Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બ્રિસ્ટોલ (ઈંગ્લેન્ડ) – ભારતની મહિલા ક્રિકેટ ટીમની સુકાની મિતાલી રાજે આજે વિશ્વવિક્રમ કર્યો છે. તે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6000 રન પૂરા કરનાર પહેલી મહિલા ક્રિકેટર બની છે.

મિતાલીએ આ સિદ્ધિ આજે અહીં આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2017માં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન હાંસલ કરી હતી. આજની મેચ મિતાલીની કારકિર્દીની 183મી મેચ છે.

મિતાલીએ 51.37ની સરેરાશ સાથે 6000 રન પૂરા કર્યા છે.

34 વર્ષીય મિતાલીએ ઈંગ્લેન્ડની બેટ્સવુમન શાર્લોટી એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો છે જેણે તેની કારકિર્દીમાં 5992 રન કર્યા હતા.

મિતાલીએ આજે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતના દાવ વખતે વ્યક્તિગત 34 રન કર્યા એ સાથે જ તે કારકિર્દીના કુલ સ્કોરના આંક 6000 પર પહોંચી હતી. મિતાલીને ઘણી વાર મહિલા ક્રિકેટની સચીન તેંડુલકર તરીકે ગણવામાં આવે છે. પુરુષોના વર્ગમાં, વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાનો સચીન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ છે. સચીને 44.83ની સરેરાશ સાથે 18,426 રન કર્યા છે.

મિતાલીએ આજે ઓસ્ટ્રેલિયાની બોલર ક્રિસ્ટન બીમ્સને એનાં માથા પરથી સિક્સર ફટકારીને 6000નાં આંકના વિક્રમે પહોંચી હતી.

જમણેરી બેટ્સવુમન મિતાલી અંતે 69 રન કરીને આઉટ થઈ હતી. તેણે 114 બોલનો સામનો કર્યો હતો જેમાં એક છગ્ગો અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે પોતાની 50 ઓવરમાં 7 વિકેટે 226 રન કર્યા હતા. ઓપનર પૂનમ રાઉતે સદી ફટકારી હતી. એણે 136 બોલમાં 106 રન કર્યા હતા, જેમાં 11 ચોગ્ગા હતા.

મિતાલી 16 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સામેલ થઈ હતી. એણે પોતાની પહેલી જ મેચમાં (આયરલેન્ડ સામે) સદી ફટકારી હતી. કારકિર્દીની પહેલી જ મેચમાં અને સૌથી યુવાન વયે વન-ડે મેચમાં સદી ફટકારનાર તે દુનિયાની પહેલી બેટ્સવુમન બની હતી.

ત્યારબાદ 19 વર્ષની વયે મિતાલીએ ટોન્ટનમાં ઈંગ્લેન્ડ સામેની એક ટેસ્ટમેચમાં 214 રન ફટકાર્યા હતા. એ વખતે તે વિશ્વવિક્રમધારક બની હતી. ત્યારબાદ 2004માં પાકિસ્તાનની કિરન બલુચે વેસ્ટ ઈન્ડિઝ સામે 242 રન ફટકારીને નવો વિશ્વવિક્રમ સર્જ્યો હતો.

મિતાલીએ તેની 18-વર્ષની કારકિર્દીમાં અનેક રેકોર્ડ તોડ્યા છે. હાલમાં જ એ વન-ડે ક્રિકેટમાં સતત સાત અડધી સદી ફટકારનાર પહેલી બેટ્સવુમન બની હતી.

ભારતીય ટીમે 2005માં મિતાલીનાં સુકાનીપદ હેઠળ મહિલાઓની વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, પણ ત્યાં એનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS