Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – મરાઠા સમાજ માટે સરકારી નોકરીઓમાં તથા શિક્ષણ ક્ષેત્રે બેઠકો અનામત રાખવા માટે તથા અન્ય માગણીઓ માટે મહારાષ્ટ્ર સરકાર પર દબાણ લાવવા માટે મરાઠા સમુદાય દ્વારા મરાઠા ક્રાંતિ મોરચાના નેજા હેઠળ આજે સવારે ભાયખલાથી કાઢવામાં આવેલો મહામોરચો બપોરે 1 વાગ્યે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે પહોંચ્યા બાદ મોરચાના પ્રતિનિધિઓએ ભાષણો કર્યા હતા. ત્યારબાદ સમાજના અગ્રણીઓનું એક પ્રતિનિધમંડળ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા મંત્રાલય ખાતે રવાના થયું હતું.

નિર્ધારિત સમય મુજબ, બપોરે 3 વાગ્યાથી મોરચામાં સહભાગી થયેલા લોકો ધીમે ધીમે વિખેરાવા લાગ્યા હતા અને પોતપોતાના ઘર તરફ પાછા ફર્યા હતા.

મરાઠા ક્રાંતિ મોરચાને મહારાષ્ટ્રના તમામ મુખ્ય રાજકીય પક્ષોએ ટેકો જાહેર કર્યો છે. એને લીધે મોરચામાં અનેક પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અશોક ચવાણ તથા કોંગ્રેસના વિધાનસભ્ય ભાઈ જગતાપ ઉપસ્થિત રહ્યા હતા.

સવારે 11 વાગ્યે મોરચો ભાયખલાના જીજામાતા ઉદ્યાન ખાતેથી શરૂ થયો હતો અને ભાયખલા ફ્લાયઓવર, જે.જે. હોસ્પિટલ ફ્લાયઓવર પરથી નીકળી દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનની સામેના આઝાદ મેદાન ખાતે પહોંચ્યો હતો.

મોરચામાં બેથી અઢી લાખ જેટલા લોકો સામેલ થયા હોવાનો અંદાજ છે.

મોરચામાં જોડાવા માટે મહારાષ્ટ્રભરમાંથી હજારો લોકો મુંબઈ આવ્યા છે. મરાઠા સમાજના લોકો મુંબઈની સડકો પર ઉતરી આવતાં અનેક ઠેકાણે ટ્રાફિક જામ થયો હતો, પરંતુ સદભાગ્યે ક્યાંય કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી.

આ મોરચો મૂક-શાંત રહેશે, તે છતાં એની વ્યાપકતાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા કે પોલીસ તંત્ર કોઈ પ્રકારની કચાશ રાખવા માગતા નથી.

ટ્રાફિક જામની સમસ્યાની શક્યતાને ધ્યાનમાં લઈને રાજ્યના શિક્ષણ વિભાગે દક્ષિણ મુંબઈની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.

મુંબઈમાં જડબેસલાક ટ્રાફિક વ્યવસ્થા રાખવામાં આવી છે. ખાસ કરીને સાયન-પનવેલ હાઈવે પર પોલીસનો કડક બંદોબસ્ત છે.

દાદર, માટુંગા, સાયન ઉપનગરોમાં શાળાઓ ખુલ્લી રખાશે, પરંતુ સ્કૂલ બસોને કાલનો દિવસ ન દોડાવવાની સૂચના અપાઈ છે.

                          આ છે મરાઠા સમાજની મુખ્ય માંગણી:
– મરાઠા સમાજને શિક્ષણ અને નોકરીમાં બેઠકો અનામત જોઈએ છે

– મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લાના કોપર્ડીમાં મરાઠા સમુદાયની કન્યા પર બળાત્કાર કરી એની હત્યા કરનાર ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવે

– એટ્રોસિટી (અત્યાચાર) કાયદામાં જરૂરી ફેરફારો કરવામાં આવે

– મરાઠા સમાજના બેરોજગાર તરુણોને રોજગાર ઉપલબ્ધ કરવામાં આવે

– આત્મહત્યા કરનાર કિસાનોનાં વારસદારોને સરકારી નોકરી આપવામાં આવે

– અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બાંધવાનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે

પોલીસનો થ્રી-ટાયર બંદોબસ્ત

વિરાટ મૂક-મોરચા દરમિયાન કોઈ પ્રકારનો અજૂગતો બનાવ ન બને એ માટે મોરચાને આવરી લેતા સમગ્ર વિસ્તારમાં પોલીસનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ તંત્રે સલામતી જાળવવા માટે થ્રી-ટાયર બંદોબસ્ત ગોઠવ્યો છે.

સ્થાનિક પોલીસ સાથે સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સ, રેલવે પોલીસ ફોર્સ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ જેવા અન્ય દળોના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. સમગ્ર મોરચા માટે 20 હજારથી વધુ અધિકારીઓ-પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

સમગ્ર મોરચા પર પોલીસ તંત્ર ડ્રોન વડે બાજ નજર રાખી રહ્યું છે.

મોરચો શાંતિપૂર્વક રીતે સંપન્ન થાય એની સાવચેતી અને અગમચેતી ખાતર રમખાણ-વિરોધી દળ, બોમ્બનાશક દળ, શ્વાન દળ વગેરેને પણ સજ્જ રાખ્યા છે.

પોલીસે માત્ર મોરચાને આવરી લેતા સ્થળોએ જ નહીં, પરંતુ દહીસર, મુલુંડ, માનખુર્દ જેવા મુંબઈના એન્ટ્રી પોઈન્ટ્સ ખાતે પણ બંદોબસ્ત કડક રાખ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS