Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પુણે – રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ ટીમે આજે અહીં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે આઈપીએલ-10ની લીગ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને 9-વિકેટથી કચડી નાખીને અંતિમ-4 વર્ગ (પ્લે-ઓફ્સ)માં સ્થાન મેળવી લીધું છે.

પુણે ટીમની આ જીત મુખ્યત્વે તેના બોલરોના ઉત્કૃષ્ટ દેખાવને કારણે મળી હતી. બાદમાં ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ 74 રનના ટાર્ગેટને માત્ર એક જ વિકેટના ભોગે ચેઝ કરી બતાવ્યો હતો.

પુણે ટીમે 14 મેચોમાં 18 પોઈન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ્સ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. એણે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમને ચોથા સ્થાને ધકેલી દીધી છે, જેના 16 પોઈન્ટ્સ છે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 20 પોઈન્ટ્સ સાથે પહેલા નંબરે છે. 17 પોઈન્ટ્સ સાથે ગયા વર્ષની વિજેતા ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ ત્રીજા સ્થાને છે.

પંજાબની ટીમ 15.5 ઓવરમાં માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પુણેના ઓપનરો અજિંક્ય રહાણે (34 નોટઆઉટ) અને રાહુલ ત્રિપાઠી (28)એ 41 રનની ભાગીદારી કરી હતી. ત્રિપાઠીની વિકેટ પડ્યા બાદ કેપ્ટન સ્ટીવ સ્મીથ 15 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ટોસ હારી જતાં પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ પંજાબ માત્ર 73 રન કરી શક્યું હતું જેમાં અક્ષર પટેલ 22 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. માર્ટીન ગપ્ટીલ દાવના પહેલા જ બોલમાં આઉટ થયો હતો. એવી જ રીતે, કેપ્ટન ગ્લેન મેક્સવેલ પણ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો.

પુણેના શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે ઉનડકટ, એડમ ઝમ્પા અને ક્રિસ્ટીયને 2-2 બેટ્સમેનને આઉટ કર્યા હતા.

મહેન્દ્ર સિંહ ધોનીવાળી ટીમે આઈપીએલની 10માંથી 9 સીઝનમાં અંતિમ-4 ટીમના તબક્કામાં પ્રવેશ કર્યો છે. પહેલી આઠ મોસમ વખતે એ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં કેપ્ટન હતો. આ વખતે એ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટમાં છે.

                          પ્લે-ઓફ્સમાં કોણ કોની સામે રમશે?

 16 મે – ક્વોલિફાયર 1 – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ – વાનખેડે (મુંબઈ)

17 મે – એલિમિનેટર – સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ – ચિન્નાસ્વામી સ્ટેડિયમ (બેંગલુરુ)

19 મે – ક્વોલિફાયર 2 – ક્વોલિફાયર 1ની હારેલી ટીમ વિરુદ્ધ એલિમિનેટરની વિજેતા ટીમ વચ્ચે – બેંગલુરુ

21 મે – ફાઈનલ મેચ – ક્વોલિફાયર 1ની વિજેતા વિરુદ્ધ ક્વોલિફાયર 2ની વિજેતા ટીમ વચ્ચે – હૈદરાબાદ (રાજીવ ગાંધી સ્ટેડિયમ)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS