Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શિમલા – હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં એક હાઈવે પર આજે મોટી ભૂસ્ખલન દુર્ઘટનાએ ઓછામાં ઓછા 46 જણનો ભોગ લીધો છે. પાંચ જણને ઉગારી લેવામાં આવ્યા છે.

ભૂસ્ખલનની દુર્ઘટના મંડી-પઠાણકોટ હાઈવે પર કોત્રોપી ગામ નજીક શનિવારે મધરાત બાદ થઈ હતી. ડુંગર પરથી ભૂસ્ખલન થતાં ભેખડોનો કાટમાળ રસ્તા પર 150 મીટર સુધીના ભાગ પર ફરી વળ્યો હતો અને અમુક ઘર, બે એસટી બસ અને કેટલાક વાહનો એની નીચે દટાઈ ગયા હતા.

અચાનક ભેખડો ધસી પડતાં હિમાચલ રોડ ટ્રાન્સફોર્ટ કોર્પોરેશનની બે બસ પર કાટમાળ ફરી વળ્યો હતો. બસ હાઈવે પર એક ફૂડ સ્ટોલ પાસે ઊભી હતી. પ્રવાસીઓ ચા-નાસ્તો કરી શકે એટલા માટે બંને બસને ત્યાં ઊભી રાખવામાં આવી હતી.

એક બસ મનાલી તરફ જતી હતી અને પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી હતી.

મનાલી જવા માટે ચંબા નગરથી 40થી વધુ પ્રવાસીઓ એ બસમાં ચડ્યા હતા. એ બસમાં પ્રવાસ કરનાર 42 જણ માર્યા ગયા છે અને એમનાં મૃતદેહ મળ્યા છે.

મધરાત બાદ 12.20 વાગ્યે અચાનક ભૂસ્ખલન થતાં બસ રસ્તા પરથી ગબડીને 800 મીટર જેટલા નીચે ખાડામાં પડી ગઈ હતી અને એની ઉપર કાટમાળનો ઢગલો પડ્યો હતો.

બીજી બસ જમ્મુના કત્રા તરફ જતી હતી. આજે સાંજ સુધીમાં 46 મૃતદેહો મળી આવ્યા હતા. એક સરકારી પ્રવક્તાએ કહ્યું હતું કે આખા દિવસની કામગીરીને અંતે લગભગ બધાં મૃતદેહ મળી ગયા છે.

બીજી બસના ત્રણ પ્રવાસીના મૃતદેહ મળ્યા છે. તદુપરાંત એક બાઈકચાલકનો મૃતદેહ મળ્યો છે.

સ્થાનિક લોકોએ કહ્યું કે ભૂસ્ખલનના મોટા અવાજો આવવાનું શરૂ થયું કે તરત જ લોકો ગભરાટના માર્યા પોતપોતાનાં ઘરમાંથી બહાર રસ્તા પર દોડી ગયા હતા અને જંગલ વિસ્તાર તરફ દોડ્યા હતા. અમુક મિનિટોમાં જ બાજુના ડુંગર પરથી ભેખડો ધસી પડી હતી અને પેલા ઘરો એની નીચે દટાઈ ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહે માર્યા ગયેલા પ્રત્યેકના સ્વજનને રૂ. પાંચ લાખ એક્સ-ગ્રેશિયા તરીકે આપવાની જાહેરાત કરી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS