Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page


મુંબઈ – હિન્દી ફિલ્મોના વરિષ્ઠ ચરિત્ર અભિનેતા ઓમ પુરીનું હૃદયરોગના હુમલાને કારણે આજે અહીં નિધન થયું છે.

તેઓ 66 વર્ષના હતા.

100થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર ઓમ પુરીનું આજે સવારે અંધેરીસ્થિત એમના નિવાસસ્થાને નિધન થયું હતું.

ઓમ પુરીના નિધનના સમાચારથી સમગ્ર બોલીવૂડ શોકમગ્ન થઈ ગયું છે.

તેમના અવસાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

ઓમ પુરીએ 1993માં નંદિતા પુરી સાથે લગ્ન કર્યા હતા, પણ બંને જણ 2013માં અલગ થયા હતા. એમને એક પુત્ર છે – ઈશાન.

સાંજે 6 વાગ્યે પુરીના પાર્થિવ શરીરને એમ્બ્યૂલન્સ દ્વારા એમના નિવાસેથી સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યું હતું. નંદિતા પુરી અને ઈશાન સાથે જ સ્મશાનભૂમિ ખાતે પહોંચ્યા હતા.

ઓમ પુરીના અંતિમ સંસ્કાર સાંજે 6.45 વાગ્યે ઓશિવરા સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. ઈશાને એમને અગ્નિદાહ આપ્યો હતો.

ઓમ પુરી છેલ્લે પાકિસ્તાની ફિલ્મ ‘એક્ટર ઈન લૉ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી.

1950ની 18 ઓક્ટોબરે જન્મેલા અને પદ્મશ્રી એવોર્ડવિજેતા ઓમ પુરીએ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તથા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનયકળાનો અભ્યાસ કર્યો હતો.

પુરી હરિયાણાના અંબાલાના વતની હતા. એમણે 1976માં મરાઠી ફિલ્મ ‘ઘાશીરામ કોટવાલ’થી અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. હિન્દી ફિલ્મ જગતમાં એમણે ‘ભૂમિકા’, ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ’, ‘આક્રોશ’, ‘ભવની ભવાઈ’, ‘આરોહણ’ જેવી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી, પણ 1983માં ‘અર્ધસત્ય’ ફિલ્મે એમની લોકપ્રિયતામાં ખૂબ વધારો કરી દીધો હતો. એમાં તેઓ એક આક્રમક પોલીસ ઈન્સ્પેક્ટરના રોલમાં છવાઈ ગયા હતા.

એમની અન્ય જાણીતી ફિલ્મો છે – ધારાવી, મિર્ચ મસાલા, જાને ભી દો યારોં, ચાચી 420, હેરા ફેરી, માલામાલ વીક્લી, ચાઈના ગેટ, ઓહ માય ગોડ વગેરે. એમણે ટીવીના પડદા ઉપર પણ ચમક્યા હતા અને કાકાજી કહીન, મિસ્ટર યોગી જેવા શૉમાં એક્ટિંગ કરી હતી. ટીવી ફિલ્મ ‘તમસ’માં કરેલી ભૂમિકા બદલ એમની વ્યાપક પ્રશંસા થઈ હતી.

એમણે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ બે વાર જીત્યો હતો. એક, 1982માં ‘આરોહણ’ ફિલ્મ માટે અને બીજો, 1984માં ‘અર્ધ સત્ય’ ફિલ્મ માટે.

શશી કપૂર, અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર, શ્યામ બેનેગલ, વિદ્યા બાલન, શબાના આઝમી, ઈરફાન ખાન, ગુલઝાર, શક્તિ કપૂર, પ્રકાશ ઝા, સતિષ કૌશિક, રણવીર શૌરી, અભિષેક ચૌબે, રાહુલ ધોળકીયા, મનોજ બાજપેયી, કેતન મહેતા, નવાઝુદ્દીન સિદ્દિકી, પંકજ કપૂર, રમેશ સિપ્પી વગેરે જેવી બોલીવૂડ હસ્તીઓએ ઓમ પુરીના નિવાસસ્થાને જઈને અંતિમ દર્શન કર્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS