Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – આજે જાહેર કરવામાં આવેલા 64મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ‘રુસ્તમ’ ફિલ્મમાં દેશભક્ત નેવી ઓફિસરની ભૂમિકા ભજવનાર બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ જીત્યો છે જ્યારે મરાઠી ફિલ્મ ‘કાસવ’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ ઘોષિત કરવામાં આવી છે.

વિવિધ ભાષાઓની ફિલ્મો માટે જુદી જુદી કેટેગરીઓમાં આ એવોર્ડ આપવામાં આવ્યા છે. હિન્દી ફિલ્મો ‘પિન્ક’, ‘નીરજા’ અને ‘દંગલ’ મહત્વની કેટેગરીઓમાં છવાઈ ગઈ છે.

ટીનુ સુરેશ દેસાઈ દ્વારા દિગ્દર્શિત કોર્ટરૂમ ડ્રામા ‘રુસ્તમ’ 1959ના બહુચર્ચિત નાણાવટી મર્ડર કેસ પર આધારિત છે.

49 વર્ષીય અક્ષય કુમારે આ એવોર્ડ મળ્યા બાદ પોતાને અભિનંદન આપનાર સહુનો ટ્વિટર પર એક વિડિયો મેસેજ દ્વારા આભાર માન્યો છે.

રામ માધવાની દિગ્દર્શિત ‘નીરજા’ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ ઘોષિત કરવામાં આવી છે. આ ફિલ્મ 1986ની સાલમાં વિમાન અપહરણની ઘટના વિશેની છે, જે દરમિયાન ફ્લાઈટ એટેન્ડન્ટ નીરજા ભનોટ પ્રવાસીઓને ઉગારવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ત્રાસવાદીઓએ એને ઠાર કરી હતી.

અમિતાભ બચ્ચન અભિનીત કોર્ટરૂમ ડ્રામા ‘પિન્ક’ ફિલ્મે સામાજિક પ્રશ્નો અંગેની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે.

‘પિન્ક’ના નિર્માતા સુજિત સરકારે આ એવોર્ડ એમની ટીમ તથા અમિતાભ બચ્ચનને અર્પણ કર્યો છે અને કહ્યું છે કે અમિતાભના સહયોગ વિના આ ફિલ્મ બનાવવાનું શક્ય બન્યું ન હોત.

એવોર્ડ જ્યૂરીએ મલયાલમ ફિલ્મની અભિનેત્રી સુરભી સી.એમ.ને શ્રેષ્ઠ અભિનેત્રી ઘોષિત કરી છે.

‘ધનક’ બેસ્ટ ચિલ્ડ્રન્સ ફિલ્મ તરીકે પસંદગી પામી છે.

ડીપ્રેશન બીમારી પર આધારિત મરાઠી ફિલ્મ ‘કાસવ’ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ લઈ ગઈ છે. ફિલ્મના સહ-દિગ્દર્શક સુનીલ સુકથનકરનું કહેવું છે આ એવોર્ડ મળવાથી મરાઠી સિનેમાને મોટું બળ પ્રાપ્ત થશે.

એક અન્ય મરાઠી ફિલ્મ ‘વેન્ટીલેટર’ પણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ચમકી છે. રાજેશ માપુસકરે આ ફિલ્મ માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ જીત્યો છે. બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેની માતા મધુ આ ફિલ્મનાં નિર્માત્રીઓ છે.

‘વેન્ટીલેટર’ ફિલ્મે બેસ્ટ એડિટિંગ અને બેસ્ટ ફાઈનલ મિક્સ્ડ ટ્રેક એવોર્ડ પણ જીત્યા છે.

શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ તરીકે ‘દશક્રિયા’ને ઘોષિત કરવામાં આવી છે, જ્યારે તેના અભિનેતા મનોજ જોશીને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS