Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રેવાડી (હરિયાણા) – રેવાડી ગામની 86 વિદ્યાર્થિનીઓને ગાંધીવાદ માર્ગે એમણે આદરેલાં આંદોલનના આઠમે દિવસે રાહત મળી છે. હરિયાણા સરકાર આ છોકરીઓની માગણી સામે ઝૂકી ગઈ છે અને અત્રે એમની સરકારી હાઈસ્કૂલને અપગ્રેડ કરવાના નિર્ણયની જાહેરાત કરી છે.

હરિયાણાના શિક્ષણ પ્રધાન રામબિલાસ શર્માએ જણાવ્યું છે કે એક પ્રિન્સીપાલની નિમણૂક કરવામાં આવી છે જેઓ વિદ્યાર્થીઓનાં પ્રવેશની પ્રક્રિયાનું આવતીકાલથી જ સંચાલન કરશે.

શર્માએ કહ્યું કે અમે સ્કૂલને અપગ્રેડ કરી છે અને તે વિશેનું નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલના 9મા અને 10મા ધોરણમાં ભણતી 86 વિદ્યાર્થિનીઓ સ્કૂલને અપગ્રેડ કરવાની માગણી માટે આંદોલન પર ઉતરી હતી. એમાંની 13 છોકરીઓ બેમુદત ભૂખહડતાળ પર બેઠી હતી.

સરકારે માગણી સ્વીકારી લીધાની અને નોટિફિકેશન બહાર પાડ્યાની જાહેરાત કર્યા બાદ છોકરીઓએ એમની ભૂખહડતાળનો અંત લાવી દીધો છે.

જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું હતું કે શાળાએ અપગ્રેડેશન માટે જરૂરી પાયાની શરતોનું પાલન કર્યું નહોતું.

ધોરણ દસમું પાસ કર્યાં બાદ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થિનીઓને બાજુના કણવાલી ગામમાં જવું પડતું હતું.

અગાઉ આજે સવારે, 13માંની 10 છોકરીઓ ભૂખહડતાળ દરમિયાન બેશુદ્ધ થઈ જતાં એમને હોસ્પિટલમાં લઈ જવી પડી હતી.

હરિયાણા દેશનું એવું રાજ્ય છે જ્યાં ચાઈલ્ડ સેક્સ રેશિયો સૌથી ઓછો છે અને કન્યાભ્રૂણ હત્યાના કિસ્સાઓ વધુપડતા થાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS