમચી, 5-6 સૂકાં લાલ મરચાં, હળદર પાવડર 1 ચમચી,  હીંગ 1 નાની ચમચી, સૂકાં કઢી પત્તાં – ¼ કપ, મોટી એલચી-4, લવિંગ 2-3, તજ 2-3 ટુકડા

રીતઃ હળદર બાજુએ રાખીને બધાં મસાલાને મધ્યમ આંચે શેકી લો, ઠંડા થાય એટલે મિક્સરમાં બારીક પીસી લો. અને હળદર એમાં મેળવી લો.  આ મસાલો એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો.

રીંગણા નથી ભાવતા? પણ…આ શાક ભાવશે….

0

સામગ્રીઃ 5-6 રીંગણા, 3 ચમચા તેલ રીંગણા સાંતડવા માટે, 2 ચમચા તેલ વઘાર માટે, મરચાં પાવડર 1 ચમચી, ધાણાજીરૂં 1 ચમચી, હળદર ¼ ચમચી, ગરમ મસાલો ¼ ચમચી, મીઠું સ્વાદાનુસાર, દહીં 1 કપ, ચણાનો લોટ 2 ચમચા, આદુ-લસણની પેસ્ટ 1 ચમચી, 1 કાંદો ઝીણો સમારેલો, કોથમીર ½  કપ ઝીણી સમારેલી

રીતઃ રીંગણા ધોઈને દરેકને 4 ઉભી ચીરીમાં સુધારી દો. એક કડાઈમાં 3 ચમચા તેલ લઈ રીંગણ સાંતડી લો. ગુલાબી રંગના થાય એટલે બીજી પ્લેટમાં કાઢી લો. ફરીથી કડાઈમાં 2 ચમચા તેલ લઈ જીરા-હીંગનો વઘાર કરી કાંદો સાંતડી લો. તેમજ આદુ-લસણની પેસ્ટ પણ સાંતડી લો. બધો સૂકો મસાલો નાખીને 2 મિનિટ સાંતડીને 1 કપ પાણી તેમજ દહીં વલોવીને ઉમેરી દો. મિશ્રણ પાંચ-સાત મિનિટ થવા દો. હવે સાંતળેલા રીંગણા નાખીને ફરીથી કડાઈ ઢાંકીને 5-10 મિનિટ સુધી શાક રંધાય એટલે શાક ગેસ પરથી નીચે ઉતારીને કોથમીર ભભરાવી દો.

ઘરમાં હાથવગી સામગ્રીથી બનતો નાસ્તો

0

સામગ્રીઃ 1 કપ પૌંઆ, 2-3 ચમચા ચોખાનો લોટ, 2-3 ચમચા ચણાનો લોટ, લીલા કાંદા ½ કપ, આદુ ખમણેલું ¼ ચમચી, 3-4 મરચાં ઝીણાં સમારેલા, 1 ચમચી વરિયાળી, મીઠું સ્વાદાનુસાર, ચપટી હિંગ, કોથમીર ઝીણી સમારેલી 2 ચમચી, ખમણેલું લીલું નાળિયેર

રીતઃ પૌંઆને બે વખત પાણીથી ધોઈને 5-10 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. પછી એમાંથી પાણી નિતારી  લો. અને 10-15 મિનિટ સુધી પૌંઆ નરમ થાય ત્યાં સુધી રહેવા દો. જો પૌંઆ સૂકા થઈ જાય તો થોડું પાણી લઈને પૌંઆ પર છંટકાવ કરો.  હથેળીમાં થોડાં પૌંઆ લઈને વડાની જેમ વાળો, જો આકાર બરાબર વળે તો બધા પૌંઆમાં ઉપર આપેલી બધી સામગ્રી મેળવી દો અને એના ગોળા વાળીને તેલમાં તળી લો. (પુરણ નરમ લાગે તો એમાં લોટ ઉમેરી શકો છો.)

લીલવા તુવેરની વાનગી

0

સામગ્રીઃ 2 કપ ચોખાનો લોટ (શેકેલો), ½ કપ જુવારનો લોટ (શેકેલો), 1 કપ લીલાં તુવેર દાણાં, 1 ½  ટી.સ્પૂન સફેદ તલ, ¼ ટી.સ્પૂન અજમો, ¼ ટી.સ્પૂન હિંગ, ¼ ટી.સ્પૂન હળદર, 1 ટી.સ્પૂન ગરમ મસાલો, 1 ટે.સ્પૂન ધાણાંજીરૂ પાવડર, 1 ટે.સ્પૂન લાલ મરચાં પાવડર, 2 ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, 2 ટે.સ્પૂન લીંબુનો રસ, 1 ટે.સ્પૂન ગોળ, 4-5 કળી લસણ ઝીણું સમારેલું, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે, કોથમીર ½ કપ ઝીણી સમારેલી.

રીતઃ તુવેર દાણાંને પાણીમાં થોડું મીઠું નાખીને બાફી લો.

એક ઊંડા વાસણમાં 2 ટે.સ્પૂન તેલ લઈ અજમા, તલ તેમજ હિંગનો વઘાર કરો. હવે એમાં લસણ તેમજ આદુ-મરચાંની પેસ્ટ સાંતડીને ગરમ મસાલો, મરચું તેમજ ધાણાંજીરૂ પાવડર નાખો. અડધી મિનિટ સાંતડીને 2-3 કપ પાણી ઉમેરો. પાણી થોડું ઉકળે એટલે એમાં ગોળ નાખો. ગોળ ઓગળે એટલે લીંબુનો રસ, બાફેલાં તુવેર દાણાં તેમજ બંને લોટ ધીમે ધીમે ઉમેરીને મિક્સ કરી દો, સાથે સમારેલી કોથમીર પણ ઉમેરી દો. મધ્યમ આંચે પાણી સૂકાવા દો.

પાણી સૂકાય એટલે એમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ ચપટો ગોળો વાળી જુઓ, જો ગોળો વળે તો મિશ્રણ ગેસ પરથી ઉતારી લો. મિશ્રણ થોડું થંડું થાય એટલે 1 થી 1 ½  ઈંચના ચપટાં ગોળા વાળી લો. અને થોડાં થોડાં કરીને બધાં ગોળા તેલમાં તળી લો. લીલી ચટણી તેમજ ટોમેટો સોસ સાથે તુવેરનાં વડા ઢેકરા પીરસો.