Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાજકોટ- રાજકોટના નામચીન શક્તિ ઉર્ફે પેંડો અને ધ્રાંગધ્રાના પટેલ યુવાન પ્રકાશ લુણાગરીયાની હત્યાના મામલે આજે પીઆઇ, ફોજદાર અને ત્રણ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. જેની ધરપકડ થઇ તે થોરાળા પોલીસ મથકના પી.આઇ. સુખવીંદરસિંઘ એન. ગડ્ડુ, પી.એસ.આઇ. સુરેશ બાબુભાઇ સોલંકી કોન્સ્ટેબલ ચેતનસિંહ રઘુવીરસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ અને હિતેષ રતાભાઇ પરમારનો સમાવેશ થાય છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાંચેયની ધરપકડ કરી છે. ત્યારે બીજીબાજુ રાજકોટવાસીઓ પોલીસના સમર્થનમાં આગળ આવ્યા છે અને રેસકોર્સ પાસે પોલીસ સમર્થનમાં રેલી કાઢી હતી.

5 પોલી કર્મીઓની ધરપક્ડ સાથે સમગ્ર પોલીસબેડામાં ભારે ચકચાર મચી  છે. રાજકોટના મોસ્ટ વોન્ટેડ શકિતસિંહ ઉર્ફ પેંડો અને તેના કહેવાતા સાગરીત પ્રકાશ દેવરાજભાઇ લુણાગરીયાની હત્યા અને લૂંટના પૈસાની ભાગબટાઇ માટેની અંદરો-અંદરની અથડામણમાં નહીં પરંતુ પોલીસે જ તેને મારી નાંખ્યાની ફરિયાદ પ્રકાશના પિતા દેવરાજભાઇ લુણાગરીયાએ નોંધાવી હતી. આ કેસની તપાસ એસીપી એમ.જે. સોલંકી અને ટીમે હાથ ધરી ગત મોડી રાત્રે સંપુર્ણ રિપોર્ટ ઉપરી અધિકારીઓને સુપરત કરતાં તેના આધારે આજે વહેલી સવારે ડબલ મર્ડરના ગુનામાં થોરાળા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એસ. એન. ગડ્ડુ, પી.એસ.આઇ. એસ. બી. સોલંકી અને ડી. સ્ટાફના ત્રણ પોલીસકર્મી ચેતનસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ તથા હિતેષ પરમારની ધરપકડ કરવામાં આવી છે.

ઓળખ પરેડમાં પીઆઇ ગડ્ડુને આરોપીએ ઓળખી બતાવ્યા હતા. ગત રવિવારે પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સમક્ષ 35 પોલીસ કર્મચારીઓની ઓળખ પરેડ કરાવી હતી. જેમાં ત્રણ પૈકી એક આરોપીએ થોરાળાના પીઆઇ એસ.એન.ગડ્ડુને ઓળખી બતાવ્યા હતા. બીજી બાજુ એસીપી સોલંકી સહિતની ટીમ ધ્રાંગધ્રા દોડી ગઇ હતી. પેંડા સહિતના આરોપીઓને પોલીસે ધ્રાંગધ્રાથી ઉઠાવી મારમારી શક્તિસિંહ ઉર્ફે પેંડો અને પ્રકાશ લુણાગરિયાની હત્યા કર્યાનો આક્ષેપ થયો હતો. પોલીસે અંગે ધ્રાંગધ્રાના નરસિંહનગરમાં જઇ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોના નિવેદન નોંધ્યા હતા. તમામે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, 31મીની રાત્રે રાજકોટ શહેર પોલીસના બે અધિકારી સહિત 4 થી 6 પોલીસમેન જુદી-જુદી બે કારમાં આવ્યા હતા અને પેંડા સહિતનાઓને ઉઠાવી ગયા હતા.

મૃતક પ્રકાશ લુણાગરિયાના પિતા દેવરાજભાઇ જેરામભાઇ લુણાગરિયાએ એડવોકેટ સંજય પંડિત મારફત અદાલતમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર, 2016ના રોજ ધ્રાંગ્રધ્રાના પોલીસ અધિકારી વી.આર. ચૌધરીએ દારૂની રેડ કરીને પુત્ર પ્રકાશ અને શક્તિ ઉર્ફે પેંડા સહિત 6થી 7 શખ્સને પક્ડયા હતા. જે પૈકી 1 કે 2 સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી બાકીના શખ્સોને રાજકોટ ક્રાઇમ બ્રાંચને સોંપી દીધા હતા. જેને ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યા હતા તેમાં પ્રકાશ લુણાગરિયા, શક્તિ ઉર્ફે પેંડો પ્રદીપસિંહ ઝાલા, કાદર નિયામતભાઇ મલેક, પ્રકાશ રણછોડભાઇ પરમાર, યુવરાજસિંહ લાલુભા ઝાલા હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલા શખ્સોને રાજકોટ લાવતા પહેલા ધ્રાંગધ્રામાં પણ માર મારી સરઘસ કાઢવામાં આવ્યાની માહિતી છે.

આ તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવતી ગઇ હતી અને શકિત ઉર્ફ પેંડો તથા પ્રકાશ પટેલના મોત થોરાળા પોલીસને બંનેને સોંપાયા બાદ થયાનું સ્પષ્ટ થઇ ગયું હતું. ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. કાનમીયાએ ગઇકાલે સ્ફોટક નિવેદન આપ્યું હતું કે પોતે અને પી.એસ.આઇ. કે. કે. જાડેજા સહિતની ટીમ બાતમી પરથી ધ્રાંગધ્રા ૩૧મી ડિસેમ્બરના રોજ ગયેલ અને ત્યાંથી સ્થાનિક પોલીસની મદદથી શકિત ઉર્ફ પેંડો, પ્રકાશ લુણાગરીયા સહિતને પકડીને રાજકોટ લાવી સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરી હતી. ત્યારબાદ આ શખ્સોને થોરાળા પોલીસને સોંપવામાં આવ્યા હતાં.

આ નિવેદનને અંતે આજે વહેલી સવારે થોરાળા પોલીસ મથકના પી.આઇ. એસ.એન. ગડુ, પી.એસ.આઇ. એસ.બી. સોલંકી, ત્રણ પોલીસમેન ચેતનસિંહ, અનિલસિંહ અને હિતેષની ધરપકડ કરી લેવામાં આવ્યાનું તપાસનીશ એસીપી એમ. જે. સોલંકીએ જણાવ્યું હતું.

શકિત ઉર્ફ પેડો ધ્રાંગ્રધામાં તેના સાગ્રીત પ્રકાશ લુણાગરીયા સાથે હોવાની અને આ બંને ધ્રાંગધ્રામાં મહાવીરસિંહ ઝાલાના ઘરમાં હોવાની પાક્કી બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચની ટૂકડી ધ્રાંગધ્રા પહોંચી હતી અને ત્યાંથી શકિત ઉર્ફ પેંડો તથા પ્રકાશ લુણાગરીયા, પ્રકાશ પરમાર, કાદર મલેક અને યુવરાજસિંહ ઝાલાને પકડી લાવી હતી.

શકિત ઉર્ફ પેંડાએ થોરાળા વિસ્તારમાં થયેલી કેટલીક લૂંટોમાં ભાગ ભજવ્યો હોવાની શંકાએ બાદમાં સુચના મુજબ આ પાંચેયને થોરાળા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યા હતાં. થોરાળા પોલીસે આ શખ્સોને લઇ બહાર તપાસના કામે લઇ ગઇ ત્યારે શકિત ઉર્ફ પેડો અને પ્રકાશ લુણાગરીયાએ ભાગવાનો પ્રયાસ કરતાં તેને માર માર્યો હોવાનું હાલ એસીપી સોલંકી અને ટીમની તપાસમાં બહાર આવી રહ્યું છે. વિશેષ વિગતો હવે જાહેર થશે. પી.આઇ., પી.એસ.આઇ. અને ત્રણ પોલીસમેનની ડબલ મર્ડરમાં ધરપકડ થતાં રાજકોટ સહિત રાજ્યભરના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS