Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી મોટી રાહત થઈ છે. એવો આક્ષેપ કરાયો હતો કે મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે બિરલા-સહારા જૂથો પાસેથી એમણે લાંચ લીધી હતી. આ આક્ષેપમાં તપાસ કરાવવાની માગણી કરતી એક અરજીને સુપ્રીમ કોર્ટે આજે નકારી કાઢી છે.

અરજી ‘કોમન કોઝ’ નામની એક બિનસરકારી સંસ્થા (NGO) દ્વારા નોંધવામાં આવી હતી. ન્યાયમૂર્તિઓ અરૂણ મિશ્રા અને અમિતાવ રૉયની બનેલી બેન્ચે એ અરજીને નકારી કાઢતા એમ જણાવ્યું હતું કે વડાપ્રધાન તથા અન્ય નેતાઓ તેમજ સરકારી અમલદારો સામે એફઆઈઆર નોંધવાની માગણીના ટેકામાં જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તે સ્વીકારવાને યોગ્ય નથી.

કોર્ટે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે કોઈ યોગ્ય પુરાવા વિના જો અમે તપાસનો આદેશ આપીએ તો બંધારણીય શાસકો માટે કામ કરવાનું મુશ્કેલ બની જાય, જે લોકશાહી માટે સલામતીભર્યું ન કહેવાય.

કોર્ટે એમ પણ કહ્યું કે, જે રીતે દસ્તાવેજો એકઠા કરવામાં આવ્યા છે અને નોંધવામાં આવ્યા છે તેનો પ્રકાર જોતાં અમે એવા અભિપ્રાય પર આવ્યા છીએ કે આ કેસમાં તપાસનો આદેશ આપવાનું લોકશાહી માટે સુરક્ષિતભર્યું અને યોગ્ય નહીં ગણાય.

કોર્ટનો આ ફેંસલો કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ માટે ફટકાસમાન છે, કારણ કે એમણે તાજેતરમાં વડાપ્રધાન મોદી પર એવો શાબ્દિક પ્રહાર કર્યો હતો કે મોદી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે.

આ મામલો સહારા-બિરલા ડાયરી વિશેનો છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન પદે હતા ત્યારે એમણે ઔદ્યોગિક ગૃહો પાસેથી રૂ. 55 કરોડની લાંચ લીધી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS