Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાજકોટ- રાજકોટના પાટીયાળા ગામે બાળ લગ્ન થવાના હોવાની બાતમી રાજકોટના સમાજ સુરક્ષા વિભાગને મળી હતી. જેથી સમાજ સુરક્ષા અધિકારી સહિતની ટીમ પાટીયાળા ગામે પહોંચી હતી, જ્યાં તપાસ દરમિયાન જાનૈયા અને કન્યા પક્ષના લોકોએ વરરાજા અને કન્યાને સંતાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પરંતુ સમાજ સુરક્ષા વિભાગની સતર્કતાને કારણે  ત્રણ બાળ લગ્ન અટકાવવામાં આવ્યાં હતાં. જેમાં કુચીયાદળના રહીશ ગોવિંદભાઇ મકવાણાના બાળ પુત્ર, પાટીયાળાના રહીશ મનસુખભાઈ ચાવડાની બાળ પુત્રી અને પાટીયાળા ગામના જ રહીશ નંદરામભાઇ ગોંડલીયાની બાળ પુત્રીના લગ્ન થવાના હતાં. જો કે સમાજ સુરક્ષા વિભાગે આ બાળ લગ્ન થતા અટકાવી દીધા હતાં.

ઉલ્લેખનીય છે કે, દર વખતે સમાજ સુરક્ષા વિભાગની ટીમ બાળ લગ્ન અટકાવવા જાય ત્યારે બાળકોના માતા-પિતા અને પરિવારજનો દ્વારા બાળ પુત્ર કે બાળ પુત્રીને સંતાડી દેવામાં આવે છે. અને તપાસ દરમિયાન અન્ય યુવતીને મિંઢળ બાંધી બેસાડી દેવામાં આવે છે. આ સાથે જ જન્મ તારીખના દાખલાઓમાં પણ છેડછાડ કરવામાં આવે છે. છાને ખૂણે અનેક જગ્યાએ બાળ લગ્નો થતાં હોય છે. પરંતુ લોકોની જાગૃતતાના અભાવે ભણવાની અને ખેલકૂદની ઉંમરે પરાણે બાળ લગ્ન કરાવી દેવામાં આવે છે. જો કે, આ સમસ્યા ત્યારે જ દૂર થશે જ્યારે સમાજમાં જાગૃતિ આવશે અને બાળ લગ્નનું દુષણ દૂર થશે.

રાજકોટ સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાએ chitralekha.com ને જણાવ્યું હતું કે, રાજકોટ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસમાં 16 બાળ લગ્ન અટકાવવામાં આવ્યાં છે. અને આ આંકડો રાજ્યમાં સૌથી વધુ માનવામાં આવે છે. લોકો જાગૃતિ દાખવી બાળ લગ્ન થતાં હોય તો સમાજ સુરક્ષા વિભાગને જાણ કરી અટકાવી શકે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS