Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – હિન્દી ફિલ્મોમાં ‘આધુનિક જમાના’નાં ‘સમજદાર’ માતા તરીકેની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલાં પીઢ અભિનેત્રી રીમા લાગુનું ગઈ કાલે મધરાત બાદ હૃદયરોગનાં હુમલાને કારણે નિધન થયાં બાદ આજે બપોરે અંધેરી (વેસ્ટ)ના ઓશિવરા સ્થિત સ્મશાનભૂમિમાં એમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રીમા લાગુનાં અંતિમ સંસ્કાર વખતે એમનાં પરિવારજનો તેમજ હિન્દી અને મરાઠી ફિલ્મોની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી, જેમાં રીશી કપૂર, કાજોલ, તન્વી આઝમી, શ્રેયસ તલપડે, રાકેશ બેદી, રઝા મુરાદ, અનંગ દેસાઈ, સુલભા આર્યા, અશોક પંડિતનો સમાવેશ થાય છે.

રીમા લાગુ 59 વર્ષનાં હતાં. બુધવારે રાતે લગભગ 12.30 વાગ્યાની આસપાસ એમણે છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરતાં પરિવારજનો એમને અંધેરી (વેસ્ટ)ની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્યાં લાગુએ અંતિમ શ્વાસ લીધો હતો.

રીમા લાગુનાં પાર્થિવ દેહને આજે સવારે હોસ્પિટલથી એમનાં ઘેર લાવવામાં આવ્યો હતો. અનેક ફિલ્મ કલાકારો અને કસબીઓ અંતિમ દર્શન કરવા રીમા લાગુનાં નિવાસસ્થાને ગયા હતા. આમિર ખાન એની પત્ની કિરણ રાવ સાથે તેમજ મહેશ ભટ્ટ પણ રીમા લાગુનાં નિવાસસ્થાને ગયા હતા.

મુંબઈમાં જન્મેલાં રીમા લાગુએ અનેક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં તેમજ મરાઠી ટીવી સિરિયલોમાં અભિનય કર્યો હતો. ઘણી ફિલ્મોમાં તેમણે માતાની ભૂમિકા ભજવી હતી. એમની જાણીતી હિન્દી ફિલ્મો છે – મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈં કૌન, વાસ્તવ, હમ સાથ સાથ હૈં, કલ હો ના હો, વગેરે.

રીમા લાગુએ એમની કારકિર્દી મરાઠી નાટકોમાં અભિનય સાથે શરૂ કરી હતી.

30 વર્ષની વયે એમણે ‘કયામત સે કયામત તક’ ફિલ્મમાં જુહી ચાવલાની માતા કમલા સિંહની ભૂમિકા ભજવી હતી.

ચાર દાયકા લાંબી ફિલ્મ કારકિર્દીમાં રીમા લાગુએ સ્કીન ઉપર સલમાન ખાન, શાહરૂખ ખાન, ગોવિંદા, માધુરી દીક્ષિત જેવા કલાકારોની માતાનો રોલ કર્યો હતો.

રીમા લાગુએ ‘શ્રીમાન શ્રીમતી’ અને ‘તૂ તૂ મૈ મૈ’ મરાઠી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. તેઓ હાલ મરાઠી ટીવી સિરિયલ ‘નામકરણ’માં પણ કામ કરી રહ્યાં હતાં.

રીમા લાગુની અન્ય જાણીતી હિન્દી ફિલ્મો છે – સાજન, કુછ કુછ હોતા હૈ, દીવાના મસ્તાના, યસ બોસ, મૈં પ્રેમ કી દીવાની હૂં વગેરે.

રીમા લાગુનાં નિધન અંગે અભિનેતા સંજય દત્તે એક નિવેદન દ્વારા પોતાનાં પ્રત્યાઘાત વ્યક્ત કર્યાં છે. એણે કહ્યું કે, મેં આજે ફરી એક માતાને ગુમાવી દીધાં છે. અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને એ દર વખતે મને એમની પાસેથી કંઈક નવું શીખવા મળ્યું હતું. એમનાં નિધને એવો શૂન્યાવકાશ સર્જ્યો છે જે પૂરવો મુશ્કેલ છે. ઈશ્વર એમનાં પરિવારજનો તથા નિકટજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

આમિર ખાને કહ્યું કે, અમને ખૂબ આઘાત લાગ્યો છે. એમને એવી કોઈ તકલીફ કે બીમારી નહોતી. અચાનક થઈ ગયું. અમને બહુ જ દુઃખ થયું છે. મેં મારી પહેલી જ ફિલ્મ કયામત સે કયામત તક રીમાજીની સાથે કરી હતી. એ ઉમદા અભિનેત્રી હતાં. એમનાં આત્માને શાંતિ મળે.

(રીમા લાગુની અંતિમ યાત્રા વખતની તસવીરો)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS