Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ- ગુજરાતમાં કોંગ્રેસમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કોઈ નિર્ણય લેવાતો નથી. શંકરસિંહ વાઘેલા અને તેમના ટેકેદારોની માગ છે કે સીએમ પદના દાવેદારનું નામ હાઈકમાન્ડ જાહેર કરે. અથવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી કેમ્પેઈન કમિટીના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવે, પણ હાઈકમાન્ડે મગનું નામ મરી પાડ્યું નથી. બાપુ બરાબરના અકળાયાં છે અને એવી માગ કરી છે કે પક્ષ પ્રમુખ બદલો…? આ તમામ ઘટનાએ વળાંક લીધો છે. બાપુ હાલ વિદેશ ગયાં છે, પણ શંકરસિંહ વાઘેલા વિદેશથી આવે પછી ભાજપમાં જોડાવા માટેનો તખતો તૈયાર કરાશે, એમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ભાજપમાં શંકરસિંહ વાઘેલા પરત ફરી રહ્યાં છે, એવા વહેતાં થયેલાં અહેવાલોથી ગુજરાત ભાજપની રાજનીતિમાં નવો મોડ આવ્યો છે. સમાચાર એવા મળી રહ્યાં છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પણ બાપુને ભાજપમાં લેવા માટે રસ દાખવ્યો છે. પણ હાલ એ વાતની ચર્ચા છે કે વાઘેલાને પાછા કેવી રીતે લેવા. જુલાઈમાં વાઘેલાને 77 વર્ષ પુરા થાય છે. ભાજપમાં 75 વર્ષથી ઉપરના નેતા ચૂંટણી લડી શકતા નથી. કોઈ ઉચ્ચ હોદ્દા પર પણ રહી શકતા નથી. હવે જોવાનું એ રહે છે કે પીએમ મોદી સીનીયર નેતા શંકરસિંહ વાઘેલાની વાપસી થાય છે કે નહી. પક્ષ તેમના માટે ઉચ્ચપદ માટે વિચાર કરી રહ્યું છે.

ભાજપના એક સીનીયર નેતાના કહેવા પ્રમાણે કેન્દ્રીય પીએસયુ અથવા બોર્ડમાં અધ્યક્ષ પદ આપવામાં આવી શકે છે. અને તેમના પુત્રને ગુજરાત સરકારની કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે. જો શંકરસિંહ વાઘેલા ભાજપમાં પરત ફરશે તો કોંગ્રેસને ખૂબ જ નુકશાનકર્તા રહેશે. કોંગ્રેસ પાસે 57 ધારાસભ્યો છે, જેમાં 36 ધારાસભ્યો શંકરસિંહ વાઘેલા સમર્થક છે. ભાજપ શંકરસિંહના ટેકેદાર તમામ ધારાસભ્યોને તો નહીં લઈ શકે, પણ તેમાંથી કેટલાક ધારાસભ્યોને ભાજપમાં લઈ લે તો પણ કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પાડી શકશે.

શંકરસિંહ વાઘેલાએ રાજનૈતિક કેરિયરની શરૂઆત જનસંઘથી કરી હતી, અને તે પછી જનતા પાર્ટી બની હતી. ત્યાર પછી જનતા પાર્ટી તૂટી ગઈ અને વાઘેલા ભાજપના વરિષ્ઠ નેતા બની ગયા હતાં. વર્ષ 1995માં નરેન્દ્ર મોદી સાથે મળીને પાર્ટીને રાજ્યમાં સત્તામાં લાવવા માટે અતિમહત્વની ભૂમિકા ભજવી હતી. કેશુભાઈ પટેલને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યાં, પણ મુખ્યપ્રધાનનો દાવો વાઘેલાનો હતો. જે પછી શંકરસિંહ પાર્ટીની વિરુદ્ધ ગયાં હતાં. અને નવી પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી. 1996માં તેઓ ગુજરાતના સીએમ બન્યાં, 1997માં તેમની પાર્ટીનું કોંગ્રેસમાં જોડાણ થયું. હાલમાં તેઓ ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS