Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શ્રાવણ માસમાં શિવ પૂજા અને શિવ ભક્તિનો અનંત મહિમા રહેલો છે. અને એમાં પણ ભારત દેશમાં 12 જ્યોતિર્લિંગ સ્વરૂપે સાક્ષાત ભગવાન શિવ બિરાજમાન છે. આમ તો અનેક સ્વયંભૂ મહાદેવ આપણા દેશમાં છે પરંતુ 12 અગ્રણી જ્યોતિર્લિંગો વિશેષ ગણાયાં છે.  Chitralekha.com પર આજે વાત કરીશું ઉજ્જૈનના મહાકાલેશ્વર મહાદેવની અને જાણીશું મહાકાલેશ્વરનો મહિમા.

 

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પવિત્ર શિપ્રા નદીના કિનારે આવેલું છે. ઉજ્જૈન નગરની અને ભારત વર્ષની પવિત્ર સાત નદીઓ પૈકીની એક નદી ગણવામાં આવે છે. આ મંદિરનો ઈતિહાસ ખરેખર અલૌકિક છે.

શિવ મહાપુરાણના કોટીરૂદ્ર સંહિતાના સોળમાં અધ્યાયમાં સૂતજી દ્વારા કરાયેલા વર્ણન અનુસાર હજારો વર્ષ પૂર્વે આ સ્થળે વેદપ્રિય નામક એક પવિત્ર બ્રાહ્મણ પોતાના ચાર પુત્રો સાથે નિવાસ કરતા હતા.  તેમના પુત્રોના દેવપ્રિય, પ્રિયમેધા, સંસ્કૃત અને સુવ્રત હતા.આ બ્રાહ્મણ પરિવાર પોતાની શિવભક્તિ માટે ખૂબ જાણીતો હતો. વેદપ્રિય પ્રતિદિન ઘરમાં અગ્નિની સ્થાપના કરીને અગ્નિહોત્ર કરતા હતા. અને સતત વૈદિક કર્મ પણ કરતાં હતાં. ભગવાન શિવના પરમભક્ત એવા આ બ્રાહ્મણ નિત્ય પાર્થિવ લિંગની સ્થાપના કરીને વિધિવિધાન અનુસાર તેની પૂજા કરતાં હતાં. તેઓ ભગવાન વિષ્ણુના પણ પરમ ભક્ત હતા. પરંતુ એક સમયે પાસેના જંગલમાં રહેતાં દૂષણ નામના રાક્ષસે ભગવાન બ્રહ્માજીની ઉપાસના કરી અને બ્રહ્માજી પાસેથી અજેયતાનુ વરદાન મેળવીને હાહાકાર મચાવી દીધો.

અંતે સમસ્ત જગ્યાએ પોતાનો આતંક ફેલાવી આ રાક્ષસે  આ બ્રાહ્મણોને હેરાન કરવાનું શરુ કર્યુ. આ રાક્ષસના પ્રકોપથી મુક્તિ મેળવવા માટે આ બ્રાહ્મણોએ એક મહાયજ્ઞ કરીને ભગવાન શિવને અહીંયા બિરાજીત થવા માટે આહવાન કર્યુ. રાક્ષસોએ જેવું બ્રાહ્મણો પર આક્રમણ કર્યુ કે તરત જ પાર્થિવ લિંગમાંથી સ્વયં ભગવાન શિવ પ્રગટ થયાં અને પોતાના ત્રીજા નેત્રથી આ દુષ્ટ રાક્ષસને અને તેની શક્તિઓ સહિત તેના સૈન્યને ભસ્મીભૂત કરી નાંખ્યું… ત્યાર બાદ હુંકાર સાથે ભગવાન શિવે મહાકાલ સ્વરૂપ ધારણ કરીને ભગવાને તે ભસ્મ પોતાના શરીરે લગાવી. ત્યારબાદ સમસ્ત બ્રહ્માંડના દેવતાઓએ ભગવાન શિવ પર પુષ્પવૃષ્ટિ કરી. બ્રાહ્મણો પર પ્રસન્ન થયેલાં ભગવાન શિવે બ્રાહ્મણોને કહ્યું કે હું તમારા પર પ્રસન્ન થયો છું બોલો તમારે શું વરદાન જોઈએ છે. બ્રાહ્મણોએ કહ્યું કે હે શિવ અમને સંસારસાગરમાંથી મુક્તિ આપો અને તમે મનુષ્યના કલ્યાણ અને તેમની રક્ષા માટે અહીંયા બિરાજમાન થાઓ અને જે કોઈ મનુષ્ય તમારા દર્શનાર્થે આવે તેનો તમે ઉદ્ધાર કરો. ત્યારબાદ ભગવાન શિવ અહીં બીરાજમાન થયાં અને સમસ્ત સૃષ્ટિમાં મહાકાલ તરીકે ઓળખાયાં.

ધર્મગ્રંથો અનુસાર આકાશમાં તારક લિંગ, પાતાળમાં હાટકેશ્વર લિંગ અને પૃથ્વી પર મહાકાલેશ્વરથી વિશેષ કોઈ જ્યોતિર્લિંગ નથી. મહાકાલેશ્વર મહાદેવનું જયોર્તિલિંગ ચાંદીના વિશાળ થાળામાં બિરાજે છે. જે દોઢેક ફૂટ પહોળું અને ત્રણેક ફૂટ ઊંચું છે. વિશાળતાની દ્રષ્ટિએ આ જયોર્તિલિંગ સોમનાથ પછી બીજા નંબરે આવે છે. ગર્ભગૃહનું દ્વાર દક્ષિણાભિમુખ હોવાથી આ શિવલિંગનું ઘણું મહત્વ છે. શાસ્ત્રો મુજબ દક્ષિણ દિશાના સ્વામી સ્વયં ભગવાન યમરાજ છે. માટે જ જે વ્યક્તિ આ મંદિરના દર્શન કરી સાચા મનથી પ્રાર્થના કરે છે તેને મૃત્યુ ઉપરાંત યમરાજ દ્વારા અપાતી યાતનાથી મુક્ત કરે છે. દરરોજ સવારે ચાર વાગે ગ્વાલિયરના રાજપરિવાર તરફથી ગંગાજળની સૌથી પહેલો અભિષેક ભગવાન મહાકાલનો કરવામાં આવે છે અને ત્યારબાદ સ્મશાનમાંથી લાવવામાં આવેલ તાજી માનવ ભસ્મ જયોર્તિલિંગ પર લગાવવામાં આવે છે જેને ભસ્મ આરતી પણ કહેવાય છે. ભસ્મ આરતી થયા બાદ ભક્તો શિવલિંગ પર જળાભિષેક કરી શકે છે. આ જયોર્તિલિંગ પર શણગાર કરતી વખતે કે સ્નાન કરાવતી વખતે સ્ત્રીઓને દર્શન કરવાની મનાઈ છે. આ મંદિરની રચના એવી વિશિષ્ટ કરવામાં આવી છે કે ઊગતા સૂર્યનું પ્રથમ કિરણ મહાકાલેશ્વર જયોર્તિલિંગ પર પડે છે. આ માટે પૂર્વ તરફની દિવાલના ઉપરના ભાગે એક બારી રાખવામાં આવેલ છે, અહીં ગર્ભગૃહમાં ચોવીસ કલાક એક ઘીનો અને બીજો તેલનો એમ બે અખંડ દીપ પ્રજ્વલિત રહે છે.

ઉજજૈન નગરી ભારતની સૌથી પ્રાચીન નગરી ગણાય છે. ઉજજૈન પરથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે. અને તેથી જ એક જમાનામાં ઉજજૈન જયોતિષ વિજ્ઞાન અને જયોતિર્વિધ્યાનું અદભૂત ધામ ગણાતું હતુ. ભારતમાં જે પાંચ મુખ્ય વેધશાળાઓ છે તે પૈકીની સૌથી પ્રાચીન વેધશાળા અહીં છે. અન્ય ચાર વેધશાળાઓ વારાણસી, દિલ્હી, અલ્હાબાદ અને જયપુર ખાતે છે.

ઉજ્જૈનમાં મહાકાલેશ્વર સિવાય પણ અનેક શિવ મંદિરો છે. નજીકમાં જ કાળ ભૈરવનું મંદિર પણ આવેલું છે. હકીકતમાં આવા 84 શિવ મંદિરો ઉજ્જૈનમાં આવેલા છે. હરસિદ્ધિ મહાકાલી નામની શક્તિપીઠ પણ અહીંયા જ આવેલી છે. શક્તિ પૂજા શૈવ સંપ્રદાય સાથે નિકટથી સંકળાયેલી છે તે આ શક્તિપીઠની  હાજરીથી સમજી શકાય છે. આ સુંદર મંદિર ફરતે કિલ્લો પણ છે. પવિત્ર શિપ્રા નદીને કિનારે દર બાર વર્ષે કુંભમેળો ભરાય છે. ઉજજૈનથી પાંચેક કિ.મી. દૂર શિપ્રાને કિનારે ભૈરવગઢ નામનું નાનું ગામડું આવેલ છે. અહીંયા એક ટેકરી પર ભગવાન કાળભૈરવનું મંદિર છે. ઉજજૈનમાં બીજા ઘણાં જોવાલાયક નાનાં મોટાં મંદિરો પણ આવેલા છે.

વિદ્વાનોના મત અનુસાર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર જ સમગ્ર પૃથ્વીનુ કેન્દ્ર બિંદુ છે. અને સંપૂર્ણ પૃથ્વીનું ભરણપોષણ ભગવાન શિવ ભગવાન મહાકાલ અહીંયાથી કરે છે. કહેવાય છે કે અહીંયા ભગવાન શિવના દર્શન કરનાર વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો સાથે જ જે મનુષ્ય ઉજ્જૈનના મહાકાલ પાસે આવીને સાચા મનથી પ્રાર્થના અથવા પૂજા કરે તેને ધનધાન્યની પ્રાપ્તિ સાથે લાંબુ આયુષ્ય અને નિરોગી સ્વાસ્થ્ય પણ ભગવાન મહાકાલ પ્રદાન કરે છે. દેશ અને દુનિયામાંથી અનેક ભક્તો ભગવાન શિવ એટલે કે ભગવાન મહાકાલના દર્શન કરવા માટે અહીંયા આવે છે. કારણ કે મહાકાલ મનુષ્યના અકાલ મૃત્યુને ટાળીને મોક્ષ પ્રાપ્તિ કરાવનારા ભગવાન છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS