Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – દેશના 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. પ્રણવ મુખરજીના અનુગામી બનવા માટે શાસક પક્ષ એનડીએ તરફથી રામનાથ કોવિંદ ઉમેદવાર છે, જ્યારે મીરા કુમાર વિરોધ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

સંસદમાં શાસક ભાજપની બહુમતી છે અને દેશમાં ઘણી વિધાનસભાઓમાં પણ ભાજપ તથા મિત્ર પક્ષોનું શાસન છે એટલે મતોની સંખ્યાની દ્રષ્ટિએ ભાજપ-એનડીએનાં ઉમેદવાર કોવિંદની જીત નિશ્ચિત જણાય છે. કોવિંદને 40 પાર્ટીઓનાં સભ્યોનાં સમર્થનનો વિશ્વાસ છે.  કોવિંદ અને મીરા કુમાર બંને દલિત સમુદાયનાં છે.

ચૂંટણી માટે આજના મતદાનમાં દેશના સંસદસભ્યો અને વિધાનસભ્યો ભાગ લઈ શકશે. પરંતુ  મતદાન વખતે પોતાની ઉમેદવારને પસંદ કરવા માટે એમને પોતાની પેનનો ઉપયોગ કરવા દેવામાં નહીં આવે. એ માટે તેમને ખાસ બનાવવામાં આવેલા રાઈટિંગ ઈન્સ્ટ્રૂમેન્ટ આપવામાં આવશે.

સાંસદો અને વિધાનસભ્યો સવારે 10 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન કરી શકશે.

જે કોઈ સભ્ય પોતાની પેનનો ઉપયોગ કરશે એમનો મત ગેરલાયક ઠેરવવામાં આવશે, એવી ચૂંટણી પંચે જાહેરાત કરી છે.

એનડીએ ઉમેદવારઃ રામનાથ કોવિંદ

સભ્ય સંસદભવન અને રાજ્ય વિધાનસભાઓમાં વોટિંગ ચેમ્બરમાં પ્રવેશ કરશે એ પહેલા એમને દરેકને વાયોલેટ રંગની શાહીવાળી પેન આપવામાં આવશે જેમાં એક યૂનિક સિરિયલ નંબર હશે.

કુલ મતદારોના મતોની કુલ વેલ્યૂ 10,98,903 છે. આમાંથી 50 ટકાથી એક વોટ વધારે હાંસલ કરે એ ઉમેદવાર વિજેતા બને. રામનાથ કોવિંદ 63 ટકા મત મેળવશે એ નક્કી છે.

મતદાન પ્રક્રિયા…

દેશભરના સંસદસભ્યો તથા વિધાનસભ્યો રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વોટિંગ કરશે.

આ ચૂંટણીના મતદાનની પ્રક્રિયા અઘરી છે, તે સમજવી જરૂરી છે…

લોકસભાનાં સાંસદ – કુલ 543, તમામ સભ્યો વોટ આપી શકશે

રાજ્યસભાનાં સાંસદ – કુલ 233, 231 સભ્યો વોટ આપી શકશે

31 વિધાનસભાઓ – કુલ 4,120 સભ્યો છે, એમાંથી 4,077 જણ વોટ આપી શકશે

આ પ્રમાણે હોય છે વોટની વેલ્યૂ…

રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં નખાતા વોટની વેલ્યૂ નક્કી કરાતી હોય છે. એમાં જે તે રાજ્યની વસ્તી ભાગ ભજવે છે. સંસદસભ્યો તથા વિધાનસભ્યોના વોટની વેલ્યૂ નક્કી કરવા અલગ અલગ ફોર્મ્યૂલાનો ઉપયોગ કરાય છે.

વિધાનસભ્યોઃ એમના વોટની વેલ્યૂ નક્કી કરવા માટે કુલ વિધાનસભ્યોની સંખ્યામાં 1000 મલ્ટીપ્લાય કરાય છે. પછી એમાંથી રાજ્યની 1971માં રહેલી કુલ વસ્તીના આંકને ડિવાઈડ કરવામાં આવે છે.

દેશભરના વિધાનસભ્યોના વોટની કુલ વેલ્યૂ 5,43,218 છે.

સંસદસભ્યોઃ એમના વોટની વેલ્યૂ નક્કી કરવા માટે તમામ વિધાનસભ્યોના વોટની વેલ્યૂને સંસદસભ્યોની સંખ્યાથી ડિવાઈડ કરવામાં આવે છે. એટલે કે વિધાનસભ્યોના મતોની ટોટલ વેલ્યૂ 5,43,218ને 776થી ડિવાઈડ કરાશે.

પ્રત્યેક સાંસદની વોટ વેલ્યૂ 708 આવશે.

લોકસભામાં 543 સાંસદો વોટિંગ કરવા માટે પાત્ર છે. પ્રત્યેક સાંસદની વોટ વેલ્યૂ 708 છે. એટલે તમામ સાંસદોની કુલ વોટ વેલ્યૂ 543×708= 3,84,444  થશે.

રાજ્ય સભામાં, 233 સભ્યો છે, પણ 2 સભ્ય વોટિંગ કરી નહીં શકે. તેથી 231 સભ્યો મતદાન માટે પાત્ર છે. અહીં દરેક સભ્યની વોટ વેલ્યૂ 708 છે. તેથી તમામ સભ્યોની કુલ વોટ વેલ્યૂ 231×708= 1,63,548 થશે.

દેશની કુલ 31 વિધાનસભાઓના 4120 વિધાનસભ્યો છે, પણ એમાંથી અમુક રાજ્યોના વિધાનસભ્યોને અયોગ્ય જાહેર કરાયા હોવાથી 4076 સભ્યો વોટિંગ કરી શકશે. દરેક રાજ્યમાં એમની વોટિંગ વેલ્યૂ અલગ અલગ છે.

તમામ વિધાનસભ્યોની કુલ વોટ વેલ્યૂ 5,43,218 છે.

રાજ્યસભાના 12 નોમિનેટેડ સભ્યો તથા લોકસભાના બે એંગ્લો-ઈન્ડિયન કમ્યુનિટીના નોમિનેટેડ સભ્યો પણ વોટ આપી નહીં શકે.

રાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારે તમામ સાંસદો અને વિધાનસભ્યોની કુલ વોટ વેલ્યૂના 50 ટકાથી એક વોટ વધારે મળે એ જરૂરી છે.

કુલ વોટ વેલ્યૂ થશે – 3,84,444+1,63,548+5,43,218= 10,91,210 .

મતલબ કે રાષ્ટ્રપતિ બનવા માટે 10,91,210/2+1= 5,45,606 વોટ વેલ્યૂની જરૂર રહેશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS