Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- આમ આદમી પક્ષના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પાછલા કેટલાક વખતથી દાવો કરતા આવ્યા છે કે પંજાબ અને ગોવામાં ચૂંટણી લડવા માટે પોતાની પાસે જરૂરી ફંડ પણ નથી. જોકે, પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવેલ એફિડેવિટ કંઈક અલગ જ કહી રહ્યું છે. ચૂંટણી પંચને આપેલ માહિતી પ્રમાણે પક્ષને નાણાકીય વર્ષ 2012-13થી લઈને 2014-15 દરમિયાન 110.06 કરોડનું ડોનેશન મળ્યું છે.

ઈમાનદાર પાર્ટીની છાપ ઉભી કરવા મથતા કેજરીવાલનું આ જુઠ્ઠાણું સામે આવતા વિરોધ પક્ષો ભાજપ અને કોંગ્રેસના હાથે એક મુદ્દો લાગી ગયો છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ અને પંજાબ ઇલેક્શન વૉચ જેવા બિનરાજકીય સંગઠનોના રિપોર્ટ દ્વારા સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટીએ પંજાબમાં કોંગ્રેસ તથા ભાજપ કરતા પણ વધુ ફંડ મેળવ્યું છે.

એનાલિસિસ ઓફ ઇન્કમ ટેક્સ રિટર્ન્સ એન્ડ ડોનેશન્સ રિસીવ્ડ બાય નેશનલ એન્ડ રીજનલ પાર્ટીઝ ઓફ પંજાબ નામના આ અહેવાલમાં જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2013-14 અને 2014-15માં સૌથી વધુ ફંડ મેળવવાવાળી પાર્ટીમાં આપ બીજા નંબરે છે. જ્યારે પહેલા નંબરે શિરોમણી અકાલી દળ છે. જ્યારે ભાજપ ડોનેશનના મુદ્દે આપ કરતા પાછળ રહી ગયું છે. તો કોંગ્રેસને એક પણ રૂપિયાનું ડોનેશન પંજાબમાંથી મળ્યું નથી.

તાજેતરમાં ગોવા ખાતે ચૂંટણી પ્રચાર માટે ગયેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ‘અમારી પાસે ચૂંટણી લડવા એક પણ પૈસો નથી. અમારા બેંક એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી છે. 2 વર્ષ દિલ્હીમાં રાજ ચાલાવ્યા બાદ અમારી પાસે પણ પૈસા બની શકતા હતા. પરંતુ અમે કોઈપણ પ્રકારે ઈમાનદારીને વળગી રહેવાનું નક્કી કર્યું છે અને અમારી પાસે હાલ ચૂંટણી લડવા જેટલા પણ પૈસા નથી.’ આમ કેજરીવાલની કથની અને તેને ચૂંટણી પંચને સોંપેલા ડોક્યુમેન્ટમાં જમીન-આસમાનનો ફેર દેખાઈ રહ્યો છે. ત્યારે સતત ઈમાનદાર પાર્ટી હોવાનું જાહેર કરતા કેજરીવાલના દરેક દાવાઓની સત્યતા પ્રત્યે શંકા ઉભી થવી સ્વાભાવીક જ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS