Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- તીન તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 6 દિવસથી ચાલી રહેલી સુનાવણી પૂર્ણ થઈ છે. જોકે આ અંગે સુપ્રીમ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે. બીજી તરફ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તીન તલાક વિરુદ્ધ એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં તીન તલાકની નિંદા કરવામાં આવી છે.

ગત છ દિવસથી સુપ્રીમ કોર્ટમાં પાંચ જજની બેંચમાં તીન તલાકની બંધારણીય માન્યતા અંગે સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી કપીલ સિબ્બલે દલીલો રજૂ કરી હતી અને 1400 વર્ષથી ચાલી આવતી પરંપરામાં દખલ નહીં કરવા સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું.

તીન તલાક મુદ્દે કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. મુકુલ રોહતગીના જણાવ્યા પ્રમાણે આ મુદ્દો કોઈ લઘુમતી વિરૂદ્ધ બહુમતીનો મુદ્દો નથી. પરંતુ મુસ્લિમ સમાજમાં મહિલાઓ પુરૂષોની સરખામણીમાં ઓછી શિક્ષિત છે. જેથી તેઓ અન્યાય અને ખોટી માન્યતાનો ભોગ બને છે.

વધુમાં રોહતગીએ જણાવ્યું કે, આ બાબત મહિલાઓની સમાનતા માટે છે અને તેમને બંધારણીય અધિકાર મળી રહે તે માટેની લડાઈ છે. આ મુદ્દો 1400 વર્ષથી ચાલી રહેલા અન્યાય સામે લડવાનો મુદ્દો છે. મુસ્લિમ સમાજમાં નિકાહ અને તલાક માટે નવો કાયદો લાવવાની તૈયારી પણ કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલે કોર્ટમાં જણાવી હતી.

કોંગ્રેસ નેતા અને પૂર્વ કાયદાપ્રધાન સલમાન ખુર્શીદે જણાવ્યું કે, તીન તલાક એક અન્યાયી પરંપરા છે. વિશ્વના કોઈ પણ ઈસ્લામિક રાષ્ટ્રમાં તે માન્ય નથી. એટલે આવી પરંપરાને છોડવી જોઈએ. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને પુછ્યું હતું કે, શું મુસ્લિમ મહિલા ઈચ્છે તો નિકાહ કરારમાં તીન તલાકનો ઈન્કાર કરવા સ્વતંત્ર છે કે નહીં?


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS