Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – મહાનગરની તમામ મ્યુનિસિપલ શાળાઓમાં ‘વંદે માતરમ્’ ગીત ફરજિયાત ગાવાના પ્રસ્તાવને મહાપાલિકા સભાગૃહે મંજૂરી આપી છે.

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની આજે મળેલી જનરલ બોડી મીટિંગમાં લેવાયેલા આ નિર્ણયને પગલે મુંબઈ શહેરની તમામ મહાપાલિકા સંચાલિત શાળાઓમાં ‘વંદે માતરમ્’ ગીત અઠવાડિયામાં બે વાર – દર સોમવાર અને શુક્રવારે ગાવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

જોકે મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વરે જણાવ્યું છે કે ‘વંદે માતરમ્’ ગીત મુંબઈમાં પાલિકા સંચાલિત શાળાઓમાં ફરજિયાત બનાવવું કે નહીં એ બાબતમાં અંતિમ નિર્ણય મહારાષ્ટ્ર સરકાર લેશે.

જનરલ બોડી મીટિંગમાં ગોરેગામ (પી-સાઉથ વોર્ડ)ના નગરસેવક સંદીપ પટેલે નોટિસ રજૂ કરી હતી કે મહાપાલિકા સંચાલિત તમામ શાળાઓમાં સપ્તાહમાં કમસે કમ બે વાર વિદ્યાર્થીઓ માટે વંદે માતરમ ગીત ગાવાનું ફરજિયાત બનાવવું જોઈએ. એમણે કહ્યું હતું કે આ ગીત ગાવાથી યુવાઓમાં દેશભક્તિની લાગણી જાગે છે. એમને સ્વાતંત્ર્ય સંગ્રામના સમયગાળાની ઘટનાઓ યાદ રહે એ જરૂરી છે.

શાળા, કોલેજો અને સરકારી કાર્યાલયોમાં પણ ‘વંદે માતરમ્’ ગીત ગાવાનું ફરજિયાત કરવાનો નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાને લેવો જોઈએ એવી માગણી ભાજપના વિધાનસભ્ય રાજ પુરોહિતે કરી હતી.

એની સામે સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમીએ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે પોતે ‘વંદે માતરમ્’ નહીં ગાય. એને પગલે ગૃહમાં ઉહાપોહ મચી ગયો હતો.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS