Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – પેટીએમ કંપની 23 મેથી એની પેમેન્ટ્સ બેન્ક કામગીરી શરૂ કરવાની છે. એને આ માટે ભારતીય રીઝર્વ બેન્ક તરફથી અંતિમ મંજૂરી મળી ગઈ છે.

પેટીએમે એક પબ્લિક નોટિસમાં જણાવ્યું છે કે, ‘પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (પીપીબીએલ)ને આરબીઆઈ તરફથી ફાઈનલ લાઈસન્સ મળી ગયું છે અને તે આ વર્ષની 23 મેથી એની કામગીરી શરૂ કરશે.’

21 કરોડ 18 લાખ મોબાઈલ વોલેટ યૂઝર્સ ધરાવનાર કંપની પોતાનો વોલેટ બિઝનેસ નવી કંપની પીપીબીએલમાં ટ્રાન્સફર કરી દેશે. બેન્ક લાઈસન્સ પેટીએમની માલિકી ધરાવનાર One97 કમ્યુનિકેશન્સ કંપનીના સ્થાપક ભારતીય રેસિડન્ટ વિજય શેખર શર્માને આપવામાં આવ્યું છે.

23 મે બાદ પેટીએમ વોલેટ પીપીબીએલમાં શિફ્ટ થશે. જે ગ્રાહકો પીપીબીએલમાં જોડાવા માગતા ન હોય એમણે પેટીએમને જાણ કરવાની રહેશે. ગ્રાહક તરફથી વિગત મળી ગયા બાદ પેટીએમ ગ્રાહકનું વોલેટ બેલેન્સ એના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે. આ પ્રકારની જાણ ગ્રાહકે 23 મે પહેલા કરવાની રહેશે.

ધારો કે છેલ્લા છ મહિનામાં કોઈ પ્રવૃત્તિ થઈ ન હોવાથી વોલેટ નિષ્ક્રિય થઈ ગયું હશે તો વોલેટનું પીપીબીએલમાં ટ્રાન્સફર ગ્રાહક તરફથી ચોક્કસ સહમતી મળ્યા બાદ જ થઈ શકશે.

પેમેન્ટ્સ બેન્ક વ્યક્તિઓ અને લઘુ ઉદ્યોગગૃહો પાસેથી પ્રતિ એકાઉન્ટ રૂ. 1 લાખ સુધીની ડિપોઝીટ સ્વીકારી શકશે.

પેટીએમે અગાઉ જાહેરાત કરી હતી કે તે ગયા વર્ષના દિવાળીની આસપાસ એની બેન્કિંગ કામગીરી શરૂ કરશે. 2015માં રીઝર્વ બેન્કે વિજય શેખર શર્માને પેમેન્ટ્સ બેન્ક શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

ગહન નાણાકીય સમાવેશના ઉદ્દેશ્ય સાથે રીઝર્વ બેન્કે લઘુ ફાઈનાન્સ બેન્ક્સ અને પેમેન્ટ્સ બેન્ક્સને બેન્કિંગ કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. એણે 11 પેમેન્ટ્સ બેન્ક્સ સહિત કુલ 21 જણને ગયા વર્ષે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. પરંતુ એમાંથી ટેક મહિન્દ્રા, ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની તથા દિલીપ સંઘવી, આઈડીએફસી બેન્ક અને ટેલીનોર ફાઈનાન્સિયલ સર્વિસીસનું સમૂહ પેમેન્ટ્સ બેન્ક લાઈસન્સ મેળવવાની રેસમાંથી હટી ગયા હતા.

એરટેલ, ઈન્ડિયા પોસ્ટે પેમેન્ટ્સ બેન્ક કામગીરી શરૂ કરી દીધી છે. આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેન્ક આ વર્ષના પ્રથમ હાફમાં બેન્કિંગ સેવા શરૂ કરે એવી ધારણા છે.

પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં વિજય શેખર શર્માનો બહુમતી હિસ્સો છે. અન્ય હિસ્સો અલીબાબાના સમર્થનવાળી One97 કમ્યુનિકેશન્સ કંપનીનો છે. તે છતાં ચીનની અલીબાબા કંપનીનું પેમેન્ટ્સ બેન્કમાં કોઈ ડાયરેક્ટ શેરહોલ્ડિંગ નહીં હોય.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS