Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – મર્યાદિત ઓવરોવાળી મેચો માટે ભારતીય ક્રિકેટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપનાર મહેન્દ્ર સિંહ ધોની પર પ્રશંસાનાં પુષ્પોનો વરસાદ વરસાવવામાં ભારતના દંતકથાસમા ક્રિકેટરો સચીન તેંડુલકર અને સુનીલ ગાવસકરે વિશ્વ ક્રિકેટની આગેવાની લીધી છે.

રાંચીનિવાસી વિકેટકીપર-કમ-બેટ્સમેન ધોનીએ વન-ડે ઈન્ટરનેશનલ્સ તથા ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ્સ ફોર્મેટની ભારતીય ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપવાની ગઈ કાલે જાહેરાત કરી હતી, પરંતુ તેણે બીસીસીઆઈને જણાવ્યું છે કે પોતે ખેલાડી તરીકે રમવા તૈયાર છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતી 15 જાન્યુઆરીથી ઘરઆંગણે ત્રણ વન-ડે મેચો અને ટ્વેન્ટી-20 મેચોની શ્રેણીઓ શરૂ થવાની છે.

ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી 2014માં જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે.

તેંડુલકર અને ગાવસકર ઉપરાંત ધોનીનાં ટીમ સાથીઓ ઉપરાંત ઈંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટનો માઈકલ વોન તથા માઈકલ ક્લાર્કે પણ ધોનીની પ્રશંસા કરી છે અને એને ભારતનો સૌથી સફળ કેપ્ટન તરીકે વર્ણવ્યો છે.

ધોનીએ T20 અને ODI વર્લ્ડ કપ વિજય વખતે દેશના સંભાળેલા સુકાન વખતે એની સાથેની અમુક જૂની યાદને મહાન બેટ્સમેન તેંડુલકરે તાજી કરી છે.

સચીન તેંડુલકર: T20 અને ODI બંને ફોર્મેટની વર્લ્ડ કપમાં દેશને ચેમ્પિયન બનાવવામાં કેપ્ટન તરીકેની વન્ડરફૂલ કારકિર્દી બદલ MSDને અભિનંદન. મેં એને આક્રમક ખેલાડીમાંથી સ્થિરતાપૂર્ણ રમત રમનાર તેમજ નિર્ણાયક કેપ્ટન તરીકે ઉભરી આવતો જોયો છે. આજનો દિવસ એના સફળ સુકાનને બિરદાવવાનો અને તેના નિર્ણયનો આદર કરવાનો છે. MSDને મારી શ્રેષ્ઠ શુભેચ્છા છે.

સુનીલ ગાવસકરઃ જો ધોની ખેલાડી તરીકે પણ નિવૃત્ત થયો હોત તો મેં એના ઘરની બહાર દેખાવો કર્યા હોત, ધરણા કર્યા હોત અને કમબેક કરવાની એને વિનંતી કરી હોત. વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હજી પણ જબરદસ્ત બેટ્સમેન છે. એણે ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું છે એનાથી હું ખુશ થયો છું.

ધોનીની સાથે રમનાર બેટ્સમેનો સુરેશ રૈના અને રોહિત શર્મા તથા અન્ય ખેલાડીઓએ પણ ધોનીની પ્રશંસા કરી છે.

સુરેશ રૈના: કહ્યું છે કે, ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન છે જેણે એના દૂરંદેશીપણાને વાસ્તવિક્તામાં પરિવર્તિત કરી છે. એણે ઘણાય ખેલાડીઓને એમના સપના સાકાર કરવાની પ્રેરણા આપી છે. એને હું સલામ કરું છું.

રોહિત શર્માઃ એ ખરો લીડર છે જેણે મારા સહિત ઘણા ખેલાડીઓની કારકિર્દીનો ઘાટ ઘડ્યો છે. એણે જ મને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં દાવનો આરંભ કરવાનું કહ્યું હતું.

ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ: કેપ્ટન તરીકે ધોનીના ગુણનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે.

મોહમ્મદ કૈફ: ધોની જેવો લીડર મળ્યો એ ભારતનું નસીબ કહેવાય.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS