Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – ભારતીય પુરુષોની ક્રિકેટ ટીમના હેડ કોચના પદ પર નવી નિમણૂકનો મામલો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના વિચિત્ર વલણને કારણે નાટ્યાત્મક બની ગયો છે. આ પદ પર રવિ શાસ્ત્રીની નિમણૂક કરાયાના અહેવાલો ચમક્યા બાદ બોર્ડના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ એને રદિયો આપ્યો હતો, પણ હવે બોર્ડના કાર્યવાહક પ્રમુખ સી.કે. ખન્નાએ કહ્યું છે કે શાસ્ત્રીને હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ભૂતપૂર્વ બોલર ઝહીર ખાનને ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રવિ શાસ્ત્રીને ભારતીય પુરુષોની ક્રિકેટ ટીમના વડા કોચ તરીકે બે વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલોના બે કલાક બાદ બીસીસીઆઈના માનદ સચિવ અમિતાભ ચૌધરીએ પત્રકાર પરિષદ બોલાવીને સ્પષ્ટતા કરી હતી કે શાસ્ત્રીની નિમણૂકનો નિર્ણય હજી લેવામાં આવ્યો નથી.

રાહુલ દ્રવિડ – બેટિંગ કન્સલ્ટન્ટ

ચૌધરીએ કહ્યું હતું કે આ નિર્ણય સૌરવ ગાંગુલી, સચીન તેંડુલકર અને વી.વી.એસ. લક્ષ્મણની બનેલી ત્રણ-સભ્યોની ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC) જ લેશે.

ત્યારબાદ મોડી રાતે સી.કે. ખન્નાએ જણાવ્યું કે શાસ્ત્રીની હેડ કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

ખન્નાએ કહ્યું હતું કે મારી ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ કરેલી ભલામણને આધારે અમે 2019 સુધી, એટલે કે બે વર્ષ માટે રવિ શાસ્ત્રીને હેડ કોચ તરીકે અને ઝહીર ખાનને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. રાહુલ દ્રવિડ ટીમને દરિયાપાર પ્રવાસોમાં બેટિંગ કન્સલ્ટન્ટ તરીકે મદદરૂપ થશે.

અગાઉ એવા અહેવાલો હતા કે ક્રિકેટ સલાહકાર કમિટી (CAC)એ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીને નિયુક્ત કર્યા છે અને શાસ્ત્રી 2019ની આઈસીસી વર્લ્ડ કપ સુધી ટીમના કેપ્ટન પદે રહેશે.

અમિતાભ ચૌધરી – બીસીસીઆઈના માનદ્દ સચિવ

શાસ્ત્રી અગાઉ બે વર્ષ માટે ભારતીય ટીમના ડાયરેક્ટર પદે રહી ચૂક્યા છે. એમના માર્ગદર્શન હેઠળ ભારતે 2015ની વર્લ્ડ કપ અને 2016ની વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધાની સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. એમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે આઈસીસી ટેસ્ટ રેન્કિંગ્સમાં નંબર-1 હાંસલ કર્યો હતો.

શાસ્ત્રી સાથે હેડ કોચ પદ મેળવવાની રેસમાં વિરેન્દર સેહવાગ, લાલચંદ રાજપૂત, ટોમ મૂડી, ફિલ સિમોન્સ અને રિચર્ડ પાઈબસ પણ હતા.

સલાહકાર સમિતિના સભ્યોએ હેડ કોચના નિર્ણયની જાહેરાતને બે દિવસ પહેલા મોકૂફ રાખી હતી અને કહ્યું હતું કે ટીમનો કેપ્ટન વિરાટ કોહલી વિદેશથી સ્વદેશ પાછો ફરે ત્યારબાદ એની સાથે મસલત કર્યા બાદ કોચનું નામ જાહેર કરવામાં આવશે. કોહલી પાછો ફર્યા બાદ સલાહકાર સમિતિના સભ્યોએ એની સાથે મસલત કરી હતી અને એની પસંદગીને મહત્વ આપ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS