Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) જૂથે ઉપરાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય પ્રધાન એમ. વેંકૈયા નાયડુને પસંદ કર્યા છે.

કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન વેંકૈયા નાયડુની પસંદગી ભાજપ સંસદીય બોર્ડની આજે અહીં મળેલી બેઠકમાં કરવામાં આવી હતી.

ભાજપના પ્રમુખ અમિત શાહે પત્રકાર પરિષદમાં વેંકૈયા નાયડુનાં નામની જાહેરાત કરી હતી. એમણે કહ્યું કે વેંકૈયા નાયડુની ઓળખ આપવાની મને જરૂર લાગતી નથી. એ બાળપણથી ભાજપ સાથે સંકળાયેલા છે. એનડીએના તમામ ભાગીદાર પક્ષોએ નાયડુની ઉમેદવારીને સમર્થન આપ્યું છે.

આ પદ માટે મહારાષ્ટ્રના ગવર્નર સી. વિદ્યાસાગર રાવ અને ઓ. રાજગોપાલના નામો પણ ચર્ચામાં હતા.

કોંગ્રેસ સહિત 18 વિરોધ પક્ષોના જૂથે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે ગોપાલકૃષ્ણ ગાંધીને પસંદ કર્યા છે.

આ પદ માટે ચૂંટણી આવતી પાંચ ઓગસ્ટે યોજાનાર છે.

ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 18 જુલાઈ છે.

આ ચૂંટણી માટે કુલ મતદાર મંડળમાં 790 સંસદસભ્યો છે, જેઓ સંસદના બંને ગૃહ – લોકસભા તથા રાજ્યસભાનાં છે.

શાસક એનડીએ જૂથ આ મતદાર મંડળમાં બહુમતી ધરાવે છે.

હાલના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીની મુદત આવતી 10 ઓગસ્ટે પૂરી થાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS