Cooking Tips

ફરાળી હાંડવો

0

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ફરાળમાં કાં તો સામો અથવા સાબુદાણાની ખિચડી આપણે બનાવીએ. અથવા પેટીસ કે સાબુદાણા વડાં બનાવીએ. એકંદરે, બધી ફરાળી વાનગી ભાવે એવી હોય. પણ કોઈવાર એકસરખો સ્વાદ, તો કોઈવાર તેલમાં તળેલી વાનગીથી કંટાળો આવી જાય. તો આજે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ પૌષ્ટિક ફરાળી હાંડવો!

સામગ્રીઃ 1 કપ સામો, ¼ કપ સાબુદાણા, ¼ કપ રાજગરાનો લોટ, 1 કપ દહીં, 1 ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, સિંધવ મીઠું સ્વાદ મુજબ, 1 કપ છીણેલી દૂધી (optional), 1 બાફીને છીણેલું બટેટું (optional), 1 કપ ધોઈને ઝીણી સમારેલી કોથમીર

વઘાર માટેઃ તલ 2 ટે.સ્પૂન, 1 ટે.સ્પૂન જીરૂં, 6-7 કઢીપતાં, તેલ

ચટણી માટેઃ ½ કપ મગફળી અથવા લીલું નાળિયેર, દહીં અથવા લીંબુ, ½ કપ ધોઈને સમારેલી કોથમીર, 2-3 લીલાં મરચાં, સિંધવ મીઠું સ્વાદ મુજબ

રીતઃ સામો તેમજ સાબુદાણાને મિક્સરમાં કરકરા દળી લો. એમાં રાજગરાનો લોટ, દહીં તેમજ આદુ-મરચાંની પેસ્ટ, કોથમીર, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દો. જો તમે ખાતાં હોવ તો છીણેલી દૂધી તેમજ બટેટું ઉમેરી દો. મિશ્રણ એકરસ કરી દો. એ ઢોકળાના ખીરા જેવું હોવું જોઈએ.

સહુ પ્રથમ વઘારીયામાં 2 ટે.સ્પૂન તેલ લઈ ગરમ કરો. અને એમાં જીરૂં તેમજ તલનો વઘાર કરો. સાથે કઢીપતાં ઉમેરી દો. આમાંથી અડધા વઘારને લોખંડની એક જાડી કઢાઈમાં રેડી દો. હવે એમાં ખીરૂં રેડી દો અને ઉપર બાકી રાખેલો વઘાર રેડીને ચારેબાજુએ ફેલાવી દો.

ગેસ ચાલુ કરીને મધ્યમ ધીમી આંચે હાંડવાની કઢાઈ ઢાંકીને ગરમ કરવા મૂકો. 5-10 મિનિટ બાદ ચેક કરો. નીચેથી હલકું ગુલાબી થયું હોય તો એને ધીમેથી ઉથલાવી દો. અને ફરીથી 5-10 મિનિટ થવા દો.

હાંડવામાં છરી નાખીને, બહાર કાઢીને જોઈ લો. છરી લીસી બહાર આવે તો હાંડવો તૈયાર છે. નહીં તો ફરીથી 5 મિનિટ માટે કઢાઈ ગરમ કરવા મૂકો. હાંડવાને એક પ્લેટમાં કાઢીને ટુકડા કરી લો. અને કોથમીરની ચટણી સાથે પિરસો.

ચટણી માટે ઉપર આપેલી સામગ્રી મિક્સરમાં પીસીને ચટણી તૈયાર કરી લો.

હાંડવાના મિશ્રણને તમે નોન-સ્ટીક ફ્રાઈપેનમાં પેનકેકની જેમ પણ બનાવી શકો છો!

 

ઈન્સ્ટન્ટ પેંડા

0

આ વર્ષે રક્ષાબંધનમાં ભાઈ માટે ઘરે મિઠાઈ બનાવવા માંગતા હોવ તો તૈયાર છે માવા વગર પણ બની શકે એવા પેંડાની રેસિપી!

સામગ્રીઃ 200 ગ્રામ મિલ્ક પાવડર, 2 ટે.સ્પૂન મલાઈ, 1 ટે.સ્પૂન ઘી, ½ કપ દૂધ, 2-3 ટે.સ્પૂન સાકર, સજાવટ માટે બદામ અથવા પિસ્તા, 1 ટી.સ્પૂન એલચી પાવડર

રીતઃ ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા મૂકો. એમાં ઘી રેડી દો. ઘી ગરમ થાય એટલે મલાઈ એમાં સાંતડો. 2-3 મિનિટ બાદ એમાં દૂધ રેડી દો. અને એલચી પાવડર ઉમેરીને ઝારા વડે હલાવતાં રહો.

દૂધમાં એક ઉભરો આવે એટલે સાકર ઉમેરી દો. અને ત્યારબાદ ધીરે ધીરે ગઠ્ઠા ના થાય એ રીતે મિલ્ક પાવડર ઉમેરી દો. હવે આ મિશ્રણને એકસરખું હલાવતાં રહો. મિશ્રણ કઢાઈના કિનારા છોડીને વચ્ચે જમા થવા માંડે અને માવા જેવું રેડી થાય એટલે ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો. હાથમાં લઈ વાળી શકાય એવું સહેજ ઠંડું થાય એટલે થોડું મિશ્રણ હાથમાં લઈ ચપટો ગોળો વાળીને ઉપરની સાઈડમાં વચ્ચે એક એક બદામ અથવા પિસ્તા લગાડીને દબાવી દો.

લો તૈયાર છે ઈન્સ્ટન્ટ પેંડા!

મકાઈના વડાં

0

આ વડાં ગરમાગરમ તો સારાં લાગે જ છે. અને પ્રવાસમાં સાથે લેવા હોય તો ઠંડાં પણ સારાં લાગે છે. આ વડાં 2 થી 3 દિવસ સુધી સારાં રહે છે.

સામગ્રીઃ 2 વાટકી મકાઈનો લોટ, 2 ટે.સ્પૂન ચણાનો લોટ, 2 કપ ઝીણી સમારેલી મેથીની ભાજી, 1 ટે.સ્પૂન આદુ-મરચાં-લસણની પેસ્ટ, 1 ટે.સ્પૂન તલ, 2 ટે.સ્પૂન દહીં, 1 ટે.સ્પૂન છીણેલો ગોળ, ½ ટી.સ્પૂન હળદર, 1 ટી.સ્પૂન મરચાં પાવડર, મોણ આપવા માટે 2-3 ટે.સ્પૂન તેલ તેમજ તળવા માટે તેલ

 

રીતઃ ઉપર આપેલી બધી સામગ્રી મિક્સ કરી દો. અને લોટ બાંધી દો. મેથીની ભાજી તેમજ દહીંને લીધે લોટ બાંધતી વખતે પાણી થોડું જ નાખવું. અને લોટ બહુ કડક કે નરમ નહીં પણ મધ્યમ બાંધી દો. લોટને અડધો કલાક માટે રહેવા દો.

અડધા કલાક બાદ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. લોટમાંથી લૂવો લઈ એને હાથમાં થેપીને જાડાં વડાં બનાવી લો. અને ગરમ તેલમાં તળી લો. ગરમા ગરમ વડાં ચા સાથે પીરસો. અથવા દહીં કે લીલી ચટણી સાથે પીરસો.

પનીર-કોર્ન રોલ

0

બાળકોને ભૂખ લાગે એટલે સૌથી પહેલાં તો કોર્ન એટલે કે મકાઈ યાદ આવે પછી એ પોપ કોર્ન હોય કે મકાઈનો ભૂટો…પનીર તો ભાવતું જ હોય! હવે, આ કોર્ન અને પનીરનો ટેસ્ટી..ક્રિસ્પી નાસ્તો જો મળી જાય, તો… બાળક એકદમ ખુશ. અને મમ્મી પણ ખુશ.. કારણ કે આ નાસ્તો હેલ્ધી પણ છે.

સામગ્રીઃ 1 કપ છીણેલું પનીર, ½ કપ મકાઈનાં બાફેલાં દાણા, 7-8 બ્રેડ સ્લાઈસ, 2 ઝીણાં સમારેલાં કાંદા, 2-3 ઝીણાં સમારેલાં લીલાં મરચાં, 1 ટી.સ્પૂન આદુ-લસણની પેસ્ટ, ½ ટી.સ્પૂન મરી પાવડર, 2 ટે.સ્પૂન લીંબુનો રસ, 3 ટે.સ્પૂન કોર્ન ફ્લોર, 1 ટે.સ્પૂન ટોમેટો સોસ, 1 ટે.સ્પૂન ખમણેલું ચીઝ, મીઠું સ્વાદ પ્રમાણે, રોલ તળવા માટે તેલ

રીતઃ એક પેનમાં તેલ ગરમ કરી મધ્યમ આંચે કાંદા, આદુ-લસણની પેસ્ટ તેમજ લીલાં મરચાં નાખીને 2-3 મિનિટ સુધી સાંતડી લો. ત્યારબાદ એમાં સોસ, લીંબુ, મીઠું, ચીઝ, પનીર તેમજ મકાઈ ઉમેરીને મિક્સ કરીને ગેસ પરથી ઉતારીને ઠંડું કરવા મૂકી દો.

એક નાના બાઉલમાં કોર્ન ફ્લોર તેમજ મીઠું નાખીને થોડું પાણી ઉમેરીને ખીરૂં બનાવી લો.

બ્રેડ સ્લાઈસની કિનારી કટ કરીને વેલણથી વણી લો. એક એક બ્રેડ લેતાં જાવ અને દરેકમાં મિશ્રણ ભરીને રોલ વાળી લો. આ રોલને કોર્ન ફ્લોરના ખીરાંમાં પલાળીને તેલમાં ગોલ્ડન ક્રિસ્પી તળી લો. આ રોલને ગ્રીન ચટણી અથવા સોસ સાથે પીરસો.

પીઝા પુરી

0

આમ જોવા જઈએ તો છે સેવ પુરી જેવી જ વાનગી… પણ,  ટોપિંગ અનોખું!!! ખાવામાં મજેદાર…પીઝા પુરી… નામ એવું કે બચ્ચાંઓને તો ખરૂં, પણ મોટેરાંના પણ મોઢાંમાં પાણી આવી જાય. ચાલો જોઈએ રેસિપી!!

સામગ્રીઃ સેવ પુરીની પુરી, 1 ગ્રીન કેપ્સિકમ, 1 યેલો કેપ્સિકમ, 1 રેડ કેપ્સિકમ (ત્રણ જુદાં કેપ્સિકમને બદલે ફક્ત ગ્રીન કેપ્સિકમ પણ લઈ શકો છો), 2 કાંદા, 2 ટમેટાં, 100 ગ્રામ પનીર, 1 ટી.સ્પૂન મિક્સ હર્બ્ઝ, ½ ટી.સ્પૂન મરચું, 1 ટી.સ્પૂન ઓલિવ ઓઈલ અથવા અન્ય કોઈ ખાવાનું તેલ, 100 ગ્રામ ચીઝ, મીઠું સ્વાદ પ્રમાણે, ½ કપ કોથમીર ઝીણી સુધારેલી, ઓરેગોનો પાવડર અને રેડ ચિલી ફ્લેક્સ

સોસ માટેઃ 1 કપ ટોમેટો કેચ અપ, ½ ટી.સ્પૂન મરચાં પાવડર, 1 ટી.સ્પૂન મિક્સ હર્બ્ઝ

રીતઃ કેપ્સિકમ, કાંદા, ટમેટાંને ઝીણાં ચોરસ ટુકડામાં સમારી લો. એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી કાંદા સાંતડો. ત્યારબાદ ટમેટાં ઉમેરીને 2 મિનિટ સાંતડો. હવે કેપ્સિકમ ઉમેરીને 2 મિનિટ સાંતડો. એમાં સ્વાદ મુજબ મીઠું, 1 ટી.સ્પૂન મિક્સ હર્બ્ઝ તેમજ મરચાં પાવડર ઉમેરીને 1 મિનિટ સાંતડીને ગેસ ઉપરથી ઉતારી લો.

ટોમેટો કેચ અપમાં મરચાં પાવડર તેમજ મિક્સ હર્બ્ઝ મિક્સ કરી લો.

ચીઝને અલગ પ્લેટમાં ખમણીને મૂકી દો.

એક મોટી પ્લેટમાં સેવ પુરીની પુરી ગોઠવી દો. દરેક પુરી ઉપર એક ચમચી વડે સોસ લગાડી દો. અને તેની ઉપર કાંદા કેપ્સિકમ વાળું મિશ્રણ મૂકી દો. હવે એની ઉપર ખમણેલું ચીઝ તેમજ કોથમીર ભભરાવી દો. અને તૈયાર ટોપિંગ્સ ઉપર ઓરેગોનો પાવડર તેમજ રેડ ચિલી ફ્લેક્સ છાંટી દો. આ તૈયાર કરેલી પુરીને હજુ yummy ટેસ્ટ આપવા માટે 30-40 સેકન્ડ માટે ઓવનમાં અથવા નોન સ્ટીક પેનમાં 1 મિનિટ માટે ગરમ કરીને ખાવામાં લઈ શકો છો. તૈયાર છે yummy પીઝા પુરી!!

સેવ પુરીની પુરીને બદલે પાણી પુરીની પુરી લઈ શકો છો.

ઢોકળીનું શાક

0

દરેક ગૃહિણીની રોજની એક મથામણ છે, આજે કયું શાક બનાવું?’ તો ચાલો, ઘરમાં ઉપલબ્ધ સામગ્રીથી બનાવી લો ઢોકળીનું શાક!!

સામગ્રીઃ

ઢોકળી માટેઃ

 • 100 ગ્રામ ચણાનો લોટ
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • ¼ ટી.સ્પૂન હળદર
 • ચપટી હીંગ
 • ½ ટી.સ્પૂન મરચાં પાવડર
 • 1 ટી.સ્પૂન અજમો
 • ચપટી મરી પાવડર
 • ½ કપ દહીં
 • પાણી

વઘાર માટેઃ

 • 1 ટે.સ્પૂન ચણાનો લોટ
 • 1 ટે.સ્પૂન તેલ
 • 1 ટી.સ્પૂન જીરૂં
 • ચપટી હીંગ
 • ½ ટી.સ્પૂન ગરમ મસાલો
 • 5-6 કળીપત્તાંના પાન
 • 2 કપ છાશ
 • 1 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

રીતઃ

સહુથી પહેલાં ઢોકળી બનાવી લેવી. એ માટે ચણાના લોટમાં મસાલો અને દહીં ઉમેરી. થોડું પાણી ઉમેરીને ઢોકળાના ખીરા જેવું ખીરું બનાવી લો. ઢોકળા બાફવાના વાસણમાં પાણી ઉકળવા મૂકો અને  તેલ ચોપડેલી થાળી એમાં મૂકી દો. તેમજ એમાં ખીરૂં પણ રેડી દો. 10-15 મિનિટ સુધી બફાવા દો. ત્યારબાદ થાળી નીચે ઉતારી લો. અને ઢોકળા જેવાં પીસ કરીને એકબાજુએ મૂકી રાખો.

એક કઢાઈમાં વઘાર માટેનું તેલ ગરમ કરવા મૂકી, જીરાં નો વઘાર કરો. જીરૂ તતડે એટલે કળી-પત્તાં નાખો. હીંગ નાખો. અને છાશમાં ચણાનો લોટ મિક્સ કરીને હળવેથી રેડી દો. એમાં મીઠું તેમજ મસાલો ઉમેરીને 3-4 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર ગરમ કરો. એક ઉભરો આવે એટલે એમાં ઢોકળી ઉમેરી દો અને 4-5 મિનિટ થવા દો. ત્યારબાદ કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો. આ શાક ગરમાગરમ પીરસો.

મોહનથાળ

0

સ્વાદિષ્ટ મિઠાઈ મોહનથાળ તો ફક્ત કંદોઈ જ બનાવી શકે… આ માન્ચતા તોડવી હોય તો કરો તમારાથી શરૂઆત… બનાવો ઘરે ટેસ્ટી મોહનથાળ!!

સામગ્રીઃ

 • 4 કપ ચણાનો લોટ (1 કપ-200 ગ્રામ)
 • (2 ટે.સ્પૂન ઘી, 2 ટે.સ્પૂન દૂધ લોટને ધાબો આપવા માટે)
 • 1 ¼ કપ ઘરની મલાઈ અથવા માવો
 • 1 કપ ઘી
 • 2¾ કપ સાકર
 • 15-20 કેસરના તાંતણા

રીતઃ 2 ટે.સ્પૂન 2 ટે.સ્પૂન દૂધમાં ઘી નાખીને ઘી ઓગળે ત્યાં સુધી ગરમ કરવું. નીચે ઉતારી થોડું ઠંડું થાય એટલે ચણાના લોટમાં મિક્સ કરી લોટને થપથપાવીને અડધા કલાક માટે એક બાજુએ મૂકી દો. અડધા કલાક બાદ ચાળણીથી ધાબો દીધેલો લોટ ચાળી લેવો.

માવાને બદલે મલાઈ લેવી હોય તો એને એક કઢાઈમાં ગરમ કરવી. જ્યાં સુધી એમાંથી ઘી અને માવો છૂટ્ટો થાય ત્યાં સુધી ગરમ કરવી. એક કઢાઈમાં ઘી લેવું, એમાંથી એક ચમચી ઘી બાજુએ રાખવું. કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ચાળેલો લોટ ઘીમાં ઉમેરો અને તવેથા વડે હલાવતાં રહો. લોટ અને ઘી મિક્સ થાય એટલે બાકી રાખેલું ઘી પણ ઉમેરી દો. લોટ હલાવતાં હલાવતાં જેવો હલકો થવા માંડે અને સુગંધ આવવા લાગે એટલે એમાં માવો ઉમેરી દો. મિશ્રણને સરખું મિક્સ કરીને નીચે ઉતારી લો. અને બીજા વાસણમાં કાઢી લો.

બીજી બાજુએ ચાસણી બનાવવા માટે કઢાઈમાં સાકર લો. સાકર ડૂબે એટલું પાણી નાખો. ધીમી આંચે ગરમ કરવા મૂકો. હવે એમાં કેસર ઉમેરી દો. જેવી સાકર ઓગળી જાય એટલે ગેસની આંચ ફાસ્ટ કરી દો. મિશ્રણમાં ચિકાશ આવવા માંડે એટલે ગેસની આંચ ફરીથી એકદમ ધીમી કરી દો. હવે ચાસણીનું એક ટીપું એક ડીશમાં રેડીને બે આંગળી વચ્ચે ચેક કરી લો. જો એક તાર નીકળે તો એમાં લોટનું મિશ્રણ રેડી દો. અને તવેથા વડે મિશ્રણને હલાવો. આ દરમ્યાન એલચી પાવડર પણ ઉમેરી દો. ફક્ત અડધી મિનિટ સુધી હલાવો અને તરત ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો. અને અગાઉથી ઘી ચોપડેલી થાળીમાં મિશ્રણ રેડી દો. (મિશ્રણ ઘણું ગરમ હોવાથી સાવધાની પૂર્વક થાળીમાં રેડવું.) ઉપરથી બદામ-પિસ્તાની કાતરી ભભરાવી દો. અને ઠંડું થવા મૂકી દો. ઠંડું થાય એટલે એના પીસ કરી લો.

તુરિયા પાતરાંનું શાક

0

પાતરાં તો સહુને ભાવે છે. અને આ પાતરાં જો તુરિયાના શાકમાં ભળે તો…? વાહ, શું ટેસ્ટી તુરિયાનું શાક બનશે!!

સામગ્રીઃ

 • 2 કપ સુધારેલાં કાચાં તુરિયાં
 • ½  ટી.સ્પૂન જીરૂં
 • 2 ટે.સ્પૂન તેલ
 • ચપટી હીંગ
 • મીઠું સ્વાદ મુજબ
 • ¼  ટી.સ્પૂન હળદર
 • 1 ટે.સ્પૂન મરચાં પાવડર
 • 1 ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
 • 2 ટે.સ્પૂન લીલા કોપરા તેમજ કોથમીરની પેસ્ટ
 • ½ ટી.સ્પૂન ખાવાનો સોડા
 • 1 ટે.સ્પૂન ખમણેલું કોપરૂં
 • 1 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
 • તૈયાર બાફેલાં પાતરાંનાં 6-7 ટુકડા
  (પાતરાં બનાવવા માટેની રીત માટે લિન્ક જુઓઃ પાતરાં )

રીતઃ ફ્રાઈપેનમાં તેલ ગરમ કરવા મૂકો. અને જીરાનો વઘાર કરી દો. ચપટી હીંગ તેમજ સોડા નાખીને તુરિયાના ટુકડા નાખી દો. 2-3 મિનિટ સાંતડીને એમાં આદુ-મરચાંની પેસ્ટ, હળદર, મરચું તેમજ મીઠું ઉમેરી દો.

થોડીવાર સાંતડીને 1 કપ પાણી ઉમેરીને તુરીયાને બફાવા દો. 5 મિનિટ પછી તુરિયાં નરમ થાય એટલે એમાં કોપરાં તેમજ કોથમીરની પેસ્ટ ઉમેરી દો. આ મિશ્રણને હલાવીને એમાં પાતરાંના ટુકડાને બે ભાગમાં કટ કરીને શાકમાં ઉમેરી દો. 2-3 મિનિટ ઢાંકીને થવા દો. અને ત્યારબાદ નીચે ઉતારી લો. ઉપર કોપરૂં તેમજ સુધારેલી કોથમીર ભભરાવીને પીરસો.

પાતરાં

0

પાતરાં બનાવવા એટલે બહુ મહેનત માગી લેનારું કામ છે. પણ જો જો, ઘરમાં બનાવેલાં પાતરાંનો સ્વાદ તો ઘરનાં સભ્યોને દાઢે વળગશે!

સામગ્રીઃ

 • 10-12 અળવીનાં પાન
 • 2 કપ ચણાનો લોટ
 • ½ કપ ચોખાનો લોટ
 • 1 ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
 • ¼  ટી.સ્પૂન હળદર
 • 1 ટે.સ્પૂન લાલ મરચાં પાવડર
 • 2 ટે.સ્પૂન ધાણાંજીરૂં પાવડર
 • ખમણેલો ગોળ 2 ટે.સ્પૂન
 • આમલીનો પલ્પ (ગર) 2 ટે.સ્પૂન (આમલીના બદલે લીંબુ વાપરી શકો છો)
 • ચપટી હીંગ
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • ½ ટી.સ્પૂન અજમો
 • 1 ટી.સ્પૂન જીરૂં
 • 1 ટી.સ્પૂન આખી મેથીનાં દાણાં
  વઘાર માટેઃ
 • રાઈ 1 ટી.સ્પૂન
 • તલ 2 ટી.સ્પૂન
 • ખમણેલું નાળિયેર ટે.સ્પૂ
 • ઝીણી સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
 • 2 ટે.સ્પૂન તેલ

રીતઃ સહુ પ્રથમ અળવીનાં પાન ધોઈને કોરાં કરી લો. અને પાનની પાછળનાં ભાગમાં આવેલી નસો ચપ્પૂ વડે કાઢી લો. પાનને એક બાજુએ મૂકી રાખો.

1 ટી.સ્પૂન જીરૂં અને 1 ટી.સ્પૂન આખી મેથીનાં દાણાંને તવામાં હલકાં ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લો. અને એને નીચે ઉતારીને બારીક પાવડર બનાવી લો.

હવે એક મોટા બાઉલમાં ચણાંનો લોટ તેમજ ચોખાનો લોટ લો. એમાં બાકીની સામગ્રી ઉમેરી લો. થોડું પાણી ઉમેરીને એકદમ જાડું ખીરૂં (પાન ઉપર ચોપડતી વખતે નીચે ના પડે એવું) બનાવી લો.

પાતરાંના પાનમાંથી એક એક પાન લેતાં જાવ. પહેલું પાન સૌથી મોટું લઈ, એનો અણીવાળો ભાગ તમારી તરફ રાખો. તેમજ પાનનો લીસો ભાગ નીચે તરફ રાખવો. આ નસ કાઢેલાં ભાગ ઉપર ખીરૂં ચોપડો. બીજું પાન થોડું નાનું લો. એનો પણ લીસો ભાગ નીચે તરફ રાખો. અને પહેલાં પાનની વિરુદ્ધ દિશામાં એનો અણીવાળો ભાગ ગોઠવો. એના ઉપર પણ ખીરૂં ચોપડી લો.

આ જ રીતે 6 થી 7 પાન ગોઠવાઈ જાય એટલે ગોઠવેલાં પાનની ડાબી બાજુએથી એક ઈંચ જેટલો ભાગ ફોલ્ડ કરી દો. એની ઉપર ખીરૂં ચોપડી લો. ત્યારબાદ જમણી બાજુ પણ ફોલ્ડ કરી એની ઉપર ખીરૂં ચોપડી લો. હવે ઉપરના ભાગેથી પાન ફોલ્ડ કરીને ઘટ્ટ રોલ વાળી લો. બાકીના રોલ પણ આ જ રીતે તૈયાર કરો.

સ્ટીમરમાં (ઢોકળાં બાફવાનું વાસણ), તેલ ચોપડેલી થાળીમાં બધાં રોલ ગોઠવી લો. વાસણ ઢાંકીને 20-25 મિનિટ ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ત્યારબાદ રોલને સ્ટીમરમાંથી કાઢી એમાંથી અડધો ઈંચનાં ટુકડાં કરી લો.

એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ મૂકીને રાઈનો વઘાર કરો. રાઈ તતડે એટલે તલ ધીરેથી નાંખી દો. (તલ નાખતી વખતે ગેસની આંચ ધીમી રાખવી અને કઢાઈ અડધી ઢાંકવી. કેમ કે ગરમ તેલમાં તલ નાંખતાં એ ચારે બાજુ ઊડે છે. જેથી દાઝવાનો ભય રહેલો છે.) એમાં પાતરાંનાં ટુકડાં નાખીને હલાવી લો. 2-3 મિનિટ બાદ કઢાઈ નીચે ઉતારી, એની ઉપર કોથમીર અને કોપરાંની છીણ ભભરાવી દો.

પાતરાં તીખી-મીઠી ચટણી સાથે પીરસો.

બ્રેડ ઉપમા

0

ઓહ, આ વરસાદ… કોઈ વસ્તુ લેવા દુકાને જવું હોય તો કંટાળો આવે છે નહિં?  પણ બ્રેડ-બટર તો મોટાભાગે ઘરમાં હોય જ છે. તો ચાલો, બનાવીએ બ્રેડનો ઉપમા!!!

 

 

સામગ્રીઃ 4-5 બ્રેડ સ્લાઈસ 1 ઈંચ ચોરસ ટુકડામાં કટ કરેલી, 1 નાનો કાંદો, 2 ટમેટાં, 2  ટે.સ્પૂન તેલ, ½ ટી.સ્પૂન રાઈ, ½ ટી.સ્પૂન જીરૂ, ચપટી હીંગ, 2 લીલાં મરચાં, 1 ઈંચ આદુનો ટુકડો, મીઠું સ્વાદાનુસાર, ¼ ટી.સ્પૂન હળદર પાવડર, ¼ ટી.સ્પૂન લાલ મરચાં પાવડર, ¼ ટી.સ્પૂન ગરમ મસાલો, અડધો કપ ઝીણી સમારેલી કોથમીર, 4-5 કળીપત્તાંના પાન

 

રીતઃ કાંદો, ટમેટાં, આદુ તેમજ મરચાં અલગ-અલગ ઝીણાં સમારી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરો. રાઈ ફુટે એટલે જીરૂં ઉમેરી દો. જીરૂં લાલ થાય એટલે હીંગ તેમજ કળીપત્તાંના પાન નાખીને સમારેલાં આદુ-મરચાં વઘારમાં નાખો. 2-3 મિનિટ સાંતળી લીધાં બાદ કાંદો નાખીને સાંતડો. હલકો ગુલાબી સાંતળીને એમાં ટમેટાં ઉમેરી દો.

હવે ટમેટાં નરમ થઈ ઓગળે એટલે બધાં સૂકા મસાલા ઉમેરી દો. અને થોડીવાર મિશ્રણને ઢાંકીને 2-3 મિનિટ માટે ગેસની આંચ ધીમી રાખીને મૂકો. આ મિશ્રણ સાવ સૂકું ના કરવું. હવે એમાં બ્રેડના ટુકડા ઉમેરી દો અને ધીમીથી મધ્યમ આંચે ફેરવતાં રહો. 5 મિનિટ બાદ કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો. અને કઢાઈ નીચે ઉતારી લો.

આ ઉપમાને વધુ હેલ્ધી બનાવવા તમે બાફેલી કોર્ન અથવા ફણગાવેલા કઠોળ બાફીને ઉમેરી શકો છો.

WAH BHAI WAH