Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page


મુંબઈ – મુંબઈ સહિત મહારાષ્ટ્રની 10 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજવાની ચૂંટણી પંચે આજે અહીં જાહેરાત કરી છે.

મતગણતરી અને પરિણામ માટે 23 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરાયો છે.

મુંબઈ ઉપરાંત જે અન્ય 9 મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી યોજાવાની છે તે છે – થાણે, પુણે, ઉલ્હાસનગર, પિંપરી ચિંચવડ, નાશિક, નાગપુર, અકોલા, અમરાવતી અને સોલાપુર.

મહારાષ્ટ્રના ચૂંટણી કમિશનર જે.એસ. સહારિયાએ આજે પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.

મહાપાલિકા ચૂંટણી માટેનું મતદાન એક જ તબક્કામાં યોજાશે.

ઉમેદવારી નોંધાવવાનું 27 જાન્યુઆરીથી શરૂ થશે અને ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 3 ફેબ્રુઆરી છે.

આર્થિક રીતે સમૃદ્ધ મુંબઈ મહાનગરપાલિકામાં હાલ શિવસેનાની આગેવાની હેઠળ શિવસેના-ભાજપ યુતીનું શાસન છે. 2012માં 227-બેઠકોની મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં શિવસેનાએ 158 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા જેમાં તેણે 75માં જીત મેળવી હતી. ભાજપે 69 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને 32માં જીત મેળવી હતી.

મુંબઈ સહિત 10 મહાપાલિકાઓની હાલની મુદત માર્ચ મહિનામાં સમાપ્ત થાય છે.

મુંબઈમાં બારમા ધોરણ (એચએસસી)ની પરીક્ષા 28 ફેબ્રુઆરી અને 25 માર્ચ વચ્ચે અને દસમા ધોરણ (એસએસસી)ની પરીક્ષા 7-29 માર્ચે યોજાવાની છે.

નાગપુર સહિત 25 જિલ્લા પરિષદની ચૂંટણી બે તબક્કામાં યોજવાનું ચૂંટણી પંચે નક્કી કર્યું છે.

પહેલા તબક્કામાં 16 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કામાં 10 જિલ્લા પરિષદ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન થશે.

ચૂંટણી તારીખોની આજે જાહેરાત થવા સાથે જ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.

1 જાન્યુઆરી અનુસાર, બીએમસી તથા અન્ય મહાનગરપાલિકાઓ માટેની મતદાર યાદીઓ રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS