Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – આજે અહીં કાઢવામાં આવેલા મરાઠા ક્રાંતિ મોર્ચાને પગલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય વિધાનસભામાં નિવેદન કરીને મરાઠા સમાજની માગણીઓને માન્ય રાખ્યા બાદ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે એકત્રિત થયેલો મોરચો સાંજે 4.30 વાગ્યાની આસપાસ સમાપ્ત થયો હતો.

ફડણવીસે વિધાનસભામાં ઘોષણા કરી હતી કે એમની સરકાર મરાઠા સમાજને અનામત આપવાની તરફેણ કરે છે. મરાઠા સમાજને શિક્ષણ ક્ષેત્રમાં ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) પ્રમાણે સવલત આપવામાં આવશે. ફડણવીસે મરાઠા સમાજની અન્ય માગણી વિશે કહ્યું હતું કે એહમદનગરના કોપર્ડી નગરમાં મરાઠા સમાજની છોકરી પર બળાત્કાર અને તેની હત્યાના પ્રકરણમાં અદાલતમાં મુકદ્દમો ચલાવવામાં આવશે.

મરાઠા ક્રાંતિ મોરચાના નેજા હેઠળ આજે સવારે ભાયખલાના જીજામાતા ઉદ્યાનથી શરૂ કરાયેલો વિરાટ મોરચો બપોરે આઝાદ મેદાન ખાતે પહોંચ્યા બાદ મોરચાના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ તેમની માગણીઓના આવેદનપત્ર સાથે ફડણવીસને મળ્યું હતું. તે બેઠકમાં સમાજની માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેની જાણકારી ફડણવીસે બાદમાં વિધાનસભામાં આપી હતી.

ફડણવીસે બીજી જાહેરાત કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મરાઠા સમાજના વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલ બનાવવામાં આવશે. એ પ્રત્યેક હોસ્ટેલ માટે મહારાષ્ટ્ર સરકાર રૂ. પાંચ કરોડનું અનુદાન આપશે.

                          મુખ્યપ્રધાન ફડણવીસના નિવેદનના મુખ્ય મુદ્દાઃ
– કોપર્ડી સામુહિક બળાત્કાર, હત્યા પ્રકરણનો મુકદ્દમો અંતિમ તબક્કામાં છે, ટૂંક સમયમાં જ પરિણામની આશા
– મરાઠા અનામતનો મુદ્દો પછાત જાતિઓ માટેના પંચને સુપરત કરાયો છે. પંચે તેનો અહેવાલ કોર્ટમાં નિશ્ચિત મુદતમાં પેશ કરવાનો રહેશે.
– છત્રપતિ શાહૂ મહારાજ યોજના અંતર્ગત મરાઠા સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાશે
– તમામ 605 અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ લાગુ કરાશે
– શિષ્યવૃત્તિ માટે OBC ને લાગુ કરાયેલી શરતો મરાઠા સમાજને પણ લાગુ કરાશે
– શિષ્યવૃત્તિ માટે 60 ટકા માર્ક્સની શરતને હળવી કરી 50 ટકા કરાઈ
– મહારાષ્ટ્રના પ્રત્યેક જિલ્લામાં મરાઠા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ (વસતીગૃહ) બનાવાશે, પ્રત્યેક જિલ્લાને પાંચ કરોડ રૂપિયાનું અનુદાન અપાશે
– ત્રણ લાખ કિસાનોનાં સંતાનોને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે, કેન્દ્ર સરકારે રાજ્યની માગણી મંજૂર કરી છે
– મરાઠા સમાજની જાતિ, પેટા-જાતિઓની અનુકૂળતા અનુસાર જાતિ-સર્ટિફિકેટ આપવામાં આવશે.

Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS