Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર-  ગાંધીનગર મહાત્મા મંદિર  ખાતે હાલ 8મી વાઈબ્રન્ટ ગુજરાત 2017 સમિટ ચાલી રહી છે. આ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવા વિવિધ દેશોના પ્રતિનિધિમંડળો હાલ ગુજરાતના પ્રવાસે છે. જેમાં આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પ્રથમ દિવસે વિવિધ  દેશોના પ્રતિનિધિઓ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બેઠક કરી હતી. જેમા ગુજરાતના વિકાસ અને નવા ઉદ્યોગ સાહસો મારફતે વિદેશી રોકાણ અંગે ચર્ચા વિચાણા કરવામાં આવી હતી. સ્થાપવા ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વિવિધ દેશોના ડેલિગેશન સાથે બેઠક યોજીને ડેપલમેન્ટ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા અંગે વિસ્તુત ચર્ચા કરી હતી. અને ઘણા મહત્વના MOU પર હસ્તાક્ષર પણ  કર્યાં હતાં.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાઈબ્રન્ટ સમિટ-ર૦૧૭ના પ્રથમ દિવસે વિવિધ દેશોના ૧૦ જેટલા ડેલિગેશને વન-ટુ-વન બેઠકો યોજીને વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વિકાસમાં સહભાગી થવાની તત્પરતા દર્શાવી હતી.

વિજય રૂપાણીએ આજે  અસ્ટ્રાખાનના વાઇસ ગવર્નર યુત કોનસ્ટેટીન માકર્લોવ, ઓસ્ટ્રેલિયા ન્યુ સાઉથ વેલ્સના રાજદૂત બેરી ઓ-ફેરેલ, એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના પ્રેસિડેન્ટ યુત જિન સિકવન, જાપાનના ઇકોનોમી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર યુત એલકઝાન્ડર, યુ.એ.ઇ.ના કેબિનેટ મિનિસ્ટર રાશીદ અહેમદ, તેમજ ઇઝરાયલના ગ્રામીણ વિકાસપ્રધાન ઉરી એરિયલનો સમાવેશ થાય છે.

રશિયાના આસ્ટ્રખાન શહેરના વાઈસ ગવર્નર સાથે બેઠક

રશિયાના આસ્ટ્રખાન શહેરના વાઇસ ગવર્નર કોન્સ્ટેન્ટીન સાથેની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૂચન કર્યું હતું કે, ગુજરાત અને આસ્ટ્રખન બંન્ને પ્રાંત, તેમની વચ્ચેના લાંબા સમયના સહયોગને કુદરતી સંસાધનોના ઉત્ખનન, ફૂડ પ્રોસેસિંગ, શિપ બિલ્ડિંગ, પોર્ટ આધારિત વિકાસ, પ્રવાસન, શિક્ષણ અને માનવહિતના સંબંધિત ક્ષેત્રોના વિકાસ અંગે વિચારણા કરી રહ્યું છે. મુખ્યપ્રધાને એ વાત પર ભાર મૂક્યો હતો કે, આસ્ટ્રખાન પ્રાંતના મુખ્ય ક્ષેત્રોમાં ઓઇલ એન્ડ ગેસ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ, શિપબિલ્ડિંગ એન્ડ રિપેરિંગ, કૃષિ અને પ્રોસેસિંગ ઉદ્યોગો, મશિનરીઝ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ, વેપાર, ફૂડ, પ્રવાસનનો સમાવેશ થાય છે. આ પૈકીના અમુક ક્ષેત્રોને “મેક ઇન ઇન્ડિયા” અંતર્ગત લક્ષિત ક્ષેત્ર તરીકે પસંદ કરવામાં આવ્યાં છે અને ગુજરાત આ ક્ષેત્રોમાં અગ્રિમ રહ્યું છે. આસ્ટ્રખાન ગુજરાત સાથે એક ભાવનાત્મક જોડાણ સ્થાપી શકે તે માટે વર્ષ ૨૦૦૧માં કરાર થયો હતો. આ કરારને વર્ષ ૨૦૧૭ સુધી વિસ્તારવામાં આવ્યો છે. અને તેમાં સંસ્કૃતિ, કલા, સાહિત્ય અને ભાષાના અભ્યાસમાં સહયોગ, હાઉસ ગેસ્ટ્સ તરીકે પરિવારોનું આદાનપ્રદાન, આરોગ્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં વિશેષજ્ઞોની આપ-લે તેમજ શેલ્ટર, લેન્ડ યુઝ, પરિવહન અને શહેરી વિકાસમાં તજજ્ઞતાના ક્ષેત્રોને આવરી લેવાયા છે. અસ્ટ્રાખાનની સ્થાપનાના ૩૦૦ વર્ષની ઉજવણીમાં  મુખ્યપ્રધાન વિજય રૂપાણીને અસ્ટ્રાખાનની મુલાકાત લેવા તથા આ ભાગીદારીને આગળ ધપાવવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સનું પ્રતિનિધિ મંડળ

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના વિશેષ પ્રતિનિધિ બેરી ઓ’ફેરલે ગુજરાત વચ્ચેના સિસ્ટર-સ્ટેટ સંબંધોને મજબૂત બનાવવાની પોતાની આકાંક્ષા વ્યક્ત કરી હતી. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બંન્ને પ્રાંત વચ્ચે કૌશલ્ય વિકાસ, કૃષિ વિકાસ અને સ્માર્ટ સિટી સહિતના સહયોગના ક્ષેત્રો ઉપર ભાર મૂક્યો હતો. VGGS ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા પાર્ટનર દેશ છે. યુનિવર્સિટી ઓફ વોલનગોન્ગ VGGS ૨૦૧૭માં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સાથે એજ્યુકેશન ક્ષેત્રમાં MoU કરવાની છે.     

ગવર્ન્મેન્ટ ઓફ ક્વીન્સલેન્ડે પણ સિસ્ટર સ્ટેટ રિલેશનશિપમાં રસ દર્શાવ્યો છે. વેસ્ટપેક બેંકે ગિફ્ટ સિટીમાં રસ દર્શાવ્યો છે. ગ્રિફિથ યુનિવર્સિટીએ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે ભાગીદારી અંગેનો સંકેત આપ્યો છે. આ વિષયે વન-ટુ-વન બેઠકમાં પરામર્શ થયો હતો.

એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ બેંકના પ્રેસિડેન્ટ સાથે બેઠક

AIIBના પ્રેસિડેન્ટ જિન લિક્યુનની સાથે વિજય રૂપાણીની બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસના ક્ષેત્રોમાં હાથ ધરાયેલા કેટલાક વિશાળ પ્રોજેક્ટ્સમાં AIIBના સહયોગ અંગે ચર્ચા કરાઈ હતી. AIIBએ આ મેગા પ્રોજેક્ટ્સ વિકસાવવામાં ગુજરાત સરકારની સહાયતા કરવા પ્રતિબંદ્ધતા દર્શાવી છે.

જાપાનના ઈકોનોમી, ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ પ્રધાન સાથે ચર્ચા

જાપાનના ઇકોનોમી, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રધાન હિરોશિગે સેકો સાથેની બેઠકમાં સેકોએ સમગ્ર વિશ્વ ગુજરાત ભણી મીટ માંડી રહ્યું હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું  હતું કે, “VGGS ૨૦૧૭ની તૈયારીઓને જોતાં મને વિશ્વાસ છે કે, આજે આખું વિશ્વ ગુજરાત તરફ મીટ માંડી રહ્યું છે. ઘણાં ગ્લોબલ લીડર્સ ભાગીદારીની તક ચકાસવા અને જ્ઞાનના આદાન-પ્રદાન માટે અહીં આવ્યાં છે. VGGS ૨૦૧૭માં જાપાનીઝ કંપનીઓની સંખ્યા નોંધપાત્ર રહી છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

મારૂતિ સુઝુકી

મારૂતિ સુઝુકીએ મહેસાણામાં જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્યુફેક્ચરિંગ (JIM) નામની ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની જાહેરાત કરી છે. આ ઇન્સ્ટિટ્યૂટમાં ટેક્નિકલ ટ્રેડર્સ અને જાપાનીઝ શોપ ફ્લોર પ્રેકટિસીઝમાં વર્ષે ૩૦૦ યુવાનોને તાલીમ અપાશે. આ ઇન્સ્ટિટ્યૂટ ઓગસ્ટ ૨૦૧૭થી સૌપ્રથમ બેચ શરૂ કરે એવી સંભાવના છે. જાપાનની કંપનીઓએ ગુજરાતના MSME સેકટરમાં ઉત્પાદકોને સરળતાએ સવલતો આપવા GIDCના સહયોગથી પ્લગ એન્ડ પ્લે પાર્ક વિકસાવવા માટેના MOU વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં એક્ક્ષચેન્જ કરવામાં આવ્યા હતા.

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)નું પ્રતિનિધિ મંડળ સાથે બેઠક

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના કેબિનેટ મેમ્બર અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ડો. રાશીદ અહમદ બિન ફહાદની આગેવાની હેઠળ આવેલા પ્રતિનિધમંડળ સાથે યોજેલી બેઠકમાં વિજય રૂપાણીએ સૂચન કર્યું હતું કે, UAE સાથે મળીને રિન્યુએબલ ઊર્જા અને એનર્જી એફિશિયન્સીના કાર્યક્રમો હાથ ધરવામાં આવે તો સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને બાયોમાસ એનર્જીના ક્ષેત્રોમાં ગુજરાતમાં કારોબારની વિરાટ સંભાવના રહેલી છે.  UAEના પ્રતિનિધિમંડળે UAEથી ભારત આવતો મોટા ભાગનો કાર્ગો સૌથી પહેલાં ગુજરાત આવે છે એવું જણાવીને આ ક્ષેત્રે પોર્ટ કાર્ગોમાં ભારત તથા ખાસ કરીને ગુજરાત સાથે પારસ્પરિક હિત ધરાવતી ભાગીદારી સાધવાની આકાંક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રતિનિધિમંડળે કાર્ગો વેસ્ટ ઘટાડવા માટે પોર્ટ લોજિસ્ટિક્સ વધારવાના માર્ગો અંગે પણ ચર્ચા કરી હતી. યુ.એ.ઇ.ના જવેલરી-ડાયમંડ બિઝનેસનું ગુજરાતમાં મોટું માર્કેટ છે તેનો લાભ લઇ ગુજરાત સાથે સહભાગીતાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આમંત્રણ પાઠવ્યું હતું.

ઈઝરાયેલના એગ્રીકલ્ચર-રૂરલ ડેવલપમેન્ટ પ્રધાન સાથે ચર્ચા

ઇઝરાયેલના એગ્રીકલ્ચર-રૂરલ ડેવલપમેન્ટ પ્રધાન ઊરી એરિયલ સાથેની વન-ટુ-વન બેઠકમાં મુખ્યપ્રધાને ઇઝરાયેલ જેવા નાના દેશમાં કૃષિ, ડ્રીપ ઇરીગેશન ડિસેલીનેશન ક્ષેત્રે જે પ્રગતિ સાંધી છે, તે માટે અભિનંદન પાઠવ્યાં હતાં. વિશાળ સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં ખારા પાણીને મીઠા કરવાના ડિસેલીનેશન પ્રોજેકટમાં ઇઝરાયલના અનુભવના આદાન-પ્રદાન અંગે બેઠકમાં પરામર્શ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના ખેડૂતોને ઈઝરાયલની ટેક્નોલોજી પૂરી પાડવા માટે ગુજરાતમાં ઇઝરાયલના સહયોગથી ખેડૂતો માટે વિવિધ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવ્યા છે. રાજ્યમાં આવાં ૩ સેન્ટર ઓફ એકસલન્સ કાર્યરત છે. નવાં ૪ સ્થાપવાનું આયોજન છે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

ફ્રાન્સના પ્રતિનિધિમંડળનો આભાર વ્યકત કર્યો

ફ્રાન્સના ફોરેન અફેર્સ એન્ડ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર જીન-માર્ક ઐરોલ્ટની આગેવાનીમાં આવેલા પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં વિજય રૂપાણીએ આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી બનવા બદલ ફ્રાન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. જીન-માર્ક ઐરોલ્ટે જણાવ્યું હતું કે, આ સમિટમાં તેમની સાથે ફ્રાન્સની કંપનીઓનાં ૧૦૦ કરતા વધુ અધિકારીઓ આવ્યાં છે. “અમે અહીં સહયોગના અવસરો ચકાસવા તથા જ્ઞાનના ફળદાયી આદાનપ્રદાન માટે રોમાંચિત છીએ. ફ્રાન્સની ઘણી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે સકારાત્મક વલણ ધરાવે છે અને મને વિશ્વાસ છે કે વાયબ્રન્ટ સમિટ આ માટે તક પૂરી પાડશે.”

ફ્રાન્સના રોકેટ ગૃપ સાથેની મુખ્યપ્રધાનની બેઠકમાં આ ગૃપ દ્વારા વિરમગામ નજીક એક પાયલોટ પ્રોજેકટ સ્થાપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં આવેલ ઉદ્યોગમાંથી નીકળતા ઔદ્યોગિક ગંદા પાણીને શુધ્ધિકરણ બાદ, ઝીરો લીકવીડ ડીસ્ચાર્જ કરવા માટે રીવર્સ ઓસ્મોસીસ પ્લાન્ટ (આર ઓ પ્લાન્ટ) નાંખવા ઉપરાંત આર ઓ પ્લાન્ટમાંથી નીકળતા રીજેકટ પાણીને ઇવોપરેટ કરીને ઝીરો ડીસ્ચાર્જ મેળવવા ૧૯.૩૦ કરોડના ખર્ચે આ યોજના એપ્રિલ ર૦૧૭માં પૂર્ણ કરવા માટેના કરારો કર્યાં હતા. તેમજ ઝીરો લીકવીડ ડિસ્ચાર્જ યોજના માટેના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેનશન કરાર ફ્રાન્સના મિનિસ્ટરની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યા હતાં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS