Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – લોકપ્રિય પાર્શ્વગાયક સોનૂ નિગમે મસ્જિદોમાંથી લાઉડસ્પીકરો પરથી વગાડવામાં આવતી અઝાન વિરુદ્ધ પોતાની ટીકાને પગલે થયેલા વિવાદમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ સામે જંગ આદર્યો છે. પોતે મુસ્લિમ ન હોવા છતાં એના ઘરની નજીકની મસ્જિદમાં દરરોજ વહેલી સવારે લાઉડસ્પીકર પરથી વગાડવામાં આવતી અઝાનને કારણે પોતાની ઊંઘમાં ખલેલ પડે છે એવી એણે ટ્વીટ કરીને ટીકા કર્યા બાદ વ્યાપક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર આ મુદ્દે તીવ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે.


નિગમ પોતાના અભિપ્રાયને વળગી રહ્યા છે અને એના ટેકામાં એમણે આજે બપોરે અહીં પત્રકાર પરિષદમાં એમનું માથું મૂંડાવ્યું હતું. વાસ્તવમાં, પશ્ચિમ બંગાળના એક મૌલવીએ મંગળવારે કથિતપણે એક એવો ફતવો બહાર પાડ્યો હતો કે જે કોઈ વ્યક્તિ સોનૂ નિગમનું માથું મૂંડી આપશે એને રૂ. 10 લાખનું રોકડ ઈનામ આપવામાં આવશે.

એક અખબારી અહેવાલ અનુસાર, વેસ્ટ બેંગાલ માઈનોરિટી યૂનાઈટેડ કાઉન્સિલના ઉપપ્રમુખ સૈયદ શાહ અતીફ અલી અલ કાદરીએ સોનૂ નિગમ વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો.

સોનૂ નિગમે એ ફતવાના પ્રતિસાદમાં આજે બપોરે અહીં પત્રકારોની હાજરીમાં પોતાનું માથું મૂંડાવ્યું હતું.

નિગમે ટકલુ કરાવ્યા પહેલા જ ટ્વીટ કર્યું હતું કે, આજે બપોરે 2 વાગ્યે સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ આલીમ હકીમ મારે ત્યાં આવશે અને મારું માથું મૂંડી નાખશે. એ વખતે પત્રકારો હાજર રહી શકે છે. મૌલવી તમારા 10 લાખ તૈયાર રાખજો.

નિગમે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હું મુસ્લિમ-વિરોધી નથી. મહાન પાર્શ્વગાયક મોહમ્મદ રફીને હું મારા ગુરુ તરીકે ગણું છું. મારો ડ્રાઈવર મુસ્લિમ છે. હું પોતાને બિનસાંપ્રદાયિક વ્યક્તિ માનું છું.

તમે શા માટે માથું મૂંડાવો છો? એવા સવાલના જવાબમાં નિગમે કહ્યું કે, આ મારું કોઈ આંદોલન નથી, કે હું કોઈને પડકાર પણ ફેંકતો નથી. હું એ જ દર્શાવવા માગું છું કે જે વ્યક્તિ મારી હજામત કરે છે એ મુસ્લિમ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS