Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર– રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં રાજ્યની ભારે વરસાદની સ્થિતિ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૧ તાલુકામાં ૧૨૫ મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ચોટીલામાં સૌથી વધુ ૪૫૦ મી.મી. અને ટંકારામાં ૩૪૦ મી.મી. વરસાદ નોંધાયો છે.

આજ સાંજ સુધીમાં ૨૧૦ મી.મી. એટલે કે ૩૩.૪૦ ટકા એટલે કે સરેરાશ વરસાદના ત્રીજા ભાગનો વરસાદ વરસી ગયો છે. જેનાથી રાજ્યમાં પીવાના પાણી અને કૃષિ માટે પાણીની ઉપલબ્ધિ સરળ બની ગઇ છે.એક પણ તાલુકો એવો નથી જ્યાં વરસાદ ન પડ્યો હોય.

ભારે વરસાદને પગલે વીજળી પડવાથી બે વ્યક્તિના અને દીવાલ પડવાથી એક વ્યક્તિ મળી કુલ ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ટંકારામાંથી ૧૩૨૦, મચ્છુ કિનારેથી ૨૫૦ જેટલા મળી ૧૫૦૦ થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. જોડિયા ગામના પાદરમાં વહેતી નદીના પટમાંથી ૪૭ લોકોને બચાવી લેવાયા છે.  વાંકાનેર નજીકના રાતીદેવડી ગામેથી પાણીમાં ફસાયેલા ૫૦ લોકોને, લોધિકામાંથી એક વ્યક્તિને, સુરેન્દ્રનગરમાંથી બે વ્યક્તિને પણ સાર્વજનિક વહિવટીતંત્ર અને એનડીઆરએફ, ફાયરબ્રિગેડ, પોલીસ જવાનોએ મળીને બચાવ્યા છે. વાંકાનેર નજીક ભારે પાણીમાં ફસાયેલી કારમાંથી બે વ્યક્તિને બચાવવામાં આવી છે. ભારે વરસાદના પગલે ટંકારા-મોરબી પંથકમાંથી ફસાયેલાં ૧૦૦ થી વધુ લોકોને બચાવી સલામત સ્થળે ખસેડાયા છે.

રાજ્યમાં સૂરત, વલસાડ, પાલનપુર, રાજકોટ અને ગાંધીનગર ખાતે એનડીઆરએફની એક-એક ટુકડીને મોકલાઇ છે. જ્યારે અન્ય પાંચ ટુકડીને રીઝર્વ રખાઇ છે.

 

૭ જિલ્લાના ૧૨૪ ગામોમાં બંધ પડેલ વીજ પુરવઠો સાંજ સુધીમાં કાર્યરત કરવા તંત્ર દ્વારા સઘળી કામગીરી હાથ ધરાઇ છે. આજ રીતે બનાસકાંઠાના ધાનેરા-થરાદ-વાવનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત રાજ્ય ધોરીમાર્ગ અને સ્થાનિક કેટલા રસ્તા મળી કુલ ૩૧ બંધ પડેલા રસ્તામાં ડાયવર્ઝન કામગીરી કરવી અને રસ્તા ઝડપથી ચાલુ કરવા તંત્ર કામે લાગ્યું છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે ઉત્તરગુજરાતના ત્રણ અને સૌરાષ્ટ્રના ૧૦ મળી કુલ ૧૩ ડેમ ઓવરફલો થયા છે.પ્રત્યેક જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જેના નંબર ૧૦૭૭ રહેશે. આ નંબર ઉપર કોઇ પણ સમયે ફોન કરી પરિસ્થિતિની જાણ કરી શકાય છે કે મદદની માગણી કરી શકાય છે.

 

પૂરની સ્થિતિમાં સેલ્ફી લેવાનું ટાળજો : તણાઇ જવાનો ભય

ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક નદીઓમાં પૂર આવ્યાં છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી વેગમાં વહી રહ્યાં છે. આવા સંજોગોમાં નદીકિનારે પૂર જોવા જવાનું ટાળવું એટલું જ નહીં પુરની કે ઝડપથી વહેતા પાણી નજીક જઇ મોબાઇલ ફોન દ્વારા સેલ્ફી લેવાનું ટાળવું. કારણ કે, અતિ ઝડપીપ્રવાહને કારણે પાણીમાં તણાઇ જવાનું સૌથી મોટું જોખમ રહેલું હોય છે. આ કારણે પૂરની સ્થિતિમાં સેલ્ફી નહીં લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS