Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – અહીંના ધારાવી વિસ્તારમાં પ્રિયદર્શિની બિલ્ડિંગ નજીક ઓએનજીસી જંક્શન નજીકના એક મકાનમાંથી આજે કેટલાક હથિયારધારી શખ્સો આયોજનપૂર્વક એક એટીએમ મશીન માટેની રૂ. 1.57 કરોડની રકમ લૂંટી ગયા હતા.

આ ઘટના બપોરના સમયે બની હતી. બપોરે લગભગ 2.50 વાગ્યાના સુમારે ચાર શખ્સ બે સશસ્ત્ર ચોકિયાતની આંખોમાં મરચાંની ભૂકી નાખીને માત્ર 10 મિનિટમાં જ રૂ. 1.57 કરોડની રકમ લૂંટીને ભાગી ગયા હતા. રાહદારીઓને લૂંટની ઘટના બની રહી હોવાનો જરાસરખો પણ ખ્યાલ આવ્યો નહોતો.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એટીએમ મશીનમાં રોકડ રકમ ભરવા માટે સરકારી ડ્યૂટી પરની સફેદ રંગની બોલેરો કાર ત્યાં આવી પહોંચી હતી. એમાં ડ્રાઈવર અને બે બંદૂકધારી ચોકિયાત સહિત ચાર જણ બેઠા હતા.

નજરે જોનારાઓએ આપેલી જાણકારી મુજબ, બપોરે 2.50 વાગ્યે અજાણ્યા શખ્સો તે એટીએમ વાન આવવાની રાહ જોતા હતા. 2.53 વાગ્યે વાન આવી પહોંચ્યા બાદ બે બંદૂકધારી સુરક્ષા ચોકિયાતો એમાંથી બહાર આવ્યા હતા અને એમની બંદૂકો ખભે મૂકીને બોક્સને ઉઠાવીને રોડની પેલે પાર જવા લાગ્યા હતા. 2.56 વાગ્યે ત્રણ શખ્સ એમની પાસે આવ્યા હતા. એમાંના એક માણસે સુરક્ષા ચોકિયાતોની આંખોમાં મરચાંની ભૂકી નાખી હતી. અચાનક હુમલો થતાં સુરક્ષા ગાર્ડ્સે પૈસા ભરેલું બોક્સ નીચે ફેંકી દીધું હતું અને એમની આંખો ચોળવા માંડ્યા હતા. પેલા ત્રણ શખ્સે તે બોક્સ ઉઠાવી લીધું હતું અને રોડ ક્રોસ કરી ગયા હતા.

2.58 વાગ્યે ત્રણેય શખ્સ એટીએમ સેન્ટર સુધીપહોંચ્યા હતા અને તેની અંદર જવાને બદલે ત્યાંથી આગળ નીકળી ગયા હતા. એમણે દૂર એક ટેક્સીમાં બેઠેલા એમના સાગરિતોને ઈશારો કર્યો હતો અને બાદમાં ચારેય જણે તે બોક્સ સાથે ટેક્સીમાં બેસીને ભાગી ગયા હતા.

ઘટનાની જાણ થતાં સિનિયર પોલીસ અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા. એમણે તરત જ નજીકની જ્વેલરી અને મીઠાઈની દુકાનોનાં સીસીટીવી ફુટેજ મેળવ્યું હતું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS