Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – મહાનગરના રસ્તાઓ પર ઠેરઠેર પડેલા ખાડાની મુંબઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને મુંબઈ મહાનગરપાલિકાની આ મામલે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે મહાપાલિકા શાસનને જણાવ્યું છે કે રસ્તાઓનું સમારકામ કરાવવાની અને રસ્તાઓની જાળવણી કરવાની તમારી જવાબદારી છે.

હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈને જણાવ્યું કે આ વખતના ચોમાસામાં રસ્તાઓ પરના ખાડાઓને કારણે 25 જણનાં જાન ગુમાઈ ગયા છે, હજી કેટલાનાં જાન જાય એવું તમે ઈચ્છો છો?

મુખ્ય ન્યાયમૂર્તિ મંજુલા ચેલ્લુર અને ન્યાયમૂર્તિ એન.એમ. જામદારની બનેલી વિભાગીય બેન્ચે મુંબઈના રસ્તાઓની કંગાળ હાલત તથા દરેક વર્ષના ચોમાસામાં રસ્તાઓના ખાડા પૂરવામાં મુંબઈ મહાપાલિકાની નિષ્ફળતા અંગે ફરિયાદ કરતી એક જનહિતની અરજી ઉપર સુઓ મોટો (પોતાની રીતે) સુનાવણી હાથ ધરી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ ચેલ્લુરે મહાપાલિકાને કહ્યું કે, અમે વાંચ્યું છે કે આ વર્ષના ચોમાસામાં રસ્તાઓ પરનાં ખાડાઓને કારણે 25 જણે જાન ગુમાવ્યા છે. નવું ચોમાસું આવે એ પહેલાં તમે હજી કેટલા લોકોને મારી નાખવા માગો છો? રસ્તાઓની હાલત ખરાબ છે. અમે જરાય સંતુષ્ટ નથી.

મહાનગરપાલિકાનાં ધારાશાસ્ત્રી અનિલ સખારેએ કોર્ટને જણાવ્યું હતું કે, રસ્તાઓ પરના ખાડા સંબંધિત અમને 500થી વધારે ફરિયાદો મળી છે. ત્યારે ન્યાયાધીશે ટોણો માર્યો કે તમે કેટલી ફરિયાદોનો નિકાલ કર્યો એની સાથે અમને કંઈ લેવાદેવા નથી. અમે ઈચ્છીએ છીએ કે રસ્તાઓનું યોગ્ય રીતે સમારકામ થાય અને એની જાળવણી કરાય. આ તેની જવાબદારી બને છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS