Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – આશરે 500 કિલો વજનને કારણે દુનિયામાં સૌથી મેદસ્વી મહિલા ગણાયેલી ઈજિપ્તવાસી ઈમાન એહમદ ઉપર ભારે ઉત્કંઠા જગાડનાર બેરિઆટ્રિક સર્જરી કરવામાં આવી છે અને તે સફળ રહી છે, એવું અહીંના ચર્ની રોડ સ્થિત સૈફી હોસ્પિટલે જણાવ્યું છે.

હોસ્પિટલનાં ડોક્ટરોએ કહેવું છે કે 36-વર્ષીય ઈમાન એહમદ પર ગઈ 7 માર્ચે સર્જરી કરવામાં આવી હતી અને તે સફળ રહી છે.

ઈમાનને ગયા મહિને ઈજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરના એરપોર્ટથી ચાર્ટર્ડ વિમાન દ્વારા મુંબઈ એરપોર્ટ ખાતે લાવવામાં આવી હતી અને ત્યારબાદ એને એક ક્રેનની મદદથી ટ્રકમાં મૂકી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.

ડોક્ટરોને આશા છે કે આવતા દોઢેક મહિનામાં ઈમાનનાં શરીરનું 100 કિલો જેટલું વજન ઘટી જશે અને છ મહિનામાં એનું 200 કિલો જેટલું વજન ઘટી જશે.

અતિ ભારેખમ શરીરને કારણે ઈમાનને છેલ્લા 20 વર્ષથી માત્ર ઘરમાં જ રહેવું પડ્યું હતું અને ક્યાંય બહાર જઈ શકી નહોતી.

સર્જરી પૂર્વે અમુક તબીબી પ્રક્રિયાને સારો પ્રતિસાદ આપીને ઈમાનનાં શરીરનું વજન 120 કિલો જેટલું ઘટી ગયું હતું એનાથી ડોક્ટરો સર્જરી કરવા ઉત્સાહિત થયા હતા, એવું સર્જરી કરનાર ડો. મુફ્ફઝલ લકડાવાલાએ કહ્યું છે.

ઈમાન એહમદની શારીરિક સમસ્યાઓ…

* શરીર સતત જાડું થતું રહેતું હોવાને કારણે ઈમાનને ચાલવાને બદલે જમીન પર ઢસડાતું આગળ વધવું પડ્યું હતું.

* 2014માં એનું વજન 300 કિલો થયું હતું અને એનું કોલેસ્ટરોલનું પ્રમાણ પણ ભયજનક રીતે વધી ગયું હતું. પરિણામે એને સ્ટ્રોક આવ્યો હતો અને એ લકવાગ્રસ્ત થઈ ગઈ હતી.

* એની વાચાને પણ માઠી અસર પડી હતી અને ત્યારથી એ સંપૂર્ણપણે પથારીવશ થઈ ગઈ હતી.

* 2016ની સાલ સુધીમાં તો એનું વજન વધીને 500 કિલો થઈ ગયું હતું અને ડાયાબિટીસ, હાઈપરટેન્શન સહિત બીજી અનેક બીમારીઓ લાગુ પડી હતી.

* ઈજિપ્ત અને ગ્રીસમાંથી ડોક્ટરોને બોલાવીને ઈમાનની ઘણી સારવાર કરવામાં આવી હતી, પણ કોઈ ફાયદો થયો નહોતો. અંતે ઈમાનની નાની બહેન શાઈમાએ ઓનલાઈન પ્રચાર અને અપીલ શરૂ કરી હતી જેને કારણે સૈફી હોસ્પિટલના ડો. મુફ્ફઝલ લકડાવાલાનું ધ્યાન ગયું હતું. જેઓ નામાંકિત લેપારોસ્કોપી સર્જન છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS