Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પ્યોંગપ્યાંગ- વિશ્વના 150 દેશોમાં આશરે 3 લાખથી વધુ કોમ્પ્યુટર્સને પ્રભાવિત કરનારા રેન્સમવેર વાનાક્રાઈ વાઈરસ માટે ઉત્તર કોરિયા જવાબદાર હોવાનું સાયબર નિષ્ણાતોનું માનવું છે. સાયબર સુરક્ષા સાથે જોડાયેલા શોધકર્તાઓને આ અંગેના પુરાવાઓ પણ મળ્યા છે. જેથી નિષ્ણાતોની શંકા હવે વાસ્તવિકતામાં પરિણમી રહી છે કે, રેન્સમવેર એટેક માટે ઉત્તર કોરિયા જવાબદાર છે.

સાઈમનટેક અને કેસ્પરસ્કાઈ લેબોરેટરીએ જણાવ્યું કે, વાનાક્રાઈ સોફ્ટવેરના પહેલાના વર્ઝનમાં જે પ્રકારની કોડિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેના કેટલાક કોડને લેજરસ ગ્રુપે પણ પોતાના પ્રોગ્રામમાં ઉપયોગ કર્યો હતો. વિશ્વના અનેક સાયબર નિષ્ણાતોનું માનવું છે કે, લેજરસ એ હકીકતમાં ઉત્તર કોરિયાનું હેકિંગ ઓપરેશન છે.

કેસ્પરસ્કાઈના એક શોધકર્તાએ સમાચાર એજન્સી રોયટર્સને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, વાનાક્રાય ક્યાંથી આવ્યો અને આ વાયરસને કોણે બનાવ્યો તે જાણવા માટે લેજરસને ડિકોડ કર્યા બાદ મહત્વનો પુરાવો હાથ લાગી શકે છે. તેમ છતાં સાઈમનટેક અને કેસ્પરસ્કાઈ એમ બન્ને કંપનીઓનું માનવું છે કે, રેન્સમવેરના એટેક માટે ઉત્તર કોરિયાને જવાબદાર માનવું ઉતાવળભર્યો નિર્ણય હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગૂગલના સિક્યોરિટી રીસર્ચર નીલ મહેતાએ પણ રેન્સમવેર સાથે જોડાયેલા કેટલાક પુરાવાઓ ટ્વીટર પર શેર કર્યા હતા.

શુક્રવારે વિશ્વના કોમ્પ્યુટર્સ પર થયેલો રેન્સમવેરનો એટેક સોમવારે અપેક્ષાકૃત ધીમો પડી ગયો હતો. તેમ છતાં વાનાક્રાય ક્યાંથી આવ્યો અને આ વાયરસને કોણે બનાવ્યો તે જાણવા માટે વિશ્વના સાયબર સુરક્ષા નિષ્ણાતો શોધ કરવામાં લાગી ગયાં છે. વોશિંગટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારે જણાવ્યું કે, વાનાક્રાયના એટેક પાછળ વિદેશી તાકાત કામ કરી રહી છે તે ચોક્કસ વાત છે. પરંતુ તે કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ સાઈમનટેક અને કેસ્પરસ્કાઈ લેબોરેટરીએ જણાવ્યું કે, વાનાક્રાયની કોડિંગ સિસ્ટમ જાણવા તેને વધારે સમયની જરુર છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS