Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ‘બેસ્ટ’ બસ સેવાના કર્મચારીઓએ ગઈ મધરાતથી શરૂ કરેલી એમની બેમુદત હડતાળ આજે બપોર બાદ પાછી ખેંચી લીધી છે. આને લીધે મુંબઈગરાંઓને મોટી રાહત થઈ છે.

મુંબઈના રહેવાસીઓ માટે લોકલ ટ્રેન સેવા પહેલી લાઈફ લાઈન છે તો બૃહદમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) કંપનીની બસ સેવા બીજી જીવાદોરી છે. આ બીજી જીવાદોરી આજે સવારથી ઠપ થઈ ગઈ હતી, કારણ કે મહાનગરપાલિકા સંચાલિત ‘બેસ્ટ’ના આશરે 35,000 કર્મચારીઓ ગઈ મધરાતથી બેમુદત હડતાળ પર ઉતરી ગયાં હતા અને આજે સવારથી શહેરના માર્ગો પરથી બેસ્ટની બસો ગાયબ થઈ ગઈ હતી.

આજે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે બેસ્ટકર્મીઓની હડતાળને કારણે શહેરીજનોની તકલીફમાં વધારો થયો હતો. જોકે 16-કલાક સુધી હડતાળ પર રહ્યા બાદ કર્મચારીઓના યૂનિયનોએ હડતાળ પાછી ખેંચી લીધી હતી.

બેસ્ટ કામગાર કૃતિ સમિતિના સભ્યોએ શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સાથે બાન્દ્રા (ઈસ્ટ) સ્થિત એમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે જઈને બેઠક કર્યા બાદ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. એ બેઠકમાં બેસ્ટ કર્મચારીઓના યૂનિયન લીડર શશાંક રાવ તથા અન્ય પ્રતિનિધિઓ અને ઉધ્ધવ ઠાકરે હાજર રહ્યા હતા.

બેસ્ટ કર્મચારીઓને દર મહિને પગાર સમયસર આપવાનું ઉધ્ધવ ઠાકરેએ વચન આપ્યા બાદ કર્મચારીઓના સંઘોએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.

મુંબઈમાં 3800 બેસ્ટ બસોમાં દરરોજ આશરે 30 લાખ જેટલા લોકો BEST બસોમાં પ્રવાસ કરતા હોય છે.

‘બેસ્ટ’ના કર્મચારીઓએ એમને પગાર સમયસર મળે, બેસ્ટ કંપનીને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે મહાનગરપાલિકા કાયમી ધોરણે એને આર્થિક મદદ કરે એ સહિતની કેટલીક માગણીઓના ટેકામાં કર્મચારીઓ બેમુદત હડતાળ પર ઉતરી ગયાં હતા.

હડતાળને કારણે શહેરના તમામ બેસ્ટ બસ ડેપો ખાલી જોવા મળ્યા હતા. ડેપોમાંથી એકેય બસ સવારે બહાર કાઢવામાં આવી નહોતી.

બેસ્ટ કર્મચારીઓ અનિયમિત પગાર મળવાની સમસ્યાથી છેલ્લા કેટલાય વખતથી પરેશાન છે.

શશાંક રાવની આગેવાની હેઠળના BEST કર્મચારીઓના યૂનિયને માગણી કરી છે કે વહીવટીતંત્ર લેખિતમાં ખાતરી આપે એવી અમારી માગણીનો તેણે સ્વીકાર કર્યો નથી તેથી અમે બેમુદત હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.

બીજી બાજુ, મહારાષ્ટ્ર સરકારે BEST કર્મચારીઓને ગઈ કાલે જ ચેતવણી હતી કે જો તેઓ હડતાળ પર જશે તો એમની સામે મહારાષ્ટ્ર એસેન્શિયલ સર્વિસીસ મેઈન્ટેનન્સ એક્ટ, 2011 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

BEST કંપનીના ટ્રાન્સપોર્ટ વિભાગમાં 35 હજાર કર્મચારીઓ છે.

BEST જનરલ મેનેજર સુરેન્દ્રકુમાર બાગડેએ કહ્યું છે કે અમે કર્મચારીઓને 10 ઓગસ્ટ પહેલાં પગાર ચૂકવવા સહમત થયા છે. એમને દર મહિને 10મી તારીખે પગાર મળશે. કંપનીની આર્થિક સ્થિતિ ભલે ગમે તેવી હોય કર્મચારીઓને દર મહિનાની 10મી તારીખે પગાર ચૂકવવામાં આવશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS