Cooking Tips

રામ લડ્ડુ ચાટ

0

દિલ્હીની પ્રખ્યાત ચાટ ‘રામ લડ્ડુ’ ખાવા માટે દિલ્હી જો દૂર હોય તો ઘરે જ બનાવી લો ‘રામ લડ્ડુ’!

સામગ્રીઃ

 • મોગર (મગની ફોતરા વગરની દાળ) – 2 કપ
 • ચણા દાળ ½ કપ
 • મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી હીંગ
 • 1 ઈંચ આદુનો ટુકડો
 • 2-3 લીલાં મરચાં
 • 1 ટી.સ્પૂન મરચાં પાવડર
 • 3 ટે.સ્પૂન ખમણેલો મૂળો (optional) (મૂળાને બદલે કાકડી લઈ શકો છો.)
 • ½ કપ ઝીણી સમારેલી કોથમીર
 • તળવા માટે તેલ
 • કોથમીરની તીખી ચટણી
 • ખજુરની મીઠી ચટણી (optional)

રીતઃ મોગર તેમજ ચણા દાળને 2-3 પાણીએથી ધોઈને 3-4 કલાક માટે પલાળી દો. ત્યારબાદ દાળમાંથી પાણી નિતારીને મિક્સીમાં દાળ તેમજ આદુ-મરચાં નાખીને પીસી લો. ખીરૂં બહુ જાડું પણ નહિં અને પાતળું પણ ના હોવું જોઈએ. એમાં મીઠું સ્વાદ પ્રમાણે તેમજ હીંગ તેમજ મરચાં પાવડર ઉમેરી દો.

એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ખીરામાંથી ડબકાં મૂકીને વડા તળી લો. ચમચી વડે પણ ડબકાં મૂકી શકો છો. આ વડા ગોલ્ડન બ્રાઉન તળી લો.

એક ડીશમાં વડા ગોઠવી લો. એની ઉપર ખમણેલો મૂળો નાખો. તેમજ તીખી તેમજ મીઠી ચટણી નાખીને દિલ્હી રામ લડ્ડુ ચાટ પિરસો.

ચણાનો લોટ અને બટેટાની વડી

0

આ નાસ્તાનો ટેસ્ટ કંઈક અનોખો છે. આ વડી (cubes)ને તમે શેલો-ફ્રાઈ પણ કરી શકો છો. ચાહો તો ડીપ-ફ્રાઈ પણ કરી શકો છો. આ વડી ક્રિસ્પી પણ બને છે.

ક્રિસ્પી પોટેટો વડી

સામગ્રીઃ

 • 100 ગ્રામ ચણાનો લોટ
 • ¼ ટી.સ્પૂન લાલ મરચાં પાવડર
 • ¼ ટી.સ્પૂન હળદર
 • મીઠું સ્વાદ મુજબ
 • 1 ટી.સ્પૂન જીરૂં
 • ½ ટી.સ્પૂન અજમો
 • ચપટી હીંગ
 • 4 કપ પાણી
 • વઘાર માટે તેમજ તળવા માટે તેલ
 • બે બટેટા બાફેલા
 • ½ કપ કોથમીર ઝીણી સમારેલી

રીતઃ એક બાઉલમાં ચણાનો લોટ તેમજ જીરૂં, અજમો તેમજ બાકીનો મસાલો ઉમેરીને 4 કપ પાણીમાંથી થોડું થોડું પાણી ઉમેરો. અને ગાંગડા ના થાય એ રીતે પાતળું ખીરૂં બનાવો.

હવે એક નોન-સ્ટીક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરો. એમાં ચપટી હીંગનો વઘાર કરીને આ ખીરૂં રેડી દો અને ગેસની આંચ મધ્યમ કરી દો. પણ એક ચમચા વડે ખીરાને સતત હલાવતાં રહો. જેવું ખીરૂં ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો.

તેલ ચોપડેલી થાળીમાં પુરણને થાપી દો

આ પુરણને હાથેથી બાંધી શકાય એવું ઠંડું થવા દો. ઠંડું થાય એટલે એમાં 2 બાફેલાં બટેટાને છીણીને ઉમેરી દો અને કોથમીર પણ મિક્સ કરી દો. એક તેલ ચોપડેલી થાળી લઈ એમાં પુરણને પાથરી દો.

વડીના ચોસલાને શેલો-ફ્રાઈ કરી લો

આ પુરણને ફ્રીઝરમાં 10 મિનિટ માટે ઠંડું થવા દો. ત્યારબાદ એના ચોસલા પાડી લો. અને ડીપ-ફ્રાઈ અથવા ગોલ્ડન બ્રાઉન શેલો-ફ્રાઈ કરી લો.

આ વડી ચટણી અથવા ટોમટો કેચ-અપ સાથે ખાઈ શકો છો.

 

સેવ બરફી

0

‘સેવ બરફી’ એક સિંધી મિઠાઈ છે. સિંધીમાં એને ‘સિંઘાર જી મિઠાઈ’ કહેવામાં આવે છે. આ બરફી ઘણી જ સ્વાદિષ્ટ છે. હાલમાં બોલિવુડ સેલિબ્રિટી દિપિકા પદુકોણ તેમજ રણવીર સિંહ પરણી ગયા. તેમના લગ્નના મેનૂમાં આ બરફીનું નામ ગુંજ્યૂં છે. તો ચાલો જાણીએ, કઈ રીતે આ બરફી બનાવાય છે.

સામગ્રીઃ

 • નમક વિનાની ચણાના લોટની જાડી સેવ 250 ગ્રામ
 • દૂધ 2 કપ
 • સાકર 250 ગ્રામ
 • મોળો દૂધનો માવો 250 ગ્રામ
 • એલચી પાવડર 1 ટી.સ્પૂન
 • 7-8 કેસરના તાંતણા
 • 2-3 ટે.સ્પૂન ઘી
 • રોઝ એસેન્સ 4-5 ટીપાં
 • કાજૂ-બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન

રીતઃ એક જાડા તળિયાની કઢાઈમાં દૂધને ગરમ કરવા મૂકો. એમાંથી 2 ટે.સ્પૂન દૂધને એક વાટકીમાં લઈ એમાં કેસર પલાળી દો અને એક બાજુએ મૂકી દો.

 

દૂધનું પ્રમાણ અડધું થાય ત્યાં સુધી એક લાંબા ઝારા વડે દૂધને હલાવતાં રહો. ત્યાર બાદ સાકર ઉમેરો. સાકર ઓગળી જાય એટલે માવો ખમણીને ઉમેરી દો. સાથે ઘી પણ ઉમેરી દો. એમાં પલાળેલું કેસર અને એલચી પાવડર ઉમેરી દો. મિશ્રણને હલાવતાં રહો. હવે એમાં સેવ ઉમેરી દો અને ગેસની આંચ ધીમી કરી દો. હળવેથી મિશ્રણને હલાવો, સેવ તૂટવી ના જોઈએ. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં રોઝ એસેન્સ મિક્સ કરી દો.

ઘી ચોપડેલી એક થાળીમાં મિશ્રણ પાથરી દો. ચપટા તળિયાવાળી એક વાટકી વડે મિશ્રણને હળવેથી ઉપરથી દાબી દો. અને ઉપર સૂકા મેવાની કાતરી ભભરાવી દો. 1-2 કલાક બાદ મિશ્રણ ઠંડું થાય અને સૂકું થાય એટલે ચપ્પૂ વડે બરફીના કટકા કરી લો.

ફરસી પુરી

0

દિવાળીમાં કંઈ કેટલાય પકવાન કે ફરસાણ બનાવો. પણ ઘરમાં જો સૌથી વધુ ખવાતું હોય તો એ ફરસાણ છે ફરસી પુરી. જે નાનાં-મોટાં સહુને ભાવે છે. તો બનાવી લો દિવાળીમાં ફરસી પુરી!

સામગ્રીઃ

 • 500 ગ્રામ મેંદો
 • 200 ગ્રામ રવો
 • 1½ ટી.સ્પૂન અજમો
 • 1 ટી.સ્પૂન અધકચરા વાટેલા કાળા મરી
 • 1 ટી.સ્પૂન જીરૂ
 • ½ ટી.સ્પૂન બેકિંગ પાવડર
 • મોણ માટે 2 ટે.સ્પૂન ઘી
 • તળવા માટે તેલ

રીતઃ મોણ માટેનું ઘી એક કઢાઈમાં ગરમ કરીને ઠંડું કરી લો. રવો અને મેંદો ચાળીને એક વાસણમાં ભેગા કરી લો. હવે એમાં અજમો, કાળાં મરી, બેકિંગ પાવડર તેમજ મોણ માટેનું ઘી ઉમેરી લોટ મિક્સ કરો. એમાં નવશેકું પાણી થોડું થોડું ઉમેરીને કઠણ લોટ બાંધી લો.

એમાંથી એક મોટો લુઓ લઈ જાડી પુરી વણીને ઉપર તેલ ચોપડો. ત્યારબાદ એનો રોલ વાળીને નાનાં નાનાં પુરી માટેના લુઆ બનાવી લો. હવે આ નાના લુઆમાંથી એક લુઓ લઈને પુરી વણો અને એક કાંટા ચમચી વડે એની ઉપર કાણા પાડો. જેથી પુરી ફૂલે નહીં.

આ રીતે બધી પુરી વણાઈ જાય. એટલે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થયા બાદ 4-5 પુરી તળવા માટે કઢાઈમાં હળવેથી નાખો. અને ગેસની આંચ મધ્યમ કરીને પુરી બંને બાજુએથી ગોલ્ડન થાય એવી તળી લો. ફરીથી બીજી 4-5 પુરી નાખતી વખતે ગેસની આંચ તેજ કરવી. અને પુરી નાખ્યા બાદ મધ્યમ આંચે પુરી તળવી.

કોપરાની બરફી (કોકોનટ બરફી)

0

દિવાળીમાં મોહનથાળ તો બનાવી જ લઈએ છીએ. પણ, બીજી એક એવી મિઠાઈ છે, જે જલ્દી બની જાય છે અને ડીશની વેરાયટીમાં ઉમેરો પણ થાય. તો ચાલો બનાવીએ નાળિયેરના કોપરાની બરફી…જે મોઢામાં મૂકતાં જ મહેમાન બોલી ઉઠશે.. વાહ શું સ્વાદ છે!’

સામગ્રીઃ

 • 3 કપ તાજું ખમણેલું કોપરું
 • 100 ગ્રામ માવો
 • 400 ગ્રામ દૂધ
 • ½ કપ ખાંડ
 • 1 ચમચી એલચી પાવડર
 • 5 ટી.સ્પૂન ઘી
 • 5-6 બદામની કાતરી

રીતઃ એક મોટી કઢાઈમાં નાળિયેરનું તાજું કોપરું, દૂધ તેમજ ખાંડ મિક્સ કરી ગેસ ઉપર ગરમ કરવા મૂકો. અને સતત હલાવતાં રહો, જ્યાં સુધી દૂધનું પ્રમાણ અડધું ન થાય. હવે એમાં માવો મિક્સીમાં ક્રશ કરીને ઉમેરો. 5-10 મિનિટ સુધી મિશ્રણને હલાવો અને ત્યારબાદ ઘી ઉમેરો. ઘી ઉમેરીને ફરીથી સાંતડો. જેવું ઘી છૂટ્ટું પડવા માંડે એટલે એમાં એલચી પાવડર ઉમેરીને ગેસ બંધ કરી દો.

ઘી ચોપડેલી એક થાળીમાં આ મિશ્રણ પાથરી દો. અને ઉપર બદામની કાતરી ભભરાવીને દબાવી દો. મિશ્રણ ઠંડું થાય એટલે ચોરસ ટુકડામાં પીસ કટ કરી લો. અને ડબ્બામાં ભરી લો.

આ બરફી ફ્રિજમાં 7-8 દિવસ સુધી સારી રહે છે. અને ફ્રિજની બહાર 2-3 દિવસ સુધી સારી રહે છે.

ફરાળી ઈડલી

0

એકાદશીના ઉપવાસમાં બનાવી લો ફરાળી વાનગી, જે ઘરમાં બધાને ભાવશે! ટાબરિયાંને તો આમ પણ ઈડલીનું નામ લો તો મોઢાંમાં પાણી આવી જાય!

સામગ્રીઃ

 • 1 કપ સાબુદાણા
 • 2 ટી.સ્પૂન તેલ
 • 2 કપ છાશ
 • ½ ટી.સ્પૂન ખાવાનો સોડા
 • 2 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
 • 3-4 લીલાં મરચાં ઝીણાં સુધારેલાં
 • 1 કપ મોરૈયાનો લોટ (લોટ ન લેવો હોય તો આખો સામો પણ લઈ શકો છો)
 • સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું-Rock Salt) સ્વાદ પ્રમાણે

 

ફરાળી ચટણી માટે સામગ્રીઃ

 • 1 કપ કોથમીર
 • 1 કપ શીંગદાણા અથવા 1 તાજું નાળિયેર
 • 1 ટી.સ્પૂન બારીક સુધારેલું આદુ
 • સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
 • 1 ટે.સ્પૂન લીંબુનો રસ

રીતઃ એક કઢાઈમાં 1 ટી.સ્પૂન તેલમાં સાબુદાણા 5 મિનિટ માટે સાંતડો. ત્યારબાદ સાબુદાણાને છાશમાં 5-6 કલાક માટે પલાળો. 6 કલાકમાં સાબુદાણા ફુલી જશે. હવે એને મિક્સીમાં ક્રશ કરી લો. અને સમારેલાં મરચાં, કોથમીર, સ્વાદ મુજબનું મીઠું મિક્સ કરી લો. સોડા નાખીને હલાવી લો.

ઈડલીના વાસણમાં તેલ ચોપડી, ખીરૂ રેડીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ગરમાગરમ ઈડલી ઉતારી લો. અને ફરાળી ચટણી સાથે પીરસો.

ફરાળી ચટણી માટે ચટણી માટે આપેલી સામગ્રી લઈ મિક્સીમાં પિસી લો.

મોગર દાળની પુરી

0

રાજસ્થાની આ પુરી જરા અલગ છે. પણ છે હેલ્ધી અને બનાવ્યા બાદ 2-3 દિવસ સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા વિના પણ સારી રહે છે.

સામગ્રીઃ

પુરી માટેઃ

 • 1 કપ ઘઉંનો લોટ
 • ¼ ટી.સ્પૂન અજમો
 • ¼ ટી.સ્પૂન જીરૂ
 • ¼ ટી.સ્પૂન હળદર
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • ¼ ટી.સ્પૂન મરચાં પાવડર
 • 2 ટે.સ્પૂન તેલ મોણ માટે તેમજ
 • તળવા માટે તેલ

મસાલા માટેઃ

 • ½ કપ મોગર દાળ
 • ½ ટી.સ્પૂન જીરૂં
 • ½ ટી.સ્પૂન મરચાં પાવડર
 • 2-3 લીલાં મરચાં
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • અડધો ઈંચ આદુ ધોઈને સુધારેલું
 • ચપટી હિંગ
 • એક કાંદો ઝીણો સુધારેલો
 • ½ ટી.સ્પૂન ધાણા અધકચરા વાટેલાં
 • ½ કપ કોથમીર ઝીણી સમારેલી

રીતઃ પુરી માટે આપેલી સામગ્રી મિક્સ કરી લો. થોડું પાણી ઉમેરી લોટ કઠણ બાંધીને 15 મિનિટ માટે રહેવા દો.

દાળને 2-3 પાણીએથી સરખી ધોઈને પાણીમાં 3 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ એક દાણો નખ વડે તોડી જુઓ. દાળ તૂટે તો એ સરખી પલળી ગઈ છે. આ દાળને મિક્સીમાં નાખો તેમજ પુરણ માટે આપેલી સામગ્રીમાં આપેલા મસાલા તેમજ આદુ-મરચાં પાણી નાખ્યા વિના ઉમેરી દો. દાળ પિસાતી ન હોય, તો થોડું પાણી ઉમેરી શકો છો. દાળનું મિશ્રણ ઘટ્ટ રહે એવી રીતે દાળને પિસી લો. દાળને એક બાઉલમાં કાઢીને ચપટી હિંગ નાખી દો. તેમજ અધકચરા વાટેલાં ધાણા અને ઝીણો સમારેલો કાંદો અને કોથમીર મિક્સ કરી દો.

પુરીનો લોટ લઈ પુરી વણો અને એમાં કાંટા ચમચી (Fork) વડે કાણાં પાડતાં જાઓ જેથી પુરી ફુલે નહીં. બધી પુરી આ રીતે વણીને મૂકી દો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. અને વણેલી એક-એક પુરી લઈ એની એક સાઈડ ઉપર દાળનું મિશ્રણ લગાડીને એક બાજુએ મૂકતાં જાઓ. તેલ ગરમ થાય એટલે દાળનું મિશ્રણ લગાડેલી સાઈડ તેલમાં આવે એ રીતે પુરી ઉંધી નાખતા જાઓ. 3-4 પુરી નાખવી. હવે ગેસની આંચ મધ્યમ કરી દો. પુરીને ઉથલાવી દો. લોટવાળી સાઈડ થોડી ગુલાબી થાય એટલે ફરી પુરીને ઉથલાવી દો. દાળનું મિશ્રણ બરાબર ચઢી જાય, હલકું ગુલાબી થાય એટલે પુરી તેલમાંથી કાઢી લો.

ફરાળી શક્કરિયા ચાટ

0

નવરાત્રિમાં ઘરની રસોઈ ઉપરાંત ગરબા રમવા તૈયાર થવું હોય તો સમય તો જોઈએ જ. એમાં ઉપવાસ પણ કર્યો હોય તો ફરાળ પણ બનાવવાનો હોય. પણ જો ફરાળ ઝટપટ બની જાય અને હેલ્ધી પણ હોય તો? એવી ઝટપટ બનતી ફરાળી વાનગી છે શક્કરિયા ચાટ.

શક્કરિયામાં ફાઈબર ભરપૂર હોય છે. તેમજ તે આયર્ન, કેલ્શિયમ, મિનરલ્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન-A તેમજ C થી સમૃદ્ધ છે. શક્કરિયા હાડકાં, ડાયાબિટીસ તેમજ હૃદય માટે પણ સારાં છે.

 

સામગ્રીઃ

 • 2 કપ શક્કરિયા બાફીને ચોરસ ટુકડામાં સુધારેલા
 • ¼ ચમચી મરી પાવડર
 • ½ ચમચી શેકેલો જીરા પાવડર
 • સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું – Rock Salt) સ્વાદ મુજબ
 • 1 ટી.સ્પૂન આમચૂર પાવડર (optional)
 • 1 ટે.સ્પૂન લીંબુનો રસ
 • 1 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

 

રીતઃ શક્કરિયાને સારી રીતે ધોઈને બાફી લો. ત્યારબાદ છોલીને એને ચોરસ ટુકડામાં સુધારી લો. એક બાઉલમાં શક્કરિયાના સુધારેલાં ટુકડા ગોઠવી દો. એની ઉપર લીંબુનો રસ તેમજ સિંધવ મીઠું, શેકેલો જીરા પાવડર, મરી પાવડર, આમચૂર પાવડર (optional), ઝીણી સમારેલી કોથમીર નાખીને ચમચા વડે મિક્સ કરીને પીરસો.

શક્કરિયા ચાટ દહીં તેમજ લીલી ફરાળી ચટણી સાથે પીરસો.

ઉપવાસ ન હોય તો એમાં તમે લાલ મરચાં પાવડર તેમજ અન્ય તમને ભાવતાં મસાલો ઉમેરી શકો છો.

 

ફરાળી બટેટા વડા – ચટણી

0

નવરાત્રિ આવે છે. જો વ્રત કરો છો, તો ગરબાં રમવા માટે ઉત્સાહ વધારવા ફરાળ પણ કરવો જરૂરી છે. ફરાળ હેલ્ધી અને ટેસ્ટી પણ હોવો જરૂરી છે. ચાલો બનાવીએ ફરાળી બટેટા વડા અને સાથે ચટણી!!

વડા માટે સામગ્રીઃ

 • બે બટેટા બાફીને મેશ કરેલા
 • 1-2 લીલાં મરચાં
 • 3 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
 • 1 ટે.સ્પૂન ખમણેલું આદુ
 • 1 કપ રાજગરાનો લોટ
 • 1 ટી.સ્પૂન જીરૂં
 • ¼ ટી.સ્પૂન મરી પાવડર
 • સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું – Rock Salt) સ્વાદ મુજબ
 • 1 ટે.સ્પૂન લીંબુનો રસ (optional)

ફરાળી ચટણી માટે સામગ્રીઃ

 • 1 કપ કોથમીર
 • 1 કપ શીંગદાણા
 • 1 ટી.સ્પૂન બારીક સુધારેલું આદુ
 • સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
 • 1 ટે.સ્પૂન લીંબુનો રસ

રીતઃ એક કઢાઈમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરો. એમાં જીરૂ નાખીને તતડાવો. મીઠું સ્વાદ મુજબ ઉમેરો. ત્યારબાદ આદુની પેસ્ટ ઉમેરી દો. થોડીવાર સાંતડીને બટેટાનો માવો તેમજ કોથમીર અને લીલાં મરચાં સુધારીને ઉમેરી દો. 2-3 મિનિટ સાંતડીને મિશ્રણને એક થાળીમાં કાઢી લો. મિશ્રણ ઠંડું થાય એટલે વડા માટે ગોળા વાળી લો.

એક બાઉલમાં રાજગરાનો લોટ લો. એમાં સ્વાદ મુજબ મીઠું તેમજ મરી પાવડર ઉમેરો. પાણી નાખીને ઘટ્ટ ખીરૂં બનાવો.

વડા તળવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે 1 ટે.સ્પૂન તેલ ખીરામાં નાખીને મિક્સ કરી લો. વડા માટેના ગોળા થોડાં નાખીને વડા તળી લો. વડા તેલમાં નાખ્યા બાદ થોડીવાર બાદ, નીચેથી ગોલ્ડન થયા બાદ હળવેથી ઉથલાવો. બીજી સાઈડ પણ ગોલ્ડન થાય એટલે તેલ નિતારીને ઉતારી લો.

આ વડા ફરાળી લીલી ચટણી સાથે પીરસો.

ચટણી માટે કોથમીર ધોઈને સુધારી લો. એમાં બાકીની સામગ્રી ઉમેરીને મિક્સીમાં ચટણી પીસી લો.

સમોસા પિનવ્હીલ્સ્

0

સમોસા બનાવવા છે... પણ સમોસાની પટ્ટી વાળવાનો કંટાળો આવે છે. તો એ જ સમોસાનો ટેસ્ટ મેળવો! જરા જુદી રીતે…પણ સહેલાઈથી અને ઝડપથી પિનવ્હીલ્સ્ બનાવીને!!!  આ રોલ બનાવીને રાખો તો બે દિવસ સુધી સારાં રહે છે.

સામગ્રીઃ 4 નાની સાઈઝના બટેટા, મીઠું સ્વાદાનુસાર, ½ ટે.સ્પૂન મરચાં પાવડર, ¼ ટી.સ્પૂન હળદર, ½ ટી.સ્પૂન જીરૂ, ચપટી હિંગ, ½ ટે.સ્પૂન ધાણા પાવડર ½ ટી.સ્પૂન જીરૂ પાવડર શેકેલો, ½ ટી.સ્પૂન ગરમ મસાલો, 1 ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, 2 ટે.સ્પૂન કોથમીર ઝીણી સમારેલી, 3 ટે.સ્પૂન મેંદો, ½ ટી.સ્પૂન આમચૂર પાવડર

પડ માટેઃ 1 કપ મેંદો, મીઠું સ્વાદાનુસાર, ¼ ટી.સ્પૂન અજમો, મોણ માટે 3 ટે.સ્પૂન તેલ

રીતઃ મેંદામાં તેલ, મીઠું, તેમજ અજમો હાથેથી મસળીને નાખવો જેથી સુગંધ સરસ આવશે. બધી સામગ્રી મિક્સ કરીને. થોડું થોડું પાણી ઉમેરીને બહુ કડક નહીં કે બહુ ઢીલો નહીં એવો લોટ બાંધી દો. આ લોટને ઢાંકીને 15 મિનિટ માટે એકબાજુએ મૂકી દો.

બટેટાને ધોઈને કુકરમાં પાણી નાખીને વાસણમાં બાફવા મૂકો. કુકરની ત્રણ સિટી થવા દેવી. ત્યારબાદ કુકર અડધો કલાક પછી ખોલવું. એક વાસણમાં બટેટાને છોલીને બારીક છૂંદો કરી લો. એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. તેમજ બાકીની સામગ્રી (3 ટે.સ્પૂન મેંદા સિવાયની) ઉમેરીને મિક્સ કરીને એકબાજુએ મૂકી દો.

એક નાના બાઉલમાં 3 ટે.સ્પૂન મેંદો તેમજ ચપટી મીઠું ઉમેરી દો. અને થોડું થોડું પાણી ઉમેરીને પાતળી પેસ્ટ બનાવી લો.

પડ માટે બાંધેલો લોટ ફરી એકવાર થોડો કુણી લો. લોટના બે ભાગ કરો. તેમજ બટેટાના મિશ્રણના પણ બે ભાગ કરી લો. લોટનો એક ભાગ લઈ એને વેલણથી ગોળ અથવા લંબચોરસ રોટલો વણી લો. રોટલી જેટલી જાડાઈ રાખવી. મેંદાની વણેલી રોટલી ઉપર બટેટાના પુરણમાંથી એક ભાગ લઈ એકસરખું થાપીને, ફેલાવીને લગાડી દો. એક છેડેથી રોટલીને બટેટાના પૂરણ સાથે રોલ વાળો (પાતરા વાળીએ એ રીતે). અને છેડા ઉપર મેંદાની પેસ્ટ લગાડી રોલને પેક કરી લો.

આ રોલના અડધા ઈંચના કટકા કરી લો. બધા રોલ તૈયાર થાય એટલે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. અને રોલને મેંદાની પેસ્ટમાં બોળીને તેલમાં તળી લો. પહેલાં ગેસની આંચ ફાસ્ટ રાખવી. રોલ નાખ્યા બાદ મધ્યમ ધીમી કરવી. રોલ ગોલ્ડન ક્રિસ્પી થાય એટલે કાઢી લેવા.

ખાટી-મીઠી ચટણી, કોથમીરની ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે આ રોલ પીરસવા